નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડ સામેની વર્તમાન ટેસ્ટ સિરિઝ સમાપ્ત થયા બાદ ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર 4 T20 મેચોની સિરિઝ રમવા જશે. આ પ્રવાસમાં ભારતીય ટીમ તેની પ્રથમ ટી20 મેચ 8 નવેમ્બરે ડરબનમાં રમશે. ત્યાર બાદ બીજી મેચ 10 નવેમ્બરે ગાકેબર્હા, ત્રીજી મેચ સેન્ચુરિયનમાં 13 નવેમ્બરે અને જોહાનિસર્ગમાં 15 નવેમ્બરના રોજ રમાશે.
હવે દક્ષિણ આફ્રિકા પ્રવાસને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. મુખ્ય કોચ ગૌતમ ગંભીર આ પ્રવાસમાં ભારતીય ટીમ સાથે નહીં હોય. ભારતીય ટીમ 4 નવેમ્બરની આસપાસ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે રવાના થશે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ભારતીય ટીમ 11 નવેમ્બરે ઓસ્ટ્રેલિયા જવા રવાના થશે. આવી સ્થિતિમાં ગંભીર માત્ર ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર જ જઈ શકશે.
આ દિગ્ગજ બનશે હેડ કોચ
ગૌતમ ગંભીરની ગેરહાજરીમાં વીવીએસ લક્ષ્મણ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર ભારતીય ટીમના મુખ્ય કોચ હશે. સોમવારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના એક ટોચના અધિકારીએ ક્રિકબઝને આ નિર્ણય વિશે જણાવ્યું હતું. આ ચાર મેચની T20 શ્રેણી શરૂઆતમાં નક્કી કરવામાં આવી ન હતી પરંતુ BCCI અને ક્રિકેટ દક્ષિણ આફ્રિકા (CSA) વચ્ચેની વાતચીત બાદ આ પ્રવાસને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે.
કોચિંગ સ્ટાફ પણ અલગ હશે
સાઈરાજ બહુતુલે, હૃષીકેશ કાનિટકર અને સુભદીપ ઘોષ પણ દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર કોચિંગ સ્ટાફનો ભાગ હશે. બહુતુલે, કાનિતકર અને ઘોષે ઓમાનમાં યોજાયેલી ઇમર્જિંગ એશિયા કપ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમને કોચિંગ આપ્યું હતું. બીજી તરફ સૌરાષ્ટ્રના સિતાંશુ કોટક અને કેરળના મઝહર મોઈદુ ઈન્ડિયા A ટીમ સાથે ઓસ્ટ્રેલિયા ગયા છે.
લક્ષમણ એનસીએના ડિરેક્ટર છે
અગાઉ જ્યારે પણ રાહુલ દ્રવિડે બ્રેક લીધો ત્યારે વીવીએસ લક્ષ્મણ ચાર્જ લેતા હતા. T20 વર્લ્ડ કપ પછી તરત જ આયોજિત ઝિમ્બાબ્વે શ્રેણીમાં પણ આ જ કોચિંગ ટીમ કાર્યરત રહે તેવી અપેક્ષા છે. લક્ષ્મણ નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) ના આઉટગોઇંગ ડિરેક્ટર છે. એટલું જ નહીં, તે અંડર-19 મેન્સ ટીમનો મુખ્ય કોચ પણ છે. VVS લક્ષ્મણના કોચિંગ હેઠળ 2022 અંડર-19 વર્લ્ડ કપ યશ ધૂલ એન્ડ કંપનીએ જીત્યો હતો. લક્ષ્મણે 134 ટેસ્ટ મેચમાં 45.97ની એવરેજથી 8781 રન બનાવ્યા છે. 86 ODI મેચોમાં તેના નામે 2338 રન છે.
દક્ષિણ સામેની T20 શ્રેણી માટે ભારતીય ટીમઃ સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), રિંકુ સિંહ, તિલક વર્મા, જીતેશ શર્મા (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રમણદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, વિજયકુમાર વૈશાક, અવેશ ખાન, યશ દયાલ.