ચોર આવ્યાની અફવાઓથી લોકો રાત્રે જાગરણ કરી વિવિધ બિમારીઓના શિકાર બની રહ્યાં છે ત્યારે અફવાઓથી દોરવાઈ ના જવું જોઈએ
અનિદ્રાની અસર તમારા સ્વાસ્થ્ય, દિમાગ, આંખો પર પડે છે
વડોદરા શહેરમાં ગત નવરાત્રી થી ચડ્ડી બનિયાનધારી ટોળકી, મારક હથિયારો સાથે તસ્કર ટોળકી આવતી હોવાની વાતોએ લોકો રાત્રી જાગરણ કરી રહ્યાં છે. તાજેતરમાં જ શહેરના વારસિયા વિસ્તારમાં મોબલિચિંગ ની ઘટના બની જેમાં અંદાજે ત્રણસો લોકોના ટોળાના મારથી ચોરી કરવા આવ્યા હોવાના મામલે એકનું મોત નિપજ્યું હતું તથા તે અગાઉ તરસાલી અને સેવાસી વિસ્તારોમાં રાત્રે અજાણ્યા ઇસમોને ચોર ન હોવા છતાં ચોરની આશંકાએ લોકોએ બે જણને માર માર્યો હતો ત્યારે આ સમગ્ર મામલે શહેર પોલીસ દ્વારા મહોલ્લા મિટિંગ યોજી લોકોને અફવાઓથી દૂર રહેવા, કાયદાને હાથમાં ન લેવા જાગૃત કરવામાં આવી રહ્યાં છે તેમ છતાં બીજી તરફ શહેરમાં લોકો પોતાની સોસાયટીઓમાં રાત્રી જાગરણ કરી રહ્યાં છે. દિવસે પોતાનો નોકરી, ધંધો, રોજગાર કરનારા હવે રાત્રે પોતાના સોસાયટી, ફ્લેટ્સ જેવા વિસ્તારમાં રાત્રે લાકડી, દંડા લ ઇ જાગરણ કરી રહ્યાં છે જેના કારણે તેઓ પૂરતી ઊંઘ પણ લ ઇ શકતા નથી જેની અસર તેઓના કામ ધંધા અને રોજગાર પર પણ પડવા સંભવ છે બીજી તરફ શહેરમાં પાંચ હજાર પરપ્રાંતીયો તસ્કરો આવ્યા ના મેસેજીસ વાયરલ થતા ઘણાં લોકો માનસિક રીતે ડરનો શિકાર બની રહ્યાં છે ત્યારે શહેરના એસ.એસ.જી.હોસ્પિટલના મેડિકલ કોલેજના સાયક્યાટ્રિસ્ટ વિભાગના પ્રોફેસર ડો. ચિરાગ બારોટ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે, અફવાઓથી દૂર રહેવું જોઈએ પોલીસ કાયદાનું યોગ્ય રીતે પાલન કરી જ રહી છે કોઇપણ પ્રકારની સમસ્યા કે શંકાસ્પદ હિલચાલ જણાય તો નજીકના પોલીસ મથકે જાણ કરવી જોઈએ. કોઇપણ પરિસ્થિતિમાં કાયદાને હાથમાં ન લેતાં કાયદાનું પાલન કરવું જોઈએ. રાત્રી જાગરણની અસરથી તમારા સ્વાસ્થ્ય, મગજ, આંખો, યાદશક્તિ તમામ પર અસર પડે છે બીજી તરફ ટોળાનો હિસ્સો બનવાથી આપ સાચું ખોટું વિચારી શકતા નથી માટે લોકોને સલાહ છે કે, અફવાઓથી બચવું જોઈએ, પૂરતી ઉંઘ લો તથા કાયદાને કાયદાનું કામ કરવા દેવું જોઈએ. ના અફવા ફેલાવો, ના સાંભળો.