Sports

ટીમ ઈન્ડિયાની સ્ટાર ક્રિકેટર જેમીમા વિવાદમાં ફસાઈ, પિતા પર ગંભીર આરોપ, મુંબઈમાં થઈ મોટી કાર્યવાહી

મુંબઈઃ ટીમ ઈન્ડિયાની સ્ટાર ખેલાડી જેમીમા રોડ્રીગ્સ વિવાદમાં સપડાઈ છે. આ વિવાદ તેના પિતાની હરકતોના લીધે છંછેડાયો છે. ખરેખર જેમીમાના પિતા પર ધર્માંતરણના ગંભીર આરોપ લાગ્યા છે. આ આરોપો બાદ મુંબઈની ક્લબે જેમીમાની મેમ્બરશીપ રદ કરી દીધી છે.

મુંબઈની સૌથી જૂની ક્લબ પૈકીની એક ખાર જિમખાનાએ ભારતીય ટીમની સ્ટાર ક્રિકેટર જેમીમા રોડ્રિગ્સની મેમ્બરશીપ રદ કરી દીધી છે. જેમીમાના પિતા ધાર્મિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળ્યા બાદ જેમીમા વિરુદ્ધ ક્લબ દ્વારા આ કાર્યવાહી કરાઈ છે.

ક્લબના અધિકારીઓ અને સમિતિના સભ્યોએ જણાવ્યું હતું કે જેમીમાના પિતા ઈવાન દ્વારા ક્લબ પરિસરનો ઉપયોગ ધાર્મિક કાર્યક્રમો અને ધર્મ પરિવર્તન માટે કરવામાં આવી રહ્યો હતો. આ મામલે અનેક ફરિયાદો મળ્યા બાદ જેમિમા અને તેના પિતાની મેમ્બરશીપ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ષ 2023 માં ખાર જિમખાનાએ જેમીમા રોડ્રિગ્સને સભ્ય બનવા આમંત્રણ આપ્યું હતું. ક્લબ દ્વારા 24 વર્ષીય ક્રિકેટરને ત્રણ વર્ષનું માનદ સભ્યપદ આપવામાં આવ્યું હતું.

ક્લબ સમિતિના સભ્ય શિવ મલ્હોત્રાએ કહ્યું અમને જેમીમા પર ગર્વ છે. તે ક્રિકેટમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને દેશનું ગૌરવ વધારી રહી છે, પરંતુ તેના પિતાએ ક્લબમાં અણગમતી પ્રવૃત્તિ કરી છે. તેના પિતા ઈવાને ક્લબમાં લગભગ 35 મીટિંગ્સનું આયોજન કર્યું હતું, જેના લીધે લગભગ એક વર્ષથી વધુ સમય સુધી ક્લબ બુક રહ્યું હતું. તેના પિતાએ બ્રધર મેન્યુઅલ મિનિસ્ટ્રીઝ નામની સંસ્થા માટે ક્લબમાં નિયમિત સભાઓનું આયોજન કર્યું હતું. ક્લબનો હોલ જેમીમાના નામે વ્યક્તિગત રીતે બુક કરવામાં આવ્યો હતો.

મલ્હોત્રાએ વધુમાં કહ્યું કે આ દરમિયાન ક્લબના પ્રમુખે સિક્યોરિટી ડિપોઝિટની રકમ પણ માફ કરી હતી, જે જીમખાના નિયમોની વિરુદ્ધ છે. વળી ક્લબમાં ધાર્મિક પ્રવૃત્તિઓના પ્રચાર પર પણ પ્રતિબંધ છે. ખાર જિમખાનાના બંધારણની કલમ 4A મુજબ ખાર જિમખાનામાં કોઈ ધાર્મિક પ્રવૃત્તિની મંજૂરી નથી. છતાં અહીં ધાર્મિક પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. ડાન્સ કરાયો હતો. મોંઘા સંગીતના સાધનો, મોટી સ્ક્રીન અહીં લગાવવામાં આવી હતી. આ મામલે થોડા મહિનાઓ પહેલા એમએનએસના એક નેતાએ પહેલાં ક્લબમાં અને ત્યાર બાદ ખાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.

દરમિયાન લાંબા સમય માટે જેમીમાના પિતાએ ક્લબનો હોલ બુક કરી લીધો હોવાના લીધે ક્લબના સભ્યોને બુકિંગ નહોતું મળતું. ક્લબના વાઈસ પ્રેસિડેન્ટ અને અન્ય કમિટીના સભ્યોને પણ આ બધી બાબતો વિશે કોઈ જાણકારી ન હતી. જેમીમાના પિતાએ વિશેષાધિકારનો દુરુપયોગ કર્યો હતો.

મલ્હોત્રાએ વધુમાં કહ્યું કે, અમારા ક્લબ દ્વારા સામાન્ય રીતે સ્પોર્ટ્સ મેમ્બરશિપ આપવામાં આવે છે. પીવી સિંધુ અને લિએન્ડર પેસ જેવા એથ્લેટ્સ પણ અમારી સાથે જોડાયેલા છે, પરંતુ આ અસ્વીકાર્ય છે. આથી 20 ઓક્ટોબર 20224ની બેઠકમાં જેમીમાની મેમ્બર શીપ રદ કરવાનો ઠરાવ પસાર કરાયો છે.

આ મામલે જેમીમા કે તેના પિતા ઈવાનની કોઈ પ્રતિક્રિયા હજુ સુધી સામે આવી નથી.

Most Popular

To Top