National

ઘી વિવાદ બાદ તિરુપતિ મંદિરમાં રોજ 8 લાખ લાડુ બનાવવાનું પ્લાનિંગ

તિરુમાલાઃ આંધ્ર પ્રદેશના તિરુપતિ મંદિરમાં પ્રસાદને લઈને વિવાદ બાદ હવે તિરુપતિનું શ્રી વેંકટેશ્વર મંદિર ‘બ્રહ્મોત્સવમ’ની તૈયારી કરી રહ્યું છે. આ 9 દિવસીય ઉત્સવ 4 થી 12 ઓક્ટોબર દરમિયાન યોજાશે, જેમાં દરરોજ લગભગ 1 લાખ ભક્તો ભાગ લે તેવી અપેક્ષા છે. ભક્તો માટે મંદિરમાં રોજ 8 લાખ લાડુ બનાવાનું આયોજન છે.

લાડુ વિવાદ બાદ મંગળવારે મંદિરમાં સફાઈ વિધિ ‘કોઈલ અલ્વર તિરુમંજનમ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સમગ્ર મંદિર, મૂર્તિઓ અને પૂજાના વાસણોની સફાઈ કરવામાં આવી હતી.

દરરોજ 8 લાખ લાડુ બનાવવામાં આવશે
મંદિર પ્રશાસન બ્રહ્મોત્સવ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની અપેક્ષા રાખી રહ્યું છે. ‘પોટ્ટુ’ નામનું પવિત્ર રસોડું, જ્યાં દરરોજ લગભગ 3.5 લાખ લાડુ તૈયાર કરવામાં આવે છે, તે બ્રહ્મોત્સવ દરમિયાન દરરોજ ઓછામાં ઓછા 8 લાખ લાડુ બનાવવા માટે તૈયાર થઈ રહ્યું છે. મળતી માહિતી મુજબ દરરોજ એક લાખ શ્રદ્ધાળુઓ આવવાની ધારણા છે.

મંદિરમાં ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ
મંદિરમાં સુરક્ષા માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. 4 થી 12 ઓક્ટોબર સુધી તમામ VIP દર્શનની વ્યવસ્થાઓ રદ કરવામાં આવી છે. ભીડને નિયંત્રિત કરવા માટે મંદિર પ્રશાસન સાથે જોડાયેલા લોકોને વિશેષ તાલીમ આપવામાં આવી રહી છે. લોકોને સાવચેત રહેવા માટે કહેવામાં આવી રહ્યું છે.

શું થયો હતો વિવાદ?
તાજેતરમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ એવો દાવો કર્યો હતો કે તત્કાલીન સરકારના સમયમાં તિરુપતિ મંદિરના પ્રસાદ બનાવવામાં ઉપયોગમાં લેવાયેલા ઘીમાં પશુઓની ચરબી અને માછલીનું તેલ ભેળવવામાં આવ્યું હતું. આ જ વર્ષે જૂનમાં જગન મોહન રેડ્ડીની પાર્ટી આંધ્રપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી હારી હતી અને નાયડુએ એનડીએ સાથે સરકાર બનાવી હતી. નાયડુના દાવા બાદ દેશભરમાં રાજકારણ ગરમાયું હતું. આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો.

Most Popular

To Top