National

ટોયલેટમાં ખચાખચ ભરાયા મુસાફરો, આવી સ્થિતિમાં દિવાળી-છઠની ઉજવણી કરવા ટ્રેનમાં બિહાર જતા લોકો

દર વર્ષે દિવાળી-છઠના તહેવાર પર લાખો લોકો બિહાર તેમના ઘરે જાય છે જેથી તેઓ તેમના પરિવાર સાથે આ તહેવારની ઉજવણી કરી શકે. આને ધ્યાનમાં રાખીને રેલવે દ્વારા ઘણી તહેવાર વિશેષ ટ્રેનો પણ ચલાવવામાં આવે છે. આ પછી પણ ઘણા લોકો ટિકિટ કન્ફર્મ કરાવી શકતા નથી. ઘરે પહોંચવા માટે લોકો કોઈપણ સ્થિતિમાં મુસાફરી કરવા મજબૂર થાય છે. આવી જ હાલત ભારતીય રેલવેના કેટલાક રૂટ પર જોવા મળી રહી છે. લોકો ટોયલેટમાં મુસાફરી કરી રહ્યા છે.

દિવાળી પૂર્વે ટ્રેનમાં અને રેલવે સ્ટેશન પર ભારે ભીડના ઘણા વીડિયો સામે આવી રહ્યા છે જેમાં રેલવે સ્ટેશનો પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. મુસાફરો કલાકો સુધી રેલવે સ્ટેશનની બહાર રાહ જોઈ રહ્યા છે, કેટલીક જગ્યાએ ટ્રેન મોડી પડી રહી છે તો કેટલીક જગ્યાએ રેલવે સ્ટેશનની બહાર પણ ભારે ભીડ જોવા મળી છે. આ મુસાફરોને એકસાથે સ્ટેશનની બહાર પંડાલ નીચે બેસાડવામાં આવી રહ્યા છે. એક ટ્રેનમાં 2 ટ્રેન જેટલા લોકો મુસાફરી કરી રહ્યા છે જેને કારણે રેલવે પ્લેટફોર્મ ખચાખચ જોવા મળી રહ્યું છે.

આનંદ વિહાર સ્ટેશન પર તાજો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં દિલ્હીથી ભાગલપુર જતી ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરોની હાલત અત્યંત દયનીય જોવા મળી રહી હતી. મુસાફરોની ટિકિટ કન્ફર્મ ન હોવાથી તેઓ ટ્રેનના જનરલ ડબ્બામાં બેસીને પોતાના ઘરે જઈ રહ્યા હતા. વીડિયોમાં ઘણા લોકો ટ્રેનના દરવાજા પર લટકતા જોવા મળ્યા હતા. ભાગલપુર એક્સપ્રેસના 5 જનરલ કોચમાં લગભગ 4600 મુસાફરો એક બીજાની ઉપર મુસાફરી કરી રહ્યા હતા. આ મુસાફરોને પોતાના જીવની પણ પરવા ન હોય તેમ કોઈક રીતે ફક્ત એક પગ મૂકવાની જગ્યા શોધી રહ્યા હતા. જાણે એક જ પગ પર ઊભા રહીને તેઓ બિહાર જઈ રહ્યા હતા.

ટ્રેનના ટોયલેટમાં બેસીને મુસાફરી કરવાની ફરજ પડી
જે મુસાફરોને જનરલ ડબ્બામાં પણ જગ્યા મળી ન હતી તેઓ ટ્રેનના શૌચાલયમાં બેસીને મુસાફરી કરી રહ્યા હતા. વીડિયોમાં એક, બે નહીં પરંતુ આઠ લોકો ટ્રેનના એક ટોયલેટમાં પોતાના સામાન સાથે બેઠેલા જોવા મળ્યા હતા. મુસાફરો દુર્ગંધ અને ગરમીથી પરેશાન હોવા છતા તેમના માટે ઘરે જવું એટલું જરૂરી હોવાથી મજબૂરીમાં મુસાફરી કરતા જોવા મળ્યા હતા.

Most Popular

To Top