72 કલાકની મુદત પૂરી થતાં કોર્પોરેશનની ટીમે પહોંચી કાર્યવાહી શરૂ કરી, અગોરાનું ક્લબ હાઉસ અને અન્ય બાંધકામો તોડાયાં
વડોદરામાં આવેલા પુર બાદ કોર્પોરેશન તંત્ર દ્વારા વિશ્વામિત્રી નદી કિનારાના 13 ગેરકાયદેસર બાંધકામોને ત્રણ દિવસની નોટિસ સપાઈ હતી. નોટિસનો સમય પૂરો થતાં આજથી અગોરા મોલના ક્લબ હાઉસ સહિતના બાંધકામો તોડવાની કામગીરી કોર્પોરેશનને શરૂ કરી હતી.
વડોદરા શહેરમાં આવેલા પૂરમાં 3 દિવસ સુધી લોકોને ઘરમાં પુરાઈ રહેવાનો સમય આવ્યો હતો. કરોડોના નુકશાન બાદ પણ નેતાઓ મદદ માટે પહોંચ્યા ન હતા. જે બાદ લોકોનો આક્રોશ નેતાઓ પ્રત્યે જોવા મળ્યો હતો. જે વિસ્તારમાં કોર્પોરેટર, ભાજપ પાર્ટીના નેતાઓ, ધારાસભ્યો જતા હોય ત્યાં લોકો ખૂબ જ આક્રોશ વ્યક્ત કરી રહ્યા હતા, તેમને ભગાવી પણ રહ્યા હતા.અનેક સોસાયટીઓ બહાર બોર્ડ પણ લાગ્યા કે નેતાઓએ પ્રવેશ કરવો નહીં.
આગામી ચૂંટણીના બહિષ્કારના પણ બોર્ડ લાગ્યા, જે બાદ ગૃહ મંત્રી હર્ષ સંઘવી વડોદરા પહોંચ્યા હતા અને તેમણે વિશ્વામિત્રી પરના દબાણ તોડવાની વાત કરી હતી. જે પ્રમાણે કોર્પોરેશન દ્વારા વિશ્વામિત્ર નદી પરના 13 ગેરકાયદેસર બાંધકામો તોડવા નોટીસ અપાઈ હતી. ગત રાત્રે તેનો સમય પૂર્ણ થતા આજે સવારથી કોર્પોરેશન દ્વારા જેસીબી બુલડોઝર અને અધિકારીઓના લાવલશ્કર સાથે મહત્વના દબાણ એવા અગોરા મોલના ક્લબ હાઉસને તોડી પાડવાની કામગીરી હાથ ધરાઈ હતી.
પોલીસ સુરક્ષા વચ્ચે ઈમારત તોડવાની કામગીરી થઈ રહી છે. તો પર્યાવરણ પ્રેમીઓ પણ અગોરા મોલ પહોંચ્યા હતા તેમણે કહ્યું ફક્ત ક્લબ હાઉસ નહીં આખેઆખો અગોરા મોલ ગેરકાયદેસર છે. વિશ્વામિત્રી નદીના પટમાં તેનું બાંધકામ થયેલું છે. ગ્રીન ઝોનની જમીનનો ફેરફાર ન કરી શકાય છતાંય ઝોન ફેર કરીને આ બાંધકામો થયા છે જે એનજીટીના નિયમ વિરુદ્ધ છે.
આજે સવારે વડોદરા પાલિકાની દબાણ શાખા 6 જેસીબી, અધિકારીઓ અને પોલીસ સહિત 25 કર્મચારીઓ તૈનાત સાથે કામ કરી રહી છે. કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. દબાણ શાખાની ટીમ આજે સવારે પોલીસ કાફલા સાથે શ્રી બાલાજી ગ્રુપના અગોરા મોલ પર પહોંચી હતી અને વિશ્વામિત્રી નદીના કિનારે અગોરા મોલ દ્વારા ગેરકાયદેસર રીતે બનાવેલા ક્લબ હાઉસને તોડી પાડવાનું શરૂ કર્યું હતું. 3000 હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં બનેલા 3 માળના ક્લબ હાઉસના દબાણે દૂર કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. આ ક્લબ હાઉસને હટાવવાથી વિશ્વામિત્રી રિવરફ્રન્ટનો વધારાનો 3,000 ચોરસ ફૂટનો વિસ્તાર ખુલશે.
દબાણ શાખાની અન્ય એક ટીમે પણ નિઝામપુરાના ભુખી કાંસા પર દબાણ હટાવ કામગીરી શરૂ કરી છે. શહેરના મંગલ પાંડે રોડ પર આવેલ કલબ હાઉસ અને અગોરા મોલની ઓળખની કામગીરી દરમિયાન વાહનચાલકો પણ પોતાના વાહનો રોકીને પાલિકાની આ કામગીરી નિહાળવા ઉભા રહ્યા હતા. આ સિવાય આજુબાજુના વિસ્તારના કેટલાક લોકો પણ આ કાર્યવાહી જોવા માટે આવ્યા હતા.
વિશ્વામિત્રી નદીમાં આવેલા વિનાશક પૂરને એક મહિનો થઈ ગયો છે. વિશ્વામિત્રી નદીમાં પૂરનું કારણ વિશ્વામિત્રી નદીના કિનારે દબાણ હોવાનું કહેવાય છે. આ અંગે વિપક્ષ અને નાગરિકોએ દબાણ દૂર કર્યું છે. જેના કારણે પાલિકા દ્વારા વેમાલીથી વડસર સુધીના 23 કિલોમીટરના વિસ્તારમાં ડ્રોન અને ફિઝીકલ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. સર્વે દરમિયાન 25 દબાણો પ્રકાશમાં આવ્યા હતા, જેમાંથી 11 દબાણકર્તાઓને પાલિકા દ્વારા 72 કલાકની નોટિસ આપવામાં આવી હતી.
પહેલાથી કાર્યવાહી કરી હોત તો વડોદરાએ પૂરની તારાજી સહન કરવી પડી નહોત
અગોરા મોલ પાસે એકઠા થયેલા લોકોએ જણાવ્યું હતું કે જો વડોદરા કોર્પોરેશન દ્વારા આ કામ અગાઉ કરવામાં આવ્યું હોત તો વડોદરા પૂરમાં ડૂબી ગયું ન હોત. પરંતુ રાજકારણીઓના કારણે અગોરા મોલ પરનું દબાણ દૂર થયું નથી. પરંતુ વહેલામાં વહેલી તકે આજથી શરૂ થયેલ કામગીરી આવકારદાયક છે. પરંતુ વિશ્વામિત્રી નદીના પટમાં જે પણ દબાણો છે તે દૂર કરવા પણ માંગ ઉઠી હતી.
ક્લબ હાઉસ તોડતા 3 દિવસ લાગશે
પોલીસ સુરક્ષા, 3 જેસીબી, 2 બુલડોઝર, બાંધકામ શાખાના અધિકારીઓ, દબાણ શાખાના અધિકારીઓની ફોજ ઘટના સ્થળે હાજર હતા. 2 માળનું અગોરા ક્લબ હાઉસ તોળતા 2 થી 3 દિવસનો સમય લાગશે. વિશ્વામિત્રી નદી અને ભૂકી કાંસ પરના ગેરકાયદેસર બાંધકામ તોડવાની કામગીરી શરૂ કરાઇ છે.