વડાપ્રધાન મોદીજી, ઉદ્ઘાદટનો કરતી વખતે કે નવી કોઇ ચીજ લોન્ચ કરતા, વિરોધપક્ષો એટલે કે ખાસ કરીને કોંગ્રેસને કાયમ આડે હાથ લેતા હોય છે. અનેક પ્રસંગે, અનેક વખત ‘વંશવાદ’ને નામે જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી તથા કયાંક પ્રિયંકા ગાંધી (વાડેરા) ની નિંદા કરવાનું ચૂકતા નથી.
મોદીજીની એક વંશ ઉપરની ટીકાઓ, અમારા જેવા મોદીજીના ખુદ ચાહકોને પણ હવે ગમતી નથી. સ્વતંત્ર ભારતના વડાપ્રધાન બનવાનું જેના ભાગ્યમાં હતું, તે સૌ બન્યા અે એ સૌ, વડાપ્રધાનોએ, એમનાથી બનતી સેવા, આ દેશની જરૂર કરી છે જ.
મોદીજી અગાઉના વડાપ્રધાનોએ જો કાંઇ કાર્ય કર્યું જ ના હોત તો, ભારત શું અત્યારે છે, તેટલો આગળ કદિ હોત ખરો? ‘બધુ જ મેં કર્યું છે.’ એવો આસકત ભાવ રાખવો મોદીજીને માટે યોગ્ય નથી. મનમોહનસિંગ, દસ વર્ષ વડાપ્રધાનપદે રહ્યા.
દેશના અર્થતંત્રને એમણે ઘણું વિકસાવ્યું હતું. એમણે કયારેય, બીનકોંગ્રેસી વડાપ્રધાનો, મોરારજી દેસાઇ કે વાજપેયીજી બાબતે ટીકાત્મક વાત કરી નથી. ઇિતહાસ કહે છે કે, અમેરિકાનો કોઇ પ્રેસિડેન્ટ, એના પૂરોગામી પ્રેસિડેન્ટ માટે, ઘસાતુ બોલતો જાણ્યો નથી. મોદીજી પણ એમાંથી બોધપાઠ લઇને, ગાંધી-નહેરુ વંશની, નિંદાત્મક ટીકાઓ કરવાનું જાહેરમાં ટાળે તો, અમને ખૂબ ગમશે.
સુરત – બાબુભાઇ નાઇ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.