Gujarat

નર્મદા સુરત તાપી અને સૌરાષ્ટ્રમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ, 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા

ગાંધીનગર : ગુજરાત પરથી પસાર થઈ રહેલી લો પ્રેશર સિસ્ટમ તથા સાયકલોનિક સર્ક્યુલેશનની સિસ્ટમની અસર હેઠળ હજુયે 48 કલાક માટે ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે. જયારે ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા નર્મદા, સુરત, તાપી, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આજે દિવસ દરમિયાન સાંજ સુધીમાં રાજયમાં 147 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ થયો છે.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે, ભાવનગરના મહુવામાં સવા ચાર ઇંચ જેટલો વરસાદ થયો હતો. જયારે સાબરકાંઠા તલોદમાં અઢી ઇંચ, ભાવનગરના જેસરમાં 2 ઈંચ, રાજકોટમાં જામકંડોરણામાં બે ઇંચ, અરવલ્લીના માલપુરમાં પોણા બે ઇંચ, રાજકોટના જેતપુરમાં દોઢ ઇંચ, બોટાદના ગઢડામાં સવા ઇંચ, ગોંડલમાં સવા ઇંચ, અરવલ્લીના મેઘરજમાં સવા ઇંચ, દ્વારકાના ભાણવડમાં એક ઈંચ જેટલો વરસાદ થયો છે.

આજે રાજ્યમાં ભારે વરસાદને લઈને હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું છે. આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી અને ખેડામાં ભારે વરસાદની આગાહી છે. અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને, મહીસાગરમાં પણ યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે. આ મોટાભાગના જિલ્લાઓમાં ગાજવીજ સાથે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. આવતીકાલે રવિવારે પણ રાજ્યમાં વરસાદની આગાહી છે.

છેલ્લા 24 કલાકની અંદર રાજયમાં 33 જિલ્લામાં 233 તાલુકાઓમાં વરસાદ થયો છે.જેમાં સુરેન્દ્રનગરના લખતરમાં 5.5 ઈંચ જેટલો વરસાદ થયો હતો. જયારે જુનાગઢ તાલુકો તથા જુનાગઢ સીટી તાલુકામાં 4.8 ઈંચ જેટલો વરસાદ થયો હતો. રાજયમાં ચોમાસાની મોસમ આમ તો સત્તાવાર રીતે વિદાય લઈ ચૂકી છે, જો કે અરબ સાગર પરથી આવેલી લો પ્રેશર સિસ્ટમ તથા સાયકલોનિક સરકયૂલેશનની સિસ્ટમની અસર હેઠળ ગુજરાતમાં વરસાદ થઈ રહ્યો છે.

  • દરેક ઝોનમાં 100 ટકાથી વધુ વરસાદ
  • કચ્છમાં 184.86 ટકા
  • ઉત્તર ગુજરાતમાં 113.07 ટકા
  • મધ્ય – પૂર્વ ગુજરાતમાં 130.31 ટકા
  • સૌરાષ્ટ્રમાં 142.12 ટકા
  • દક્ષિણ ગુજરાતમાં 138.85 ટકા

Most Popular

To Top