કચ્છ ઉપર આવેલી ડિપ ડિપ્રેશનની સિસ્ટમ હવે હટી જતાં ગુજરાતમાં ચોમાસુ સિસ્ટમ પણ નરમ પડી ગઈ છે. આજે સાંજે છ વાગ્યા સુધીમાં રાજ્યમાં 8 તાલુકાઓમાં 1 મીમી થી 25 મીમી જેટલો વરસાદ થયો છે. રાજ્યમાં હાલમાં ભારે વરસાદની કોઈ આગાહી નથી.
- 8 તાલુકામાં એક મી.મી.થી એક ઈંચ જેટલો વરસાદ
- રાજ્યનો સરારાશ વરસાદ 111.18 થઈ ગયો, સૌથી વધુ કચ્છમાં 179.21 ટકા
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે રાજયમાં ચોમાસાની મોસમનો સરેરાશ 111.18 ટકા જેટલો વરસાદ થયો છે. જેમાં કચ્છમાં 179.21 ટકા , ઉત્તર ગુજરાતમાં 88.26 ટકા, મધ્ય – પૂર્વ ગુજરાતમાં 106.09 ટકા, સૌરાષ્ટ્રમાં 124.96 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 111.56 ટકા જેટલો વરસાદ થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 68 તાલુકાઓમાં વરસાદ થયો હતો. જેમાં સૌથી વધુ કચ્છના મુંદ્રામાં 1 ઈંચ જેટલો વરસાદ થયો હતો.
જ્યારે સુરેન્દ્રનગરના લીંબડીમાં રળોલ ગામમાં પાણીમાં ડુબી જવાથી 1 વ્યકિત્તનું મૃત્યુ થયું હતું. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 890 લોકોને રેકસ્યૂ કરાયા છે. જ્યારે 3961 લોકોનું સ્થળાંતર કરાયું હતું. ચોમાસાની મોસમમાં અત્યાર સુધીમાં રાજ્યમાં ભારે વરસાદના કારણે 55,829 લોકોનું સ્થળાંતર કરાયું છે. હાલમાં વડોદરામાં લશ્કરની 4 અને ગાંધીનગરમાં 1 કોલમ કાર્યરત છે. જ્યારે એનડીઆરએફની 10 તથા એસડીઆરએફની 27 ટીમ તૈનાત કરાયેલી છે.
ભારે વરસાદના કારણે હજુયે રાજ્યમાં 36 સ્ટેટ હાઈવે, 42 અન્ય માર્ગો તથા 402 પંચાયતના માર્ગો તથા 3 નેશનલ હાઈવે બંધ છે. રાજ્યમાં હજુયે 589 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયેલો છે. 181 જેટલા એસટી નિગમની બસોના રૂટ બંધ છે. જેના કારણે 516 જેટલી બસોની ટ્રીપ રદ કરી દેવાઈ છે.