Charchapatra

દુર્દશાગામી શિક્ષણ

ભારતમાં નાગરિકોનો જીવનવ્યવહાર ચતુર્ભાષી રહ્યો છે. આસ્તિકોના ધર્મગ્રંથો મુખ્યત્વે અરબી અને સંસ્કૃતમાં હોવાથી ભલે મર્યાદિત પણ તે ભાષા સાથે સંબંધ રહે છે. પ્રાદેશિક ભાષા, રાષ્ટ્રભાષા, આવશ્યક્તા અનુસાર વિશ્વસ્તરની અંગ્રેજી ભાષા એમ ચાર ભાષાઓ સંબંધિત રહે છે. ગુજરાત રાજ્યની વાત કરીએ તો રાજ્યમાં શિક્ષણ દુર્દશાગામી બનતું જાય છે. મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પ્રાદેશિક ભાષા ગુજરાતી સાથે સાવકા સંતાન જેવી સ્થિતિ બનતી જાય છે. અંગ્રેજી ભાષાનો રંગ ચઢતો જાય છે. અંગ્રેજી માધ્યમની શાળાઓ વધતી જાય છે.

મફત શિક્ષણ માટેની સરકારી, અર્ધસરકારી શાળાઓ દુર્દશાગ્રસ્ત બનતી જાય છે. વેપારી પ્રજાએ તો શિક્ષણને પણ કમાણીનું સાધન બનાવવામાં આગેકૂચ કરી છે. અંગ્રેજી માધ્યમની લાલચમાં ગરીબ-મધ્યમ વર્ગનાં લોકો પણ બાળકોના ઉજ્જવળ ભવિષ્યની અપેક્ષાએ આર્થિક આપત્તિમાંયે ભારેખમ ખર્ચ વેઠીને આવી ખાનગી શાળાઓમાં પોતાનાં બાળકોને દાખલ કરાવે છે. ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણનું ચિત્ર કંગાળ સ્થિતિમાં છે. જનકલ્યાણ અને વિકાસનો પ્રચાર કરતી સરકારી-અર્ધસરકારી શાળાઓ જર્જરિત મકાનમાંયે ચાલે છે, જ્યાં પતરાંની છત નીચે વિદ્યાર્થીઓ ભણે છે. સંખ્યા અને સાધનો પરવડે તેમ ન હોય તો સરકારી શાળાઓ મર્જ કરી દેવાય છે.

આવી મર્જ થયેલી પાંચ હજાર છ સો સોળ શાળાઓ છે. પતરાંની છત નીચે ચાલતી જર્જરિત અવસ્થામાં સાત હજાર પાંચસો નવ્વાણુ શાળા નોંધાઈ છે. માત્ર એક શિક્ષકથી સોળસો છ શાળાઓ ચાલી રહી છે. જેમાં સુરત જિલ્લાની આવી ત્રેવીસ શાળા નોંધાઈ છે. આડત્રીસ હજારથી વધુ શિક્ષકોની ઘટ ચાલે છે. એક જ વર્ગખંડમાં એક કરતાં વધુ ધોરણનાં વિદ્યાર્થીઓને ભણાવતી ગજબની શાળાઓની સંખ્યા પણ શરમજનક હદે ચૌદ હજાર છ સો જેટલી છે. રાજ્યના શિક્ષણપ્રધાનના વિસ્તારમાં શૂન્ય કાયમી શિક્ષકથી શાળા ચાલે છે. પ્રવાસી શિક્ષકપ્રથા ચાલે છે. એક જ ઓરડાવાળી શાળામાં તે ઓરડામાં જ હેડ માસ્તરની પણ ઓફિસ રહેતી હોય ત્યારે અફસોસ જ કરવો રહ્યો.
સુરત     – યૂસુફ એમ. ગુજરાતી આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top