Feature Stories

ભારતમાં પહેલીવાર મિલિટરી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ બનશે, C-295 પ્લેનથી વધશે ભારતીય સૈન્યની તાકાત

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાને સોમવારે ગુજરાતના વડોદરામાં ટાટા એડવાન્સ સિસ્ટમ્સ લિમિટેડનું ઉદ્ઘાટન કર્યું હતું. ટાટાના આ પ્લાન્ટમાં એરબસની મદદથી C295 એરક્રાફ્ટ બનાવવામાં આવશે. વડોદરા પ્લાન્ટમાં 40 એરક્રાફ્ટ બનાવવામાં આવશે. ઉદ્દઘાટન પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે લશ્કરી વિમાનોના નિર્માણથી મેક ઇન ઇન્ડિયા અને મેક ફોર ધ વર્લ્ડ મિશનને મજબૂતી મળશે. આવો જાણીએ શું છે C295 એરક્રાફ્ટ અને તેનાથી કઈ રીતે વધશે સૈન્ય તાકાત.

સૈન્ય પરિવહન એરક્રાફ્ટ બનાવવા માટે દેશમાં ખાનગી ક્ષેત્ર દ્વારા સ્થાપિત કરાયેલા પ્રથમ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે મેડ ઈન ઈન્ડિયા સિવિલ એરક્રાફ્ટ બનાવવા માટે અહીં એરક્રાફ્ટના ઉત્પાદન માટે ઈકોસિસ્ટમ પણ બનવાનું શરૂ થશે. ભારતીય કંપની ટાટા એડવાન્સ સિસ્ટમ્સ લિમિટેડ અને યુરોપિયન એરક્રાફ્ટ ઉત્પાદક એરબસ વચ્ચેના આ સંયુક્ત સાહસનું ઉદ્ઘાટન વડા પ્રધાન મોદીએ સ્પેનના પ્રમુખ પેડ્રો સાંચેઝ સાથે વડોદરામાં કર્યું હતું. C-295 એરક્રાફ્ટનો આ પ્લાન્ટ નવા ભારતની નવી કાર્ય સંસ્કૃતિને પ્રતિબિંબિત કરે છે, જેમાં પ્રોજેક્ટના વિચારથી લઈને તેના અમલીકરણ સુધીની ઝડપ જોઈ શકાય છે. આ પ્લાન્ટનો શિલાન્યાસ વડાપ્રધાન મોદીએ ઓક્ટોબર 2022માં કર્યો હતો.

વડોદરામાં 40 એરક્રાફ્ટનું ઉત્પાદન થશે
આ સાહસ માત્ર ભારત અને સ્પેન વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવા ઉપરાંત સરકારના મિશન ‘મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ’ને પણ મજબૂત કરશે. C-295 પ્રોજેક્ટ હેઠળ 56 એરક્રાફ્ટ સપ્લાય કરવામાં આવશે. તેમાંથી 16 એરક્રાફ્ટ એરબસ દ્વારા સીધા સ્પેનથી સપ્લાય કરવામાં આવશે, જ્યારે બાકીના 40 એરક્રાફ્ટ આ પ્લાન્ટમાં બનાવવામાં આવશે. 21 હજાર કરોડ રૂપિયાની આ ડીલ 2021માં થઈ હતી.

  • C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટની વિશેષતાઓ
  • એરબસની નવી પેઢીનું C-295 એ એરફોર્સની જરૂરિયાતોને અનુરૂપ ભરોસાપાત્ર મલ્ટી-રોલ સ્ટેટ-ઓફ-ધી-આર્ટ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ છે.
  • તે ટ્રુપ ટ્રાન્સપોર્ટેશન, લોજિસ્ટિક્સ, રેસ્ક્યૂ અને સપોર્ટ મિશનથી માંડીને બહુ-કાર્યકારી ભૂમિકાઓ માટે રચાયેલ છે.
  • C-295 ના નામમાં “C” CASA, સ્પેનિશ કંપની જે પ્લેન બનાવે છે તેનું પ્રતિનિધિત્વ કરે છે. ”2” તેના બે એન્જિન સૂચવે છે અને ”95” 9.5 ટનની પેલોડ ક્ષમતા દર્શાવે છે.
  • આ વ્યૂહાત્મક એરલિફ્ટ એરક્રાફ્ટ દિવસ અને રાત બંને પ્રકારના હવામાનમાં ઉડવા માટે સક્ષમ છે.
  • તે નાની અને ઓછી વિકસિત એરસ્ટ્રીપ્સ પર પણ ઉડવા માટે સક્ષમ છે જે વાયુસેનાને વ્યૂહાત્મક લાભ આપશે.
  • આ એરક્રાફ્ટ HS-748 એવરો એસીનું સ્થાન લેશે જે લગભગ 60 વર્ષ પહેલા એરફોર્સમાં સામેલ કરવામાં આવ્યું હતું.
  • તેનો ઉપયોગ ફક્ત એરલિફ્ટ કામગીરી માટે થાય છે. વિમાનમાં આધુનિક ટેક્નોલોજી અને એવિઓનિક્સ છે.
  • તેમાં પ્રેટ એન્ડ વ્હિટની કેનેડા કંપનીનું વધુ શક્તિશાળી PW100 એન્જિન છે, તેની ક્ષમતા 2,645 hp છે.
  • તેમાં નવું પ્રોપેલર અને પુનઃડિઝાઈન કરાયેલ પાંખ પણ છે, જે તેની કામગીરીને વધારે છે.
  • એરક્રાફ્ટે ચાડ, ઈરાક અને અફઘાનિસ્તાનના વિસ્તારો સહિત પડકારજનક વાતાવરણમાં તેની વિશ્વસનીયતા અને ક્ષમતા દર્શાવી છે.
  • તે મહત્તમ 260 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સૈનિકોને લઈ જવા સક્ષમ છે.
  • એરક્રાફ્ટમાં એર રિફ્યુઅલિંગ કિટ પણ છે, જે અન્ય C-295s અથવા હેલિકોપ્ટર માટે ટેન્કર તરીકે સેવા આપી શકે છે.

કૌશલ્ય અને નવા ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે
આ પ્રોજેક્ટને કારણે ભારતમાં એરક્રાફ્ટના 18 હજાર ઘટકોનું ઉત્પાદન થશે. જો તેનો એક ભાગ દેશના એક ભાગમાં બને છે, તો બીજો ભાગ દેશના બીજા ભાગમાં બનાવવામાં આવશે અને તે આપણા નાના અને મધ્યમ ઉદ્યોગો દ્વારા બનાવવામાં આવશે. ભારત વિશ્વની સૌથી મોટી એરક્રાફ્ટ કંપનીઓને સ્પેરપાર્ટસના સૌથી મોટા સપ્લાયર્સમાંનો એક છે. આ નવો એરક્રાફ્ટ પ્લાન્ટ ભારતમાં નવા કૌશલ્યો અને નવા ઉદ્યોગોને ખૂબ જ પ્રોત્સાહન આપશે. ભારતને ઉડ્ડયન અને વિમાનની જાળવણી અને સમારકામ માટે હબ બનાવવા માટે પણ કામ ચાલી રહ્યું છે. આ ઇકોસિસ્ટમ ભવિષ્યમાં મેડ ઇન ઇન્ડિયા સિવિલ એરક્રાફ્ટ માટે પણ માર્ગ મોકળો કરશે.

હજારો નોકરીઓનું સર્જન થશે
એરબસ અને ટાટાનો આ પ્લાન્ટ હજારો નોકરીઓનું સર્જન કરશે. આ પ્લાન્ટ ત્રણ હજાર લોકોને સીધા અને તેની સાથે સંકળાયેલી કંપનીઓ દ્વારા 10 હજાર લોકોને રોજગાર આપશે. આનાથી સંરક્ષણ નિકાસમાં ભારતની સ્થિતિ વધુ મજબૂત થશે.10 વર્ષ પહેલા કોઈએ કલ્પના પણ કરી ન હતી કે ભારતમાં આટલા મોટા પાયે સંરક્ષણ ઉત્પાદન થઈ શકે છે. છેલ્લા દાયકામાં દેશે આવા ઘણા નિર્ણયો લીધા જેના કારણે ભારતમાં વાઇબ્રન્ટ સંરક્ષણ ઉદ્યોગનો વિકાસ થયો.

બે મોટા સંરક્ષણ કોરિડોર બનાવ્યા
ઓર્ડનન્સ ફેક્ટરીઓને સાત મોટી કંપનીઓમાં રૂપાંતરિત કર્યા, DRDO અને HALને મજબૂત બનાવ્યા, ઉત્તર પ્રદેશ અને તમિલનાડુમાં બે મોટા સંરક્ષણ કોરિડોર બનાવ્યા. આ નિર્ણયોએ સંરક્ષણ ક્ષેત્રને નવી ઉર્જાથી ભરી દીધું. જ્યારે સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન મળ્યું ત્યારે ભારતમાં માત્ર 5-6 વર્ષમાં લગભગ 1,000 નવા સંરક્ષણ સ્ટાર્ટઅપ્સની રચના થઈ. છેલ્લા 10 વર્ષમાં ભારતની સંરક્ષણ નિકાસ 30 ગણી વધી છે. આજે ભારત વિશ્વના 100 થી વધુ દેશોમાં સંરક્ષણ ઉપકરણોની નિકાસ કરી રહ્યા છીએ.

તમામ એરક્રાફ્ટ 2031 સુધીમાં તૈયાર થઈ જશે
વર્ષ 2021માં ભારત અને એરબસ વચ્ચે 56 C-295 એરક્રાફ્ટની ડીલ કરવામાં આવી હતી. આ ડીલની કુલ કિંમત 2.5 અબજ ડોલર છે. કરાર સમયે ટાટા ગ્રુપના માનદ અધ્યક્ષ રતન ટાટા હાજર હતા. તેમાંથી 16 એરક્રાફ્ટ એરબસ દ્વારા બનાવવામાં આવશે અને સ્પેનથી ભારત મોકલવામાં આવશે. બાકીના એરક્રાફ્ટ નોએલ ટાટાના નેતૃત્વમાં બનાવવામાં આવશે. વડોદરામાં પ્રથમ એરક્રાફ્ટ 2026 સુધીમાં તૈયાર થઈ જશે અને તમામ એરક્રાફ્ટ 2031 સુધીમાં તૈયાર થઈ જશે. આ પછી ટાટા એડવાન્સ સિસ્ટમ્સ આગામી 25 વર્ષ સુધી ભારતીય વાયુસેનાના આ વિમાનોની જાળવણી કરશે. ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરને કહ્યું કે બરાબર બે વર્ષ પછી કંપની પ્રથમ સ્વદેશી નિર્મિત C-295 એરક્રાફ્ટ સપ્લાય કરશે. તેમણે કહ્યું કે ભારતના સંરક્ષણ ક્ષેત્ર માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે. તેમણે 2012માં એક દાયકા પહેલા પ્રોજેક્ટની કલ્પના કરવા માટે રતન ટાટાના દૂરંદેશી નેતૃત્વને શ્રેય આપ્યો હતો.

90ના દાયકામાં તેનું નામ CASA C-295 હતું
એરબસ C-295 90 ના દાયકામાં વિકસાવવામાં આવી હતી. પછી તે CASA C-295 તરીકે ઓળખાતું હતું. CASA C-295 એ તેની પ્રથમ ઉડાન 28 નવેમ્બર 1997 ના રોજ કરી હતી. આ એક માધ્યમ વ્યૂહાત્મક પરિવહન વિમાન છે, જેના દ્વારા સામાન અને સૈનિકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી લઈ જઈ શકાય છે. આ સાથે એક સમયે નવ ટન સામાન અથવા 71 સૈનિકો લઈ જઈ શકાય છે. પરિવહન ઉપરાંત, તેને પેરાશૂટ ડ્રોપિંગ, ઈલેક્ટ્રોનિક સિગ્નલ ઈન્ટેલિજન્સ, મેડિકલ ઈવેક્યુએશન અને મેરીટાઇમ પેટ્રોલિંગ માટે ઉપયોગમાં લેવા માટે તૈયાર કરવામાં આવ્યું છે.

રિફ્યુઅલિંગ ફક્ત હવામાં જ કરી શકાય છે
આ એરક્રાફ્ટમાં બે પ્રેટ એન્ડ વ્હીટની ટર્બોપ્રોપ એન્જિન છે, જેની મદદથી એરક્રાફ્ટ 30 હજાર ફૂટ સુધીની ઊંચાઈ સુધી પહોંચી શકે છે. તે 481.52 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડે છે. સૌથી મોટી ખાસિયત એ છે કે તેના દ્વારા ફિક્સ્ડ વિંગ એરક્રાફ્ટ અને હેલિકોપ્ટરમાં હવામાં રિફ્યુઅલિંગ કરી શકાય છે. 1500 કિગ્રા વજનની રિમૂવેબલ રિફ્યુઅલિંગ સિસ્ટમથી સજ્જ આ એરક્રાફ્ટમાં ત્રણ વધારાની ઇંધણ ટાંકી, એક ઓપરેટર કન્સોલ અને 100 ફૂટ લાંબુ હોસ ડ્રમ યુનિટ છે.

આ દેશોમાં છે C-295
આ વિમાનનો ઉપયોગ વિશ્વના 37 દેશોમાં થઈ રહ્યો છે. ઈજીપ્ત, પોલેન્ડ, ઈન્ડોનેશિયા, ભારત, કેનેડા, મેક્સિકો, બ્રાઝીલ સહિત 37 દેશો છે. 1999માં, સ્પેનિશ એરફોર્સે પ્રથમ વખત C-295માં રસ લીધો અને 2000માં નવ C-295 એરક્રાફ્ટનો ઓર્ડર આપ્યો. સ્પેનની બહાર પ્રથમ વખત પોલિશ એરફોર્સે 2001માં આવા આઠ એરક્રાફ્ટનો ઓર્ડર આપ્યો હતો. આના બે વર્ષ પછી ડિલિવરી શરૂ થઈ. 2006 અને 2007માં પોલેન્ડે વધુ બે C-295 એરક્રાફ્ટનો ઓર્ડર આપ્યો હતો. જૂન 2012 માં વધુ પાંચ એરક્રાફ્ટ માટે સોદો કરવામાં આવ્યો હતો જે તેને 2013 ના અંત સુધીમાં મળ્યો હતો.

Most Popular

To Top