વિશ્વની અનેક મોટી નદીઓના પાણીનો સંગ્રહ કરવા માટે અને તેના વડે મોટા વિસ્તારમાં સિંચાઇ કરવા માટે તથા પૂરની સમસ્યાના ઉકેલ માટે પણ ગત સદીમાં દુનિયાભરમાં અનેક મોટા બંધો બંધાયા, પણ હવે આમાંના ઘણા બંધો જોખમી બનવા માંડ્યા છે અને એક મોટો ખતરો ઉભો કરવા માંડ્યા છે. ભારતમાં પણ એવા હજારો બંધો છે જેમનું આયુષ્ય ટૂંક સમયમાં પ૦ વર્ષ જેટલું થઇ જશે અને આ બંધો મોટો ખતરો ઉભો કરી રહ્યા છે એમ યુએનનો એક અહેવાલ જણાવે છે.
યુએન સાથે સંકળાયેલા કેટલાક નિષ્ણાતોએ તૈયાર કરેલા અહેવાલ મુજબ પ૮૭૦૦ જેટલા વિશ્વના મોટા બંધોમાંથી મોટા ભાગના બંધો હવે જરીપુરાણા થઇ ગયા છે અને તૂટી પડે તેવો પણ ખતરો ધરાવતા થઇ ગયા છે. વિશ્વના મોટા ભાગના મોટા બંધો ૧૯૩૦થી ૧૯૭૦ વચ્ચે બંધાયા હતા અને આમાંના મોટા ભાગના બંધો ૫૦થી ૧૦૦ વર્ષના આયુષ્યના અંદાજ સાથે બાંધવામાં આવ્યા હતા.
આનો અર્થ એ કે આ બંધોનું આયુષ્ય હવે પુરુ જ થઇ જવા આવ્યું છે. એક અંદાજ પ્રમાણે જો આ બંધો તૂટી પડે તો ૮૩૦૦ અબજ ઘન કિલોમીટર પાણી વછૂટી શકે છે અને આ પાણીનો જથ્થો એટલો બધો થાય કે અમેરિકાની વિશાળ ગ્રાન્ડ કેન્યોન ખીણને તેના વડે બે વખત ભરી શકાય. આ બંધોમાં અમેરિકાના હૂવર બંધ અને ઇજિપ્તના આસ્વાન બંધ જેવા જાણીતા બંધો સહિત અનેક બંધો આવેલા છે, ભારતના એક હજાર કરતા વધુ બંધોનો પણ જોખમી બનવાની તૈયારી કરી રહેલા બંધોમાં સમાવેશ થાય છે.
ભારતમાં ૧૧૧પ જેટલા બંધો એવા છે કે જેમનું આયુષ્ય ૨૦૨પના વર્ષ સુધીમાં પ૦ વર્ષ જેટલું થઇ જશે અને આ બંધો જોખમી બની જશે એમ આ અહેવાલ પરથી જાણવા મળે છે. આ અહેવાલ એમ પણ જણાવે છે કે કેરળનો મલ્લપેરિયાર બંધ ૧૦૦ વર્ષ કરતા વધુ સમય પહેલા બંધાયો હતો અને તેનાથી સાડા ત્રણ લાખ જેટલા લોકો પર જોખમ તોળાઇ રહ્યું છે. યુએન યુનિવર્સિટી એનાલિસીસનો આ અહેવાલ જણાવે છે કે મોટા બંધોમાંથી ૩૨૭૧૬ બંધો (વિશ્વના મોટા બંધોના પપ ટકા) એશિયન દેશો જેવા કે ભારત, ચીન, જાપાન અને દક્ષિણ કોરિયામાં આવેલા છે. આ બંધોની પ૦ વર્ષની આયુષ્ય મર્યાદા ટૂંક સમયમાં પુરી થશે.