SURAT

ઉકાઈ ડેમના ઉપરવાસમાં વરસાદનું જોર ઘટતાં રાહત: સપાટી 344.60 ફૂટે સ્થિર

સુરત: ઉકાઈ ડેમના ઉપરવાસમાં પણ વરસાદે વિરામ લેતા આજે પાણીની આવક અને જાવક ઘટાડવામાં આવી છે. ડેમમાં આજે 79 હજાર ક્યુસેક પાણીની આવક સામે 6 ગેટ સાડા પાંચ ફુટ ખોલીને એટલું જ પાણી છોડાયું હતું. ડેમની સપાટી 344.60 ફુટે પહોંચી છે.

ઉકાઈ ડેમના ઉપરવાસમાં લખપુરીમાં 15 મીમી, નંદુરબારમાં 20 મીમી, અકલકુવામાં 40 મીમી અને કુકરમુંડામાં 26 મીમી વરસાદ નોંધાયો છે. હથનુર ડેમમાંથી સાંજે પાણી છોડવાનું ઘટાડીને માત્ર 9 હજાર ક્યુસેક પાણી છોડાયું હતું. પ્રકાશામાંથી 36 હજાર ક્યુસેક પાણી છોડાયું હતું. ઉકાઈ ડેમમાં આજે સાંજે 79 હજાર ક્યુસેક પાણીની આવક થતા 79 હજાર ક્યુસેક પાણી છોડવાનું ચાલુ રખાયું હતું. ડેમની સપાટી 344.60 ફુટે પહોંચી છે. જ્યારે ડેમમાં આગામી 24 કલાકમાં 145 એમસીએમ પાણીની આવક થવાની સંભાવના છે. હાલ ડેમના 6 ગેટ સાડા પાંચ ફુટ ખોલાયા છે.

સુરત શહેરમાં સિઝનનો કુલ 80.08 ઇંચ વરસાદ વરસી ગયો
સુરત : સુરત શહેર અને જિલ્લામાં આજરોજ વરસાદ શાંત પડ્યો હતો. સિઝનમાં સુરત જિલ્લામાં કુલ 82.10 ઇંચ અને શહેરમાં સિઝનનો કુલ 80.08 ઇંચ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગ્વાલિયરમાં લો પ્રેસર સિસ્ટમ ડેવલપ થતા તેની અસર છેક દક્ષિણ ગુજરાત સુધી જોવા મળી છે. શહેર અને જિલ્લામાં છેલ્લા ત્રણેક દિવસથી વરસાદી માહોલ ફરી જામ્યો છે. પરંતુ આવતીકાલથી વરસાદ ધીમે ધીમે વિરામ લે તેવી સંભાવના છે. વિતેલા ચોવીસ કલાકમાં પણ શહેરમાં ગઈકાલે રાત્રે એક ઇંચ વરસાદ નોંધાયા બાદ આજે દિવસભર છુટાછવાયા વરસાદી ઝાપટા નોંધાયા હતા. જ્યારે જિલ્લામાં પણ મોટાભાગે ગઈકાલે રાત્રે વરસાદ નોંધાયો છે, પરંતુ આજે સવારથી જિલ્લામાં પણ સામાન્ય વરસાદ જ પડ્યો છે.

શહેરમાં સિઝનના કુલ વરસાદની વાત કરીએ તો આ વખતે કુલ 80.08 ઇંચ વરસાદ નોંધાયો છે. જિલ્લાના સરેરાશ વરસાદની વાત કરીએ તો સરેરાશ 82.40 ઇંચ વરસાદ નોંધાયો છે. વિતેલા ચોવીસ કલાકમાં ઓલપાડમાં 10 મીમી, માંગરોળમાં 09 મીમી, ઉમરપાડામાં 10 મીમી, માંડવીમાં 17 મીમી, કામરેજમાં 24 મીમી, સુરતમાં 23 મીમી, ચોર્યાસીમાં 08 મીમી, પલસાણામાં 11 મીમી, બારડોલીમાં 03 મીમી અને મહુવામાં 08 મીમી વરસાદ નોંધાયો છે.

Most Popular

To Top