દર વર્ષે આંતરરાષ્ટ્રીય ધોરણે 10 સપ્ટેમ્બરના રોજ ‘વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ’ મનાવવામાં આવે છે. જેની શરૂઆત 2003થી આત્મહત્યા નિવારણ આંતરરાષ્ટ્રીય સંગઠન દ્વારા કરવામાં આવી હતી. એક સંશોધન મુજબ દર વર્ષે વિશ્વભરમાં 8 લાખથી વધુ લોકો આપઘાત કરે છે. આત્મહત્યા એ માત્ર વ્યક્તિગત જીવનની સમસ્યા નથી પરંતુ તે વૈશ્વિક ધોરણે એક કલંક બની ગયું છે. આ દૂષણને ઘટાડવાના ભાગરૂપે પ્રતિબદ્ધતા સાથે ચોક્કસ પગલાં લઈ આત્મહત્યા રોકવાનો પ્રયાસ આચારવામાં આવે છે.
આત્મહત્યાને મોત સાથે નિસ્બત નથી પરંતુ તેને જિંદગી જીવતાં માણસો સાથે નાતો છે. જીવન એ નકારાત્મક અને હકારાત્મક તબક્કાઓ અને વિચારોની ઉપજ છે. કોઈ પણ માણસ જ્યાં સુધી શ્વાસ લે છે ત્યાં સુધી તે જીવે જ છે એમ માની લેવું હંમેશા પુરવાર નથી થતું અને આ એકદમ વ્યસ્ત જિંદગીમાં આપણને આપણી સાથે રહેનારાઓ લોકો કેટલા અંશે સાચા અર્થમાં જીવી રહ્યા છે કે નથી એની નોંધ લેવાની ફુરસદ નથી. અને જો આપણને કદાચ ખબર છે કે આપણી સાથે રહેનારા વ્યક્તિ ડિપ્રેશન કે આ આઘાતનો શિકાર છે પણ તેના નિવારણ માટે આપણી પાસે સમય નથી હોતો. આથી આ દૂષણને ઘટાડવા જાગૃતતા ફેલાવવાના ભાગરૂપે દર 2 વર્ષ માટેની એક થીમ નક્કી કરી દર વર્ષે તે અનુસાર વર્લ્ડ સુસાઇડ પ્રિવેન્શન એસોસીએશન ચોક્કસ કાર્યો કરે છે. આથી વર્ષ 2024-26 માટે ‘ચેન્જિગ ધ નરેટિવ ઓન સુસાઇડ’ની થીમ નક્કી કરવામાં આવી છે.
આ થીમ મુજબ આત્મહત્યા અંગે વિચારો, અસરો, તેના પરિણામો, જટિલ સમસ્યાઓ અંગે વાર્તાલાપ, વ્યક્તિના માનસિક સ્વાસ્થ્યને પ્રાથમિકતા, જુદા જુદા ઓર્ગેનાઇઝેશન દ્વારા આત્મહત્યા રોકવાના પ્રયાસો વગેરે પગલાંઓ અનુસરવામાં આવશે તેમજ આત્મહત્યા કરનારા વ્યક્તિઓનાં લક્ષણો અને વલણ વિશે ચર્ચા કરવા માટે એક જાહેર માધ્યમ પૂરું પાડવામાં આવશે.આમ આ થીમ અંતર્ગત પીડિત વ્યક્તિઓને નિખાલસતા, સહાનુભૂતિ અને સમર્થન આપી આત્મહત્યા રોકવાના મજબૂત પ્રયાસો કરવામાં આવશે.
ભરૂચ -સૈયદ માહનુર આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.