Comments

ગરીબ સ્ત્રીનું સુંદર મન

એક રેલ્વે સ્ટેશન પર એક દયાળુ ભાઈ પોતાના રોજના નિયમ મુજબ આજુબાજુમાં બેઠેલા ગરીબ ભિખારીઓને ખાવાનું આપવા નીકળ્યા.તેમની પાસે રહેલા મોટા થેલામાં નાનાં ફુડ પેકેટ હતાં.જેમાં પુરી, શાક, ભજીયાં, શીંગ ચણા વગેરે પેક કરેલું હતું અને તેઓ દરેક વ્યક્તિ દીઠ એક એક પેકેટ બધાનાં હાથમાં આપી રહ્યા હતા.આ તેમનો રોજનો નિયમ હતો.

જે મળે તેને ફુડ પેકેટ આપતાં તેઓ આગળ વધી રહ્યા હતા. થોડે દૂર એક ઝાડની છાયામાં તેમને એક ફાટેલી સાડી પહેરેલી ગરીબ સ્ત્રી જોઈ. તેના ખોળામાં એક બાળક સૂતું હતું અને બાજુમાં એક નાનકડી પાંચ વર્ષની દીકરી સૂતી હતી.ગરીબ સ્ત્રી છાપાની ગડી વાળી પોતાના સૂતેલાં બાળકોને પવન નાખી રહી હતી.પેલા ભાઈ તેની પાસે ગયા અને તેની પાસે ત્રણ ફુડ પેકેટ મૂક્યાં અને આગળ વધ્યા.

ભાઈ જરા આગળ ગયા હશે ત્યાં પેલી સ્ત્રીએ બૂમ પાડી, ‘એ ભાઈ, જરા મારી વાત સાંભળો ને..’ પેલા ભાઈને થયું વધુ ફુડપેકેટ કે પૈસા માંગશે. હું કહી દઈશ, દરેક વ્યક્તિને એક જ ફુડપેકેટ આપું છું અને હું અન્નદાન જ કરું છું. પૈસાની મદદ કોઈને કરતો નથી.આમ મનમાં વિચારતા તેઓ પેલી સ્ત્રી પાસે ગયા.

પરંતુ પેલા ભાઈના આશ્ચર્ય વચ્ચે પેલી સ્ત્રીએ વધુ કંઈ ન માંગતાં ઉલટું એક ફુડ પેકેટ પેલા ભાઈના હાથમાં પાછું આપતાં કહ્યું, ‘ભાઈ, તમે બહુ સારું કામ કરો છો.તમારો ખૂબ ખૂબ આભાર. પરંતુ આ મારો દીકરો તો હજી દસ મહિનાનો છે. તે કંઈ આ બધું ખાઈ શકે નહિ.માટે તમે એક પેકેટ પાછું લઇ લો.

કોઈ મારા કરતાં પણ વધારે જરૂરિયાતમંદને દેવા કામ લાગશે.’ ભાઈ બે ઘડી સન્ન થઈ ગયા. આ ગરીબ સ્ત્રીના મનની સુંદરતા અને ઈમાનદારી રજૂ કરતું પાછું આપેલું ફુડ પેકેટ જોઈ રહ્યા.પછી તેમને ધીમેથી પૂછ્યું, ‘બહેન, તું આ ફુડ પેકેટ પાછું શું કામ આપે છે? રાખી લે.તને સાંજે અથવા આવતી કાલે કામ લાગશે.’

ગરીબ સ્ત્રી બોલી, ‘ભાઈ, ભગવાને ગરીબી આપી છે અને કસોટી કરે છે પણ સાથે રહીને આપની જેમ કોઈને ને કોઈને નિમિત્ત બનાવી મદદ મોકલે જ છે.ક્યારેય ભૂખ્યા સૂવા દેતો નથી.તો પછી હું લોભ શું કામ કરું.

આ પેકેટ કોઈ અત્યારે ભૂખ્યું હશે તેની ભૂખ ઠારશે તે વધુ યોગ્ય ગણાશે નહિ કે તે અહીં મારી પોટલીમાં પડ્યું રહેશે.સાંજ માટે મને શ્રધ્ધા છે કે મારો ઉપરવાળો કંઇક ગોઠવણ કરી દેશે.’પેલા ભાઈ ગરીબ સ્ત્રીના સુંદર મનની શ્રધ્ધા અને સાચી ઈમાનદારીને મનોમન વંદી રહ્યા.        

  • આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top