સુરત: (Surat) યાર્ન બેંક પ્રોજેક્ટમાં વહીવટી અનિયમિતતાઓનાં કારણોસર પાંડેસરા વિવર્સ કો.ઓ. સોસાયટી દ્વારા સંચાલિત યાર્ન બેંકને કેન્દ્રના ટેક્સટાઇલ (Textile) મંત્રાલય દ્વારા ટેક્સટાઇલ કમિશનર કચેરી હસ્તક ફાળવવામાં આવેલું ફંડ પરત લઇ લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તા.29 ડિસેમ્બરે ટેક્સટાઇલ મંત્રાલયના અંડર સેક્રેટરી ભારદ્વાજે ટેક્સટાઇલ કમિ.ને પત્ર લખી પાંડેસરા યાર્ન બેંકને એક્સટેન્શન નહીં આપવા અને સરકારી નાણાં પરત લેવા પત્ર લખ્યો છે. આ પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, ટેક્સટાઇલ કમિશનર કચેરી અને ટેક્સટાઇલ મંત્રાલય વચ્ચે થયેલા તા.22 નવેમ્બર-2020ના પત્ર વ્યવહાર પછી ટેક્સટાઇલ મંત્રાલયના અંડર સેક્રેટરી એસ.ભારદ્વાજે ટેક્સટાઇલ કમિશનરને સંબોધીને જણાવ્યું છે કે, યાર્ન બેંકને (Yarn Bank) એક્સટેન્શન આપવામાં ન આવે અને સરકાર દ્વારા આ યોજનામાં જે મૂડી લગાવવામાં આવી છે તે ઝડપથી પરત લઇ લેવામાં આવે તથા આ મામલે કમ્પ્લાયન્સ રિપોર્ટ મિનિસ્ટ્રીને મોકલવામાં આવે.
ચેમ્બરની મેનેજિંગ કમિટીની ચૂંટણીઓ વખતે ઉમેદવાર સંજય ઇઝાવા અને પાંડેસરા વિવર્સ સોસાયટીના માજી પ્રમુખ અશોક મહેતા દ્વારા કેન્દ્રના ટેક્સટાઇલ મંત્રી, ટેક્સટાઇલ સેક્રેટરી અને ટેક્સટાઇલ કમિશનર કચેરીને યાર્ન બેંકમાં અનિયમિતતાઓ થઇ છે તેવા આક્ષેપ સાથે ફરિયાદો કરવામાં આવી હતી. તે પછી ટેક્સટાઇલ કમિશનર કચેરી અમદાવાદ દ્વારા આ મામલાની તપાસ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર સુરતને સોંપવામાં આવી હતી. ત્યાં હજી મામલો સુનાવણીના સ્તરે છે તે પહેલા ટેક્સટાઇલ મંત્રાલયે આ આદેશ જારી કર્યો છે.
પાવર ટેક્સ યોજના હેઠળની યાર્ન બેંકની સ્કીમ બંધ થઈ ગઈ છે એટલે સરકારને નાણાં પરત કરીશું: આશિષ ગુજરાતી
પાંડેસરા વિવર્સ સોસાયટીના પ્રમુખ અને ચેમ્બરના ઉપપ્રમુખ આશિષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, સોસાયટીમાં અનિયમિતતાનો કોઇ પ્રશ્ન નથી. યાર્ન બેંકની સ્કીમ પાવર ટેક્સ યોજના હેઠળ ચાલતી હતી. આ સ્કીમ હવે કેન્દ્ર સરકારે બંધ કરવાનો નિર્ણય લીધો છે. સુરતની બે સહિત દેશની વીસ યાર્ન બેંક 31 ડિસેમ્બર-2020થી બંધ થઇ ગઇ છે. તેથી સરકારે નાણાં પરત માંગ્યાં છે. પાંડેસરા સોસાયટી દ્વારા સરકારનું ફંડ પરત મોકલી દેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. હવે યાર્ન બેંક પાંડેસરાના વિવર્સોના રિઝર્વ ફંડમાંથી સોસાયટીના ધોરણે ચલાવવામાં આવશે. યાર્ન બેંક માટે સોસાયટી દ્વારા બેંક ગેરંટી આપવામાં આવી હતી. તે જોતા વિઘ્ન સંતોષીઓ ખોટી રીતે આ મામલો રજૂ કરી રહ્યા છે. કારણ કે, યાર્ન બેંકના ઓડિટરે પણ કોઇ અનિયમિતતાનો ઉલ્લેખ કર્યો નથી. ટેક્સટાઇલ કમિશનરની કચેરીની તમામ ક્વેરીઓ પૂર્ણ કરવામાં આવી છે.
ટેક્સટાઇલ મંત્રાલયે અનિયમિતતાનો મામલો પત્રમાં ઊભો કર્યો છે
આ મામલામાં ફરિયાદી સંજય ઇઝાવાએ જણાવ્યું હતું કે, ટેક્સટાઇલ મંત્રાલય દ્વારા ટેક્સટાઇલ કમિશનરને લખવામાં આવેલા પત્રમાં યાર્ન બેંકના વહીવટમાં અનિયમિતતા થઇ હોવાનો મામલો પત્રના વિષયમાં જ લખવામાં આવ્યો છે. સાથે સાથે સોસાયટીને આ પ્રોજેક્ટમાં એક્સટેન્શન નહીં આપવા અને સરકારની સહાયનાં નાણાં જેટલાં ઝડપથી પરત મળે તેટલી ઝડપથી રિકવર કરવા આદેશ આપવામાં આવ્યો છે. અગાઉ અમારી ફરિયાદ પછી સુરત પીપલ્સ બેંકમાં એસ્ક્રો બેંક એકાઉન્ટ પણ બ્લોક કરવામાં આવ્યું હતું. આ મામલામાં ટેક્સટાઇલ મંત્રાલય સમક્ષ વિજિલન્સ તપાસ અથવા સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ઓડિટ મૂકવા માંગ કરવામાં આવશે.