નવી દિલ્હી (New Delhi): દેશમાં કોરોના રસીકરણ કાર્યક્રમ 16 જાન્યુઆરીએ શરૂ થઇ ચૂક્યો છે. એવામાં ભારતે પોતાનો પાડોશી ધર્મ સારી રીતે નિભાવ્યો છે. અબજો ભારતીયો વતી ભારત સરકારે પાડોશી દેશોને વિના મૂલ્યે કોરોના રસી પહોંચાડવાની શરૂઆત કરી છે. બુધવારે સવારે ભુટાન માટે 1.5 લાખ રસી અને માલદીવ માટેની 1 લાખ રસીની પ્રથમ બેચને મુંબઇ એરપોર્ટથી રવાના કરવામાં આવ્યો હતો. રસીના માલ પર રાષ્ટ્રધ્વજ સાથે એક સંદેશ લખવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, ‘ભારતના લોકો અને સરકાર તરફથી ભેટ.’.
ભારતે ભૂટાન અને માલદીવ ઉપરાંત નેપાળ, બાંગ્લાદેશ, મ્યાનમાર અને સેશેલ્સ જેવા દેશોને મફત રસી આપવાનું વચન આપ્યું છે. રસીકરણ અભિયાનનો પ્રારંભ કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે ભારત એવા કેટલાક દેશોમાં સામેલ છે, જે મુશ્કેલી હોવા છતાં, વિશ્વના 150થી વધુ દેશોને જરૂરી દવાઓ અને જરૂરી તબીબી સહાય પૂરી પાડે છે. પેરાસીટામોલ હોય કે પછી હાઇડ્રોક્સાઇક્લોરોક્વિન હોય ભારત અન્ય દેશોના લોકોને પણ બચાવવા માટે તમામ પ્રયત્નો કરી રહ્યું છે. આજે જ્યારે આપણે આપણી રસી બનાવીએ છીએ ત્યારે વિશ્વ ભારત તરફ આશાથી જોઇ રહ્યુ છે.
ભારતે બ્રાઝિલને કોરોના વાયરસ રસીના 20 લાખ ડોઝ મોકલ્યો છે. બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર એમ બોલ્સોનારોએ (Brazil President Jair M Bolsonaro) રસી માટે ભારતનો આભાર માનતા એક અલગ રીતે ભારતનો આભાર માન્યો છે. તેમણે પોતાના સંદેશની શરૂઆત “નમસ્કાર”થી (Namaskar) કરી અને ભગવાન હનુમાન સંજીવની બૂટી (Sanjivanee) લઇને આવતા હોય એવા એક ગ્રાફિક પર “ધન્યવાદ ભારત” (Dhanyawad Bharat) લખીને વડાપ્રધાન મોદીનો આભાર માન્યો હતો.
બ્રાઝિલના રાષ્ટ્રપતિ જૈર એમ બોલ્સોનારોએ ટ્વીટ કરતા લખ્યું, નમસ્કાર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, બ્રાઝિલ આ મહામારીના દોરમાં તમારા જેવા મહાન સાથીને શોધીને ગૌરવ અનુભવે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ ટ્વિટના જવાબમાં કહ્યુ કે ભારત આરોગ્યસંભાળ પરના સહયોગને વધુ મજબૂત બનાવશે.
ભારતે કોરોના વાયરસ સામેની લડતમાં બ્રાઝિલની માંગ માટે હાઇડ્રોક્સાઇક્લોરોક્વિનની (Hydroxychloroquine) લાખો ટેબ્લેટ્સ પણ મોકલી હતી. ત્યારે પણ જેર બોલ્સોનારોએ ભારતની પ્રશંસા કરી હતી. તેમણે હાઇડ્રોક્સિક્લોરોક્વિન વિશે કહ્યું કે આ દવા કોરોના સામે અસરકારક છે. કોરોનાથી સંક્રમિત થયા પછી બ્રાઝિલના રાષ્ટ્રપતિ બોલ્સોનારોએ પોતાનો હાઇડ્રોક્સાઇક્લોરોક્વિન ખાતો ફોટો પણ પોસ્ટ કર્યો હતો.