ભારતના ગૃહ મંત્રી અમિત શાહની કુંડળીમાં ફોજદારી ખટલાઓ લખાયેલા છે. તેઓ ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હતા ત્યારે તેમનું નામ સોહરાબુદ્દીન શેખ અને તેની પત્ની કોસરબીની હત્યાના ફેક એન્કાઉન્ટર કેસમાં સંડોવાયું હતું; જે બદલ તેમણે જેલમાં જવું પડ્યું હતું અને ગુજતરાતમાંથી તડીપાર પણ થવું પડ્યું હતું. હવે કેનેડાના નાયબ વિદેશ મંત્રી ડેવિડ મોરિસને જાહેરમાં આક્ષેપ કર્યો છે કે કેનેડામાં રહેલા ખાલિસ્તાની નેતા હરદીપસિંહ નિજ્જરની હત્યામાં ભારતના ગૃહ મંત્રી અમિત શાહનો પણ હાથ હતો.
હકીકતમાં થોડા દિવસ પહેલાં અમેરિકાના પ્રતિષ્ઠિત અખબાર વોશિંગ્ટન પોસ્ટમાં એક હેવાલ છપાયો હતો, જેમાં અમિત શાહનું નામ આપીને લખવામાં આવ્યું હતું કે નિજ્જરની હત્યાનો આદેશ અમિત શાહે આપ્યો હતો. હવે કેનેડાના નાયબ વિદેશ મંત્રી ડેવિડ મોરિસને કબૂલ કર્યું છે કે વોશિંગ્ટન પોસ્ટને આ માહિતી તેમણે જ આપી હતી. જો કે નિજ્જરની હત્યામાં અમિત શાહની સંડોવણી હતી, તેના કોઈ પુરાવા તેમણે આપ્યા નથી. જો તેમની પાસે તેવા પુરાવા હોય તો કેનેડા અમિત શાહ સામે કેસ કરી શકે છે.
કેનેડાના વિદેશ બાબતોના નાયબ પ્રધાન ડેવિડ મોરિસને રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની પૂછપરછ દરમિયાન કબૂલ્યું હતું કે તેમણે અમિત શાહના નામની માહિતી વોશિંગ્ટન પોસ્ટના પત્રકારને કોઈ પણ પુરાવા વિના લીક કરી હતી. આ અખબારે લખ્યું છે કે અમિત શાહે કેનેડામાં શીખ અલગતાવાદીઓને નિશાન બનાવીને હિંસા, ધમકીઓ અને ગુપ્ત માહિતી એકત્ર કરવાના અભિયાનનો આદેશ આપ્યો છે. સુનાવણી દરમિયાન નેશનલ સિક્યુરિટી કમિટીના વાઈસ ચેર રાકલ ડેન્ચોએ ડેવિડ મોરિસન અને કેનેડાના નેશનલ સિક્યુરિટી એડવાઈઝર નેથાલી ડ્રોઈનને પૂછ્યું કે શું તેમણે અમિત શાહનું નામ અખબારમાં લીક કર્યું છે. ડ્રોઇને આ વાતનો ઇનકાર કર્યો હતો પણ જ્યારે ડાન્ચોએ મોરિસનને આ જ પ્રશ્ન પૂછ્યો તો તેમણે કહ્યું કે હા, મેં અમિત શાહના નામની પુષ્ટિ કરી હતી. જો કે, ડેવિડ મોરિસને અમિત શાહ વિશે વધુ વાત કરી ન હતી. ડેવિડ મોરિસને એ પણ કહ્યું ન હતું કે કેનેડાને અમિત શાહની સંડોવણી વિશે કેવી રીતે ખબર પડી.
ગયા વર્ષે જૂનમાં વાનકુંવર નજીક બંદૂકધારીઓએ ગોળી મારીને ૪૫ વર્ષીય હરદીપસિંહ નિજ્જરની હત્યા કરી હતી. કેનેડાના વડા પ્રધાને આ હત્યા પાછળ ભારતનો હાથ હોવાનો આરોપ લગાવ્યો હતો. નિજ્જરની હત્યા પછી સપ્ટેમ્બર ૨૦૨૩ માં કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ દેશની સંસદમાં નિવેદન આપ્યું હતું કે કેનેડા પાસે આ ગુનામાં ભારતીય અધિકારીઓની સંડોવણીના નક્કર પુરાવા છે. તે સમયે કેનેડાની સરકારે કોઈ નક્કર પુરાવા રજૂ કરી શકી ન હતી. કેનેડામાં ખાલિસ્તાન સમર્થકોના ભારતવિરોધી વિરોધ અને ખાલિસ્તાન સમર્થક હરદીપસિંહ નિજ્જરની હત્યા બાદ બંને દેશોના સંબંધોમાં તણાવ સતત વધી રહ્યો છે. કેનેડાનો આરોપ છે કે ખાલિસ્તાન સમર્થક હરદીપસિંહ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ છે, જ્યારે ભારત તેને નકારી રહ્યું છે.
કેનેડિયન હાઈ કમિશનરને દેશમાંથી હાંકી કાઢવાની જાહેરાત પછી, ભારતના વિદેશ મંત્રાલયે તેના નિવેદનમાં કહ્યું હતું કે ટ્રુડો સરકારે ભારતીય અધિકારીઓ પરના આરોપોના સમર્થનમાં ભારતને પુરાવાનો ટુકડો પણ બતાવ્યો નથી. હાલમાં જ આ મુદ્દે બંને દેશો વચ્ચે તણાવ એટલો વધી ગયો છે કે બંને દેશોએ એકબીજાના રાજદ્વારીઓને હાંકી કાઢ્યા છે. એકબીજાના રાજદ્વારીઓને હાંકી કાઢવાનો નિર્ણય ત્યારે સામે આવ્યો છે જ્યારે કેનેડાએ નિજ્જર હત્યા કેસમાં ભારતીય હાઈ કમિશનના અધિકારીઓને પર્સન્સ ઓફ ઈન્ટરેસ્ટ તરીકે જાહેર કર્યા હતા. તેમાં કેનેડામાં ભારતના ભૂતપૂર્વ હાઈ કમિશનર સંજય કુમાર વર્મા સામેલ હતા. કેનેડામાં પર્સન ઑફ ઈન્ટરેસ્ટ એવી વ્યક્તિ છે, જેની માટે મનાય છે કે તેઓ ગુના વિશે મહત્ત્વપૂર્ણ માહિતી ધરાવે છે.
ગુજરાતમાં સોહરાબુદ્દીન શેખના ફેક એન્કાઉન્ટરનો ભાજપે રાજકીય લાભ ઉઠાવ્યો હતો તેમ ભાજપ ખાલિસ્તાની ત્રાસવાદી નિજ્જરની હત્યામાં ગૃહ મંત્રી અમિત શાહની કથિત સંડોવણીનો રાજકીય લાભ ઉઠાવી શકે છે. કેનેડા માટે હરદીપસિંહ નિજ્જર ભલે તેનો નાગરિક હોય, ભારત માટે તો તે આતંકવાદી જ હતો. જો અમેરિકાની ગુપ્તચર સંસ્થા પાકિસ્તાનમાં જઈને ઓસામા બિન લાદેનની હત્યા કરી શકે તો ભારત શા માટે કેનેડામાં જઈને તેના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીને મારી ન શકે? નિજ્જરની હત્યામાં ભારતીય ગુપ્તચર સંસ્થા રો અને ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભાલનું નામ પણ આવી રહ્યું છે. ગૃહ પ્રધાન અમિત શાહે બુધવારે સોશ્યલ મિડિયા પ્લેટફોર્મ X પર ટ્રેન્ડ કરવાનું શરૂ કર્યું. ઘણા યુઝર્સે Mota Bhai, Proud of you અમિત શાહ જેવા હેશટેગ સાથે ટ્વિટ કરવાનું શરૂ કર્યું. કેટલાંક લોકો પોતાના ટ્વીટમાં ગૃહમંત્રીનો આભાર માનવા લાગ્યા હતા. કોઈએ લખ્યું કે અમને તમારા પર ગર્વ છે. કોઈએ કહ્યું કે થેન્ક યુ, મોટા ભાઈ. કોઈએ લખ્યું કે મોટા ભાઈ ઈન્ટરનેશનલ થઈ ગયા છે.
અમેરિકા પાસે આ મુદ્દાને ચગાવવાનું કારણ છે, કારણ કે તેણે જૂન ૨૦૨૩ માં ભારતમાં પ્રતિબંધિત સંસ્થા શીખ ફોર જસ્ટિસના વકીલ ગુરપતવંતસિંહ પન્નુની હત્યાના કાવતરા માટે ભારતના ભૂતપૂર્વ ગુપ્તચર અધિકારી સહિત બે ભારતીય નાગરિકોને દોષિત ઠેરવ્યા છે. પન્નુએ કબૂલ્યું છે કે તે ખાલિસ્તાનીઓ વિરુદ્ધ કહેવાતી ભારતીય પ્રવૃત્તિઓ અંગે કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોને માહિતી આપી રહ્યો છે. આ એ જ કાર્યકર્તા છે, જેણે આ વર્ષે ન્યુયોર્ક ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અજિત ડોભાલ અને રોના ભૂતપૂર્વ ડિરેક્ટર સામંત ગોયલ વિરુદ્ધ ન્યાય વિભાગના આરોપના આધારે અરજી કરી હતી. તેણે કહ્યું હતું કે તે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે પછીથી અરજી ફાઇલ કરશે, કારણ કે તેમની પાસે હાલમાં સરકારના વડા તરીકે કાનૂની સંરક્ષણ છે. સવાલ એ છે કે કેનેડા અમિત શાહ, અજીત ડોભાલ અને સામંત ગોયલની પાછળ કેમ પડી ગયું છે?
આ પ્રશ્નનો જવાબ એ હકીકતમાં રહેલો છે કે ત્રણેય ઉગ્ર રાષ્ટ્રવાદી છે અને માને છે કે ભારતે વિશ્વમાં પોતાની ઓળખ બનાવવી જોઈએ. તેઓ સ્વાભિમાની ભારતીયો છે, જેમની પાસે કોઈ વસાહતી હેંગઓવર અથવા હીનતાગ્રંથી નથી. ગોરી ચામડી ધરાવતી પ્રજાને તેઓ ભગવાન માનતા નથી. તેઓ ન તો અમેરિકાવિરોધી છે, ન તો રશિયાવિરોધી, પણ માત્ર ભારત તરફી છે. તેમના કિશોરાવસ્થાના દિવસોથી તેમના નેતા અને માર્ગદર્શક નરેન્દ્ર મોદીની જેમ ગૃહ પ્રધાન અમિત શાહ માને છે કે ભારતનો સમય આવી ગયો છે અને જ્યારે ભારતનો બચાવ કરવાની વાત આવે છે ત્યારે તેઓ જરા પણ નમતું જોખવા માટે તૈયાર નથી. નરેન્દ્ર મોદીએ ૨૦૧૪માં સત્તા સંભાળી ત્યારથી અમિત શાહે કોઈ વિદેશ પ્રવાસ કર્યો નથી અને ભવિષ્યમાં પણ તેમની કોઈ ઈચ્છા નથી. તેમને પૂછો તો તેઓ કહેશે કે તેમને વિદેશ જવા માટે કોઈ રસ નથી. તેઓ વિદેશી રાજદ્વારીઓને મળતા નથી. છેલ્લી વખત જ્યારે અમેરિકી રાજદૂત તેમને ભાજપના વડા તરીકે મળ્યા હતા, ત્યારે રાજદૂત ભારતમાં માનવ અધિકારોની ચર્ચા કરવા માંગતા હતા.
અમિત શાહે તેમને ગોરા ઈંગ્લેન્ડવાસીઓ દ્વારા મૂળ અમેરિકનોના નરસંહાર પર ધ્યાન આપવાની સલાહ આપી હતી. ભારતીય ઐતિહાસિક અને સાંસ્કૃતિક ભૂતકાળની ઊંડી સમજ સાથે અમિત શાહ અમેરિકનોથી જરાય પ્રભાવિત નથી, તો કેનેડિયનો અને બ્રિટિશરો વિશે તો શું વાત કરવી. તેમનું માનવું છે કે ભારતના દુશ્મનો સાથે કાયદાની યોગ્ય પ્રક્રિયા હેઠળ આકરી કાર્યવાહી થવી જોઈએ. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ પણ અમિત શાહ જેવા મક્કમ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્ય સુરક્ષા સલાહકાર તરીકે તેમણે ખાલિસ્તાની અલગતાવાદીઓને તેમના મૌન સમર્થન બાબતે અમેરિકા, બ્રિટન અને કેનેડિયન વાર્તાલાપકારો સાથે સ્પષ્ટપણે વાત કરી છે.