Fashion

ફલાઈટની સફર દરમ્યાન શું ન પહેરશો?

દિવાળી વેકેશનના પડઘમ વાગી રહ્યાં છે. તમે પણ આપણા દેશમાં કે વિદેશમાં ફરવા જવાના પ્લાન બનાવી તૈયારી પણ શરૂ કરી દીધી હશે. પર્ફેક્ટ આઈટીનરી તૈયાર કરવી એ તો અડધું યુદ્ધ જીતવા જેવું છે. તમે ફરવાનું સ્થાન, ત્યાંના, જોવાલાયક સ્થળો, હોટલ, ત્યાં શુ, પહેરવું વગેરેનું પ્લાનિંગ કર્યું હશે. પરંતુ જો તમે વિદેશ જવાનાં હો કે અહીં જ ફલાઈટમાં મુસાફરી કરવાનાં હો તો બોલિવુડ હસ્તીઓના એરપોર્ટ લુકને પણ ફોલો કર્યા હશે પરંતુ વિમાનમાં શું ન પહેરવું એ અંગે તમે જાણો છો ખરાં?
ટ્રાવેલમાં સૌથી જરૂરી હોય છે કમ્ફર્ટ. જો વિમાનની લાંબી સફર હોય અ@ને તમારે કલાકો સુધી એક જ સીટ પર બેસી રહેવાનું હોય ત્યારે સ્ટાઈલિશ દેખાવાની સાથે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. અયોગ્ય આઉટફિટસની પસંદગી આનંદદાયક ફલાઈટ જર્નીને દુ:સ્વપ્નમાં ફેરવી શકે છે. યોગ્ય ડ્રેસિંગ તમારી આખી સફર આરામદાયક બનાવશે. સાંકડી સીટોથી માંડી તાપમાનમાં ફેરફાર સુધી લાંબા કલાકની ફલાઈટમાં સફર કરવી આસાન નથી ત્યારે ફલાઈટના ટ્રાવેલ દરમ્યાન શું ન પહરેવું જોઈએ તે આવો જાણીએ…

સ્કીની જીન્સ
સ્કીની જીન્સ સ્ટાઈલિશ હોય છે પરંતુ લાંબી ફલાઈટમાં કલાકો સુધી સાંકડી સીટ પર ટાઈટ જીન્સ પહેરી બેસવું આરામદાયક તો નથી જ. એનાથી નિષ્ક્રિયતા આવી શકે છે. જીન્સ કરતાં વધારે કમ્ફર્ટેબલ છતાં સ્ટાઈલિશ વિકલ્પ છે ડ્રોસ્ટીંગ અથવા ઈલાસ્ટિકવાળા ટ્રાઉઝર્સ. તમે મુક્તપણે હરીફરી શકો એ માટે જોગર્સ પણ પહેરી શકાય.


રોમ્પર/ડંગરી/ જમ્પસૂટ
રોમ્પર/ડંગરી કે જમ્પસૂટ નખશિખ રિલેકસ્ડ લુક આપી શકે છે પરંતુ તમે ક્યારેય આ આઉટફિટ પહેરીને બાથરૂમમાં જવાની ટ્રાય કરી છે? એરપોર્ટ કે વિમાનના વોશરૂમ એકદમ સ્વચ્છ ન પણ હોય. જમ્પસૂટની ધાર ભીના બાથરૂમમાં ખરાબ થઈ શકે છે. આથી ફલાઈટમાં આ આઉટફીટ ન પહેરવા જ સલાહભર્યું છે. એ જ રીતે વાઈડ લેગ પેન્ટ પણ પહેરવાનું ટાળવું જોઈએ. સિવાય કે તમે વોશરૂમનો ઉપયોગ ન જ કરવાના હો!
ટાઈટ કલોથ્સ
તમે ફીટેડ આઉટફિટમાં ખૂબસૂરત દેખાઈ શકો પરંતુ પ્લેનમાં ટાઈટ કપડાં દુ:સ્વપ્ન બની શકે છે. એનાથી રક્તપ્રવાહ ખોરવાય છે. તમે પગે પર સોજા આવે એવું તો ન જ ઈચ્છતાં હો. આથી લુઝ અને કમ્ફર્ટેબલ આઉટફિટ પહેરવાનું જ પસંદ કરો.
શોર્ટ સ્કર્ટ/ ડ્રેસિસ
વિમાનમાં ટૂકાં વસ્ત્રો ન પહેરવાનું મુખ્ય કારણ એ છે કે એ તમારા પગનું જર્મ્સથી બહુ રક્ષણ કરતા નથી. તમે આશા રાખો એટલી પ્લેનની સીટ સ્વચ્છ ન પણ હોય. અલબત્ત, તેઓ સ્વચ્છતા જાળવવાનો શક્ય એટલો પ્રયાસ કરે છે પરંતુ તમારી પહેલાં બેઠેલી વ્યક્તિએ શક્ય છે કે નાસ્તો કર્યા બાદ સીટથી હાથ લૂછયા હોય, કંઈક ઢોળાયું હોય. શોર્ટ ભલે ગમે એટલાં ટ્રેન્ડી હોય પરંતુ ફલાઈટમાં એ ન પહેરવા જ સલાહભર્યું છે. લાંબા કલાકો સુધી બેસવું અનકમ્ફર્ટેબલ હોઈ શકે, પગ ખુલ્લા રહેવાથી તમને ઠંડક પણ લાગી શકે ત્યારે લોન્ગ પેન્ટ તમારું રક્ષણ કરી શકે.


સિન્થેટિક ફેબ્રિક
તમે ફલાઈટમાં જે પહેરવાનાં હો એના ફેબ્રિકનું ખાસ ધ્યાન રાખવું પણ જરૂરી છે. વિમાનમાં આગ લાગવાની શક્યતા ઓછી હોય છે પરંતુ એક્સિડન્ટ તો ગમે ત્યારે થઈ શકે છે. પોલિયેસ્ટર કે નાયલોન જેવા સિન્થેટિક કાપડ જલ્દી આગ પકડી શકે છે એટલે કોટન, વુલ, લિનન જેવાં કમ્ફર્ટેબલ અને બ્રિધેબલ ફેબ્રિકનાં કપડાં પહેરવાનું વિચારી શકાય.
વધુ પડતાં લેયર્સ
લેયર્સ, હા, વધારે પડતાં લેયર્સ મુશ્કેલી પણ સર્જી શકે છે. તમને ગરમી લાગે ત્યારે આ વધારાના લેયર્સનું શું કરશો? એક લોન્ગ કાર્ડિગન કે પશ્મીના શાલ પૂરતાં છે.


અન્ડરવાયર બ્રા
ફ્લાઈટ્સ દરમ્યાન શક્ય હોય તો અન્ડરવાયર બ્રા પહેરવાનું ટાળો. અન્ડર વાયર બ્રામાંની મેટલ સિક્યોરિટી દરમ્યાન અલાર્મ વગાડી શકે છે. વળી લાંબો સમય બેસવાનું હોય ત્યારે પણ પરેશાની થઈ શકે છે.
હીલ્સ


પ્લેનમાં હાઈ હીલ્સ ન પહેરવાનું મુખ્ય કારણ તમને એરપોર્ટ પર હાઈ હીલ્સ પહેરીને ચાલવાથી આવતી મુશ્કેલી અને પીડાથી બચાવવાનું છે. હાઈ હીલ્સની લોકપ્રિયતા વિશે કોઈ શંકા નથી પરંતુ એનો અર્થ એ નથી કે તમે એરપોર્ટ પર પરેશાન થાવ. તમારું ટર્મિનલ એરપોર્ટથી દૂર હોય તો તમારે લગેજ સાથે ચાલવાનું હોય તો મુશ્કેલી પડે છે. હીલ્સમાં તમે જલ્દી ચાલી કે દોડી પણ ન શકો. ઝડપથી ચાલવાથી પગમાં આંટણ પણ પડી શકે છે. હાઈ હીલ્સ કરતાં કમ્ફર્ટેબલ સ્નીકર્સ સારો વિકલ્પ છે.
ફિલપ ફ્લોપ
ફ્લિપ ફ્લોપ પહેરવાં અને કાઢવા સરળ છે, ટ્રેન્ડી છે પરંતુ એ એરપોર્ટની ધૂળ અને ગંદકીના સંપર્કમાં પણ આવે છે. વળી પ્લેનમાં ઠંડક પણ વધુ હોય છે. તમારું આખું શરીર હૂંફાળા કપડાંથી ઢંકાયેલું હોય પણ પગ ખુલ્લા હોય તો તમે અસ્વસ્થતા અનુભવી શકો છો એટલે ફ્લિપ ફ્લોપને બદલે સ્નીકર્સ કે કમ્ફર્ટેબલ શૂઝ અને મોજાં પહેરવા સલાહભર્યું છે.
કોસ્ચ્યુમ જ્વેલરી /ચન્કી ઘડિયાળ
જો તમે સારી ક્વોલિટીની સોના-ચાંદીની જ્વેલરી પહેરી હશે તો સિક્યોરિટી સ્કેનર્સમાંથી પસાર થતાં મુશ્કેલી પડશે નહિ. ઘણી વાર કોસ્ચ્યુમ જ્વેલરી અને ચન્કી વોચિસમાં મેગ્નેટિક મેટલ્સનો ઉપયોગ થાય છે જે ઘણી વાર સ્કેનરમાં પકડાઈ જાય છે એટલે બિનજરૂરી તકલીફ ઊભી થાય છે. આથી સિક્યોરિટીમાંથી સહેલાઈથી પસાર થઈ જવાય, તકલીફ અને સમય બચાવવા ઓછામાં ઓછી અને નોન મેટાલિક એક્સેસરીઝ પહેરો.

Most Popular

To Top