World

‘દુનિયાના મુસ્લિમો એકજૂટ થાવ’: ઈરાનના વડાએ કેમ કરી આવી અપીલ, ઈઝરાયેલને શું આપી ધમકી?, જાણો..

નવી દિલ્હીઃ ઈરાનના સુપ્રીમો આયાતુલ્લાહ અલી ખામેનીએ આજે શુક્રવારે તહેરાનની ગ્રાન્ડ મસ્જિદમાં ઈઝરાયેલના હુમલામાં માર્યા ગયેલા હિઝબુલ્લાહના ચીફ નસરાલ્લાહની યાદમાં નમાજ અદા કરીહતી. નમાજ પઢ્યા બાદ મસ્જિદની બહાર હજારો લોકોને સંબોધન કર્યું હતું. ખામેનીએ દુનિયાના તમામ મુસ્લિમોને દુશ્મન સામે એકસંપ થવા અપીલ કરી હતી.

ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીએ તેહરાનમાં શુક્રવારની નમાજ બાદ રાષ્ટ્રને સંબોધિત કરતા ઈઝરાયેલના હુમલામાં માર્યા ગયેલા હિઝબુલ્લાના વડા નસરાલ્લાહને તેમના ભાઈ અને લેબનોનનો ચમકતો રત્ન ગણાવ્યો હતો.

ખામેનીએ કહ્યું કે મારા ભાઈ નસરાલ્લાહ પર મને ગર્વ છે. ઇસ્લામિક વિશ્વમાં તેમનું કદ ઘણું મોટું હતું. તે મુસ્લિમોનો સ્પષ્ટ અવાજ અને લેબનોનનો ચમકતો રત્ન હતો. તેમનો આદર કરવો મહત્વપૂર્ણ છે. હવે તે આપણી વચ્ચે નથી પરંતુ તેનો માર્ગ અને તેનો ગુંજતો અવાજ આપણી વચ્ચે છે અને હંમેશા રહેશે. તેઓ સ્પષ્ટવક્તા હતા અને દલિતોના બહાદુર સમર્થક હતા. તેમની લોકપ્રિયતા અને પ્રભાવનો વ્યાપ લેબનોન, ઈરાન અને આરબ દેશોથી આગળ હતો અને હવે તેમની શહાદતથી તેમનો પ્રભાવ વધુ વધશે.

મુસ્લિમોને એકજૂટ થવા અપીલ
ખામીનેએ પોતાના સંબોધનની શરૂઆતમાં દુનિયાભરના મુસ્લિમોને દુશ્મન સામે એક જૂટ થવા અપીલ કરી હતી. અલ્લાહના બતાવેલા માર્ગ પરથી ન હટવા અપીલ કરી હતી. ખામેનીએ કહ્યું કે, મુસ્લિમો વચ્ચે તિરાડ પાડવામાં આવી રહી છે. તેઓ પેલેસ્ટિનિયનો, ઈજિપ્તીયનો, યમની અને સીરિયાના દુશ્મન છે. આપણો દુશ્મન એક છે.

ઈઝરાયલને ખત્મ કરીશુંઃ ખામેની
ઈરાનના ગ્રાન્ડ મસ્જિદની બહાર નસરાલ્લાહની યાદમાં રાખવામાં આવેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. ખામેનીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, આપણે કોઈ પણ ભોગે ઈઝરાયેલનો ખાત્મો બોલાવીશું. જરૂર પડશે તો અમે ફરીથી ઈઝરાયેલ પર હુમલો કરીશું. હિઝબુલ્લાહ અને લેબનીઝ લોકો પોતાના અધિકાર માટે લડી રહ્યાં છે.

ખામેનીએ ગયા વર્ષે 7 ઓક્ટોબરે ઈઝરાયેલ પર હમાસે કરેલા હુમલાને પણ યોગ્ય ગણાવ્યો હતો. ખામેનીએ કહ્યું કે, દરેક દેશને સ્વરક્ષાનો અધિકાર છે. પેલેસ્ટિનિયન લોકોને તેમના પર કબ્જો કરવા માંગતા દળો સામે પુરી તાકાતથી ઉભા રહેવાનો સંપૂર્ણ અધિકાર છે.

ગુપ્ત સ્થળે નસરાલ્લાહનો મૃતદેહ દફનાવાયો
હિઝબુલ્લા સાથે જોડાયેલા એક સૂત્રએ જણાવ્યું કે ઈઝરાયલના ડરના કારણે હિઝબુલ્લાએ અસ્થાયી રૂપે નસરાલ્લાહને ગુપ્ત જગ્યાએ દફનાવી દીધો છે. વાસ્તવમાં નસરાલ્લાહના અંતિમ સંસ્કાર પર ઈઝરાયેલના હુમલાનો ડર હતો. એક લેબનીઝ અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે હિઝબુલ્લાહ લેબનીઝ સરકાર દ્વારા યુએસ પાસેથી બાંયધરી મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે કે નસરાલ્લાહના અંતિમ સંસ્કાર પર હુમલો કરવામાં આવશે નહીં. પરંતુ બેરૂતમાં સતત ઈઝરાયેલ હુમલાને કારણે આવી કોઈ ગેરંટી આપી શકાઈ નથી.

ગૂંગળામણને કારણે નસરાલ્લાહનું મૃત્યુ થયું હતું
ઝેરી ધુમાડાને કારણે હસન નસરાલ્લાનું શ્વાસ રૂંધાવાથી મોત થયું હતું. તે બેરૂતમાં હિઝબુલ્લાહના ગુપ્ત બંકરમાં છુપાયેલો હતો, જ્યાં 27 સપ્ટેમ્બરે ઇઝરાયેલના હુમલામાં તેનું મોત થયું હતું. ઈઝરાયેલની ચેનલ 12એ પોતાના અહેવાલમાં જણાવ્યું હતું કે ઈઝરાયેલના હુમલામાં નસરાલ્લાહનું ગુપ્ત બંકર ધ્વસ્ત થઈ ગયું હતું, જેના કારણે 64 વર્ષીય નસરાલ્લાહનું ઝેરી ધુમાડામાં ગૂંગળામણને કારણે મોત થયું હતું.

Most Popular

To Top