Charchapatra

ડ્રગ્સ મામલે સખ્તાઇ ખૂબ જ જરૂરી છે

ગુજરાતમાં છેલ્લાં 64 વર્ષથી રહેમનજરે ચાલી આવતી દારૂબંધી અમલમાં છે. હાલ ગુજરાતમાં દારૂબંધી છે કે કેમ તે મહત્ત્વનો પ્રશ્ન છે કારણ કે ગામેગામ શહેરશહેર અનેક વિસ્તારમાં છૂટથી દારૂ મળતો હોય અને રસ્તા પર પીધેલાં લથડિયાં ખાતાં હોય તો તે રાજ્યમાં  દારૂબંધી કેવી રીતે કહી શકાય? ગુજરાતમાં ચલાવવામાં આવતી દારૂબંધી સદંતર નિષ્ફળ ગઈ છે તે વાત હવે સરકારે સ્વીકારી લેવી જોઈએ અને હવે તો ગુજરાતના દરિયાકિનારેથી બિનવારસી ડ્રગ્સ મળે છે તેના પરથી અનુમાન લગાવી શકાય કે ગુજરાતની પ્રજાને ડ્રગ્સના રવાડે ચઢાવી યુવાનોને નશાખોર બનાવી પાયમાલ કરવાની ખૂબ જ મોટા પાયે યોજના બનાવવામાં આવી હોય તેવું બની શકે છે.

બાકી કરોડોનું ડ્રગ્સ દરિયાકિનારે રેઢું પડ્યું રહે અને તે પણ વારંવાર બિનવારસી મળતું રહે તે વાત અનેક પ્રશ્નો ઊભા કરે છે. ડ્રગ્સનાં પેકેટ બિનવારસી મળે છે પરંતુ તેને લાવનારું કોણ છે તે હજુ સુધી પકડાયું નથી. હાલમાં સુરતમાં પણ નશાના વ્યાપારની પ્રવૃત્તિઓમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે જેથી જનતાની સલામતી માટે ખાસ કરીને ડ્રગ્સના વ્યાપાર પર સખ્તાઇ રાખવી ખૂબ જ જરૂરી છે. જેવી રીતે ડ્રગ્સના રવાડે જઈને ઊડતું પંજાબ થઈ ગયું હતું તેવું જ કદાચ ગુજરાતનું પણ ના થાય તેની તકેદારી રાખવાની સરકારની જ પૂરેપૂરી જવાબદારી છે.
સુરત              – વિજય તુઈવાલા આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

ગણેશોત્સવ, પ્રજા અને હાલાકી
ગણેશોત્સવ દરમિયાન પ્રજાને હાલાકી પડતી જ નથી.મોટા કે નાના ગણપતિ, તેનું ડેકોરેશન, હવે તો લેસર લાઈટથી જાતજાતના આકાર, આ બધું જોવા, ટોળું નહિ, કીડિયારું ઉભરાય છે. લાખો રૂપિયાનો મંડપ, એને માટે છૂટથી પૈસા આપનાર સ્પોન્સર ઉપરાંત ફંડફાળો અલગ, ધામધૂમથી વરઘોડો કાઢી સ્થાપના અને વિસર્જન, રોજના જાતજાતના પ્રોગ્રામ, જમણવાર (અને પાછલે બારણે પત્તાં રમવાના) પ્રજાને આ બધું ગમે છે અને મજા આવે છે. આયોજકોનો ટાઇમપાસ થાય છે અને અહમ્ સંતોષાય છે. મંડપના કોન્ટ્રાક્ટ મોટે ભાગે અન્ય કોમના હોય છે. તહેવાર તમારો અને કમાણી અન્ય કોમના લોકોને. ઉપરાંત કેટરર્સ અને પ્રોગ્રામ આયોજકોને પણ લહેર. કારણ હવે હજારોની સંખ્યામાં સ્થાપના થાય છે. મૂળે પ્રજાની ઘેલછા દૂર થવી જોઈએ.
સુરત     – અરવિંદ દલાલ આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top