હવે એક સમસ્યા એ ઉત્પન્ન થઈ છે કે E. Kyc કરવામાં એક વસ્તુ દરેક શહેર અને ગામડાઓમાં ઉત્પન્ન થઈ છે એ છેકે રેશનકાર્ડ ધારકોના પોતાના તેમજ પરિવારના સભ્યોના છેલ્લે જ્યારે રેશનકાર્ડ પાછલાં બે ત્રણ વર્ષ પહેલા રીન્યુ કરવામાં આવ્યા હતા. ત્યારે જે આધારકાર્ડ આપવામાં આવ્યા હતા એની જગ્યાએ રીન્યુ સેન્ટર દ્વારા કે સરવરની ભૂલના કારણે પરિવારના સભ્યોના નામ સાથે અન્ય લોકોના નામ લીંક થયાં છે એ સમસ્યા દરેક જગ્યાએ ઉદભવી રહી છે અને એનું નિરાકરણ કરવા પણ મામલતદાર કચેરીએ ધક્કા ખાવા પડી રહ્યા છે.
આ સમસ્યાને કારણે આયુષ્યમાન કાર્ડ ધારકોને માંદગીની સમસ્યા અંગે હોસ્પિટલોમાં આયુષ્યમાન કાર્ડમાં આધારકાર્ડ લીંક થતું ન હોવાથી, ડાયાબીટીસ લેતા દર્દીઓ તેમજ હાર્ટ અને કેન્સરના દર્દીઓને સારવાર મેળવવા તકલીફ પડી રહી છે. આ અંગે સરકારશ્રીને વિનંતી છે કે શહેરમાં દરેક જગ્યાએ વિવિધ કેમ્પોનું અને ગામડાઓમાં પંચાયતમાં આ સુધાર કરવા આયોજન કરવામાં આવે એવી લોકોની માંગ છે. ગત સપ્તાહ દરમિયાન નવસારી રામજી મંદિર ખાતે એક કેમ્પ નગરપાલિકાના સહયોગથી યોજવામાં આવ્યો હતો પણ ત્યાં આ સમસ્યા માટે મામલતદાર કચેરીનો જ સંપર્ક સાધવા જણાવ્યું હતું. લોકોની પરેશાની દૂર કરવા અને સમસ્યાનો ત્વરિત નિકાલ કરવા ધારાસભ્યોશ્રીઓ એ સરકારને રજૂઆત કરવી એજ નમ્ર વિનંતી છે.
નવસારી – નાદીરખાન- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
મનુષ્યનું વ્યક્તિત્વ ઘડતર
કોઈ પણ વ્યક્તિની પોતાની એક આગવી ઓળખ હોય છે. તે પોતાની પ્રતિભાથી ઘડાય છે અને તેમાં પોતાના વિચાર, વર્તન તથા વ્યવહાર તેના પૂરક બની ને અન્યો સમક્ષ રજૂ કરે છે. આવી પ્રતિભાઓ પોતાના, પ્રદેશના, સમાજના, રાષ્ટ્રના તથા આધુનિક યુગના સર્વેસર્વા એવા વિશાળ જન સમુદાય કે જે કોઈ બંધન નથી હોતા તેવા સાહિત્ય, કલા અને સંસ્કૃતિ જેવા અનેક માધ્યમો દ્વારા એક વિશિષ્ટ સ્થાન ગ્રહણ કરે છે. કોઈ પણ મનુષ્ય એક વ્યક્તિના માધ્યમથી ઘડાય તે સ્વાભાવિક છે પરંતુ તે જ્યારે માનવીય ગુણો કે મૂલ્યો ને અવગણીને વ્યવહાર કરે તેને મનુષ્ય તરીકે ગણી શકાય ખરા?
મનુષ્ય સિવાય સૃષ્ટિમાં અનેક જીવો હયાતી ધરાવે છે તેમાં ભલે મનુષ્ય એક વિશિષ્ટ સ્થાન ધરાવે અને કદાચ સમગ્ર સૃષ્ટિની નેતાગીરી લઈ તેના પ્રત્યેક અંગોના રક્ષણ અને વિકાસ અંગે પ્રતિબદ્ધ રહે તે જરૂરી બને છે. આપણે પ્રત્યેક જાણીતી કે અજ્ઞાત વ્યક્તિઓની સાચી ઓળખ મેળવવા પ્રયત્ન કરતા રહીએ. તેમ છતાં તેઓની સાચી ઓળખ મેળવવી મુશ્કેલ બની રહી છે કારણ આપણે અનેક આવરણો તથા બંધનોથી ઘેરાયેલા રહ્યા છે. આપણે એમાંથી છુટકારો મેળવવા સતત પ્રયત્નશીલ રહ્યા છે.
મુંબઈ – શિવદત્ત પટેલ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.