Sports

ઋષભ પંત સદી ચૂક્યો, 99 પર બોલ્ડ થયો

બેંગ્લુરુઃ ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે બેંગ્લુરીમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચના ચોથા દિવસે વરસાદના વિઘ્ન વચ્ચે ભારતીય બેટરો પંત અને સરફરાઝની વિસ્ફોટક બેટિંગ જોવા મળી હતી. બંને બેટ્સમેનોએ ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કર્યો હતો. સરફરાઝ 150 રન બનાવી આઉટ થયો હતો જ્યારે પંત સદી ચૂક્યો હતો. પંત 99ના અંગત સ્કોર પર બોલ્ડ થયો હતો. પંત આઉટ થયો ત્યારે ભારતનો સ્કોર 433 રન હતો. ભારતે આ સાથે જ 77 રનની લીડ મેળવી લીધી હતી. કે.એલ. રાહુલ અને રવિન્દ્ર જાડેજા રમતમાં છે.

આ અગાઉ પ્રથમ દાવમાં ભારતના 46 રનના જવાબમાં ન્યૂઝીલેન્ડે 402 રન બનાવ્યા હતા. આ રીતે ન્યૂઝીલેન્ડની ટીમને 356 રનની જંગી લીડ મળી છે. ન્યૂઝીલેન્ડ તરફથી રચિન રવિન્દ્રએ સૌથી વધુ 134 રનની ઇનિંગ રમી હતી. ન્યુઝીલેન્ડની ટીમ અત્યાર સુધી ભારતીય ધરતી પર એકપણ દ્વિપક્ષીય ટેસ્ટ શ્રેણી જીતવામાં સફળ રહી નથી. આ વખતે બંને ટીમો વચ્ચે 13મી ટેસ્ટ શ્રેણી રમાશે. ભારતીય ટીમની કપ્તાની રોહિત શર્માના હાથમાં છે. જ્યારે ટોમ લેથમ કિવી ટીમની કમાન સંભાળી રહ્યો છે .

ભારતીય ટીમે બીજા દાવમાં શાનદાર શરૂઆત કરી હતી. કેપ્ટન રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલે મળીને પ્રથમ વિકેટ માટે 72 રન જોડ્યા હતા. યશસ્વી સેટ થઈ ગયો હતો, પરંતુ મોટો શોટ રમવાના પ્રયાસમાં તેણે પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. યશસ્વીને સ્પિનર ​​એજાઝ પટેલે સ્ટમ્પ કર્યા હતા. યશસ્વીના આઉટ થયાના થોડા સમય બાદ રોહિત શર્માએ પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. જોકે, રોહિત ફિફ્ટી ફટકારીને થોડી જ વારમાં એજાઝ પટેલના બોલ પર આઉટ થયો હતો. રોહિતે 63 બોલમાં 8 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 52 રન બનાવ્યા હતા. રોહિત આઉટ થયો ત્યારે ભારતનો સ્કોર 95/2 રન હતો.

બે વિકેટ પડ્યા બાદ વિરાટ કોહલી અને સરફરાઝ ખાને મળીને ભારતીય ઇનિંગ્સની કમાન સંભાળી હતી. કોહલી અને સરફરાઝે પોતપોતાની ફિફ્ટી પૂરી કરી. સરફરાઝે માત્ર 42 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. જ્યારે કોહલીએ અડધી સદી સુધી પહોંચવા માટે 70 બોલ લીધા હતા. કોહલી અને સરફરાઝ વચ્ચે ત્રીજી વિકેટ માટે 136 રનની ભાગીદારી થઈ હતી. ત્રીજા દિવસના છેલ્લા બોલ પર કોહલી આઉટ થયો હતો. કોહલી ગ્લેન ફિલિપ્સના હાથે વિકેટકીપર ટોમ બ્લંડેલના હાથે કેચ આઉટ થયો હતો. કોહલીએ 102 બોલમાં 70 રન બનાવ્યા જેમાં 8 ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે.

Most Popular

To Top