કોરોનાવાયરસના લૉકડાઉનની તકલીફો વચ્ચે યુકે પર ક્રિસ્ટોફર નામનું એક વાવાઝોડું ત્રાટક્યું છે જેને કારણે ભારે વરસાદ પડતા વિવિધ નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાતા હજારો લોકોનું સ્થળાંતર કરાવવું પડ્યું હતું તથા બીજી પણ અનેક મુશ્કેલીઓ ઉભી થઇ હતી.
વાવાઝોડા સાથે પડેલા ભારે વરસાદને કારણે મર્સી નદીમાં પૂર આવવાને કારણે માન્ચેસ્ટરના ડેબ્સબરી વિસ્તારમાં ૨૦૦૦ ઘરો ખાલી કરાવવા પડ્યા હતા. દેશમાં વિવિધ સ્થળેથી હજારો લોકોનું સ્થળાંતર કરાવવું પડ્યું હોવાનું જાણવા મળે છે.
નોર્થ વેલ્સના રેક્ષહામ ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં કોવિડ-૧૯નું ઉત્પાદન કરતા સ્થળ અને રસીઓના ગોડાઉનને પૂરથી બચાવવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. ગોદામમાં તો પાણી ભરાઇ પણ ગયું હતું અને તેને પમ્પ વડે બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
યુકેમાં અનેક સ્થળે બે મહિનાનો વરસાદ થોડા કલાકોમાં જ પડી જતાં ભારે મુશ્કેલી સર્જાઇ હતી. ૨૦૧૯માં અને ગયા વર્ષે પૂરગ્રસ્ત વિસ્તારોની સમયસર મુલાકાત નહીં લેવા બદલ ભારે ટીકાઓનો સામનો કરી ચુકેલા વડાપ્રધાન આ વખતે તાબડતોબ રોયલ એરફોર્સના હેલિકોપ્ટરમાં પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચી ગયા હતા.