SURAT

સુરત પોલીસે 15 લાખની ખંડણી માંગનાર RTI એક્ટિવિસ્ટનું સરઘસ કાઢ્યું

સુરતઃ લોકોને હેરાન પરેશાન કરતા માથા ભારે અસામાજિક તત્વોને સબક શીખવાડવા માટે સુરત શહેર પોલીસે આવા તત્વોનું જાહેરમાં સરઘસ કાઢવાનો ઉપાય અજમાવ્યો છે. તે જ રીતે હવે શહેર પોલીસે ખંડણી ખોરોના પણ સરઘસ કાઢવાનું શરૂ કર્યું છે.

RTI કરી લોકો પાસે ખંડણી માગનારા સામે શહેરની લાલગેટ પોલીસે કાર્યવાહી કરી છે. આરટીઆઈના બહાને લોકોનો તોડ કરનારનો લાલગેટ પોલીસે જાહેરમાં વરઘોડો કાઢ્યો હતો. ડીસીપી અને સ્થાનિક પીઆઈએ લાલગેટ વિસ્તારમાં આરોપીનું સરઘસ કાઢ્યું હતું. આરટીઆઈ એક્ટિવિસ્ટે 15 લાખની ખાંડની માંગી હોવાની ફરિયાદ બાદ આ કાર્યવાહી કરાઈ હતી.

આ પ્રકરણમાં બે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે વધુ બે આરોપીની ધરપકડ કરી તેમના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ સમગ્ર પ્રકરણમાં એસએમસીના અધિકારીઓ પણ સામેલ છે કે નહીં તે અંગેની પણ તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.

ડીસીપી પિનાકીન પરમારે કહ્યું કે, આરોપીઓને તેના ઘરે લાવીને પંચનામાં કરી રહ્યા છે. લોકો ભયભીત ન થાય આ માટે અમે અપીલ પણ કરી રહ્યા છીએ. જો આવા પ્રકારની કોઈપણ ફરિયાદ હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરે અને કોઈપણ ધમકી કે ખંડણી માગે તો તેને રૂપિયા આપવાની જગ્યાએ પોલીસનો સંપર્ક કરે. આ માટે આજે આરોપીઓને લઈને તેમના વિસ્તારમાં અમે આવ્યા હતા.

આ ગુનામાં સંડોવાયેલા બે આરોપીની લાલગેટ પોલીસે ધરપકડ કરી આ જ વિસ્તારમાં ફેરવી તેના ઘર સુધી લઈ ગઈ હતી. ઘરની અંદર પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધરી ત્યાંથી વધુ અરજીઓ મેળવી હતી. લાલગેટ પોલીસે ગેરકાયદેસર બાંધકામના નામે બિલ્ડર્સ પાસેથી RTI કરી લાખો રૂપિયાની ખંડણી માગનાર વધુ બે આરોપીની ધરપકડ પોલીસે કરી છે.

Most Popular

To Top