રાધિકાને તેની મમ્મીએ રૂમ સાફ કરી બધી વસ્તુ બરાબર ગોઠવવાનું કહ્યું.રાધિકા ટી.વી. જોઈ રહી હતી એટલે તેણે બહુ ધ્યાન આપ્યું નહિ.મમ્મી ગુસ્સે થઈને બોલી, ‘રાધી, તું સાંભળતી નથી જે કહ્યું તે હમણાં ને હમણાં ઊભી થા અને તારો રૂમ સાફ કર.’રાધિકા પણ એકદમ ગુસ્સે થઈ સામે બોલી, ‘મમ્મી, હું નહિ કરું.મને કંટાળો આવે છે જયારે આરામથી ટી.વી.જોઉં છું તો તું શરૂ થઈ જાય છે અને કામ સોંપે છે અને આખો દિવસ મને ખીજાય છે.’ રાધિકાને આમ સામે બોલી તે ઘરમાં કોઈને ગમ્યું નહિ.રાધિકા ગુસ્સામાં બહાર જતી રહી અને મમ્મી ગુસ્સામાં રસોડામાં બડબડ કરતાં કામ કરવા લાગી.રાધિકા થોડી વાર રહીને ઘરે આવી. તેને મનમાં સમજાતું હતું કે પોતે ભૂલ કરી છે.
આવી રીતે મમ્મી સાથે વાત કરાય નહિ.આવીને તેણે મમ્મીને સોરી કહ્યું.મમ્મીએ કંઈ જવાબ આપ્યો નહિ.મોડી સાંજ સુધી મમ્મીએ રાધિકા સાથે કોઈ વાત કરી નહિ. રાધિકા ચુપચાપ હતી. હજી તેણે રૂમ સાફ કર્યો ન હતો.મમ્મીને ફરી સોરી કહેવાની હિંમત કરી પણ મમ્મીએ કંઈ બોલી નહિ.તે પપ્પાની બાજુમાં બેસી ગઈ. પપ્પાએ પૂછ્યું, ‘રાધિ, તારો રૂમ એકદમ અવ્યવસ્થિત છે એટલે મમ્મીએ તને સાફ કરવા કહ્યું તેની સામે તેં જે વર્તન કર્યું, તું જે બોલી એ બરાબર છે.’રાધિકા બોલી, ‘ના પપ્પા,મારી ભૂલ થઈ ગઈ, પણ મેં એક વાર નહિ, બે બે વાર કહ્યું, પણ આ મમ્મી જુઓ ને કંઈ જવાબ જ નથી આપતી.હવે હું શું કરું?’
પપ્પાએ કહ્યું, ‘દીકરા માત્ર સોરી કહેવું સાચી માફી માંગવાની રીત નથી.’ રાધિકાએ પૂછ્યું, ‘તો સાચી રીત કઈ છે પપ્પા?’ પપ્પાએ કહ્યું, ‘સાચી માફીના ત્રણ ભાગ છે. સૌથી પહેલાં સમજો કે આપણી ભૂલ થઈ છે અને સોરી કહો, પોતાની જે ભૂલ થઈ હોય તે ભૂલ કબૂલ કરો અને પછી બીજો ભાગ આપણી જે ભૂલ થઇ હોય તેને સુધારો.પછી ત્રીજો પોતાના મનને પૂછો કે મેં જે કર્યું તે ખોટું થયું છે તો હું તેને કઈ રીતે સુધારી શકું.તે માત્ર ભૂલ સમજી અને સોરી કહ્યું છે.પણ શું તેં વિચાર્યું છે કે તારા શબ્દોથી તેં મમ્મીનું કેટલું અપમાન કર્યું, તેના મનને કેટલું દુઃખ પહોંચ્યું.મમ્મીની વાત સાચી હોવા છતાં તેં ખરાબ વર્તન કર્યું તો શું માત્ર સોરી કહીશ અને તે દુઃખ અને અપમાન ભૂલી જાય અને બીજી વાત, તેં હજી સુધી તારો રૂમ તો સાફ કર્યો જ નથી.’
રાધિકા રડવા લાગી. તે બોલી, ‘પપ્પા, તો સાચી માફી માંગવા હું શું કરું?’ પપ્પા બોલ્યા, ‘સૌથી પહેલાં તારો રૂમ સાફ કર.પછી મમ્મીને મનાવવાના તેને ખુશ કરવા માટે પ્રયત્નો શરૂ કર અને સાચા દિલથી માફી માંગતી રહે.’ રાધિકાએ રૂમ સાફ કર્યો.પછી મમ્મીને તેણે એક પ્રોમિસ કાર્ડ જેમાં પ્રોમિસ આપ્યું હતું કે તે રૂમ હંમેશા સાફ રાખશે.ક્યારેય સામું નહિ બોલે.બધી વાત સાંભળશે.’ મમ્મીએ કાર્ડ લીધું પણ બહુ વાત ન કરી. રાધિકાએ મમ્મીને મનાવવાના પ્રયત્નો ચાલુ જ રાખ્યા. આપણે ભૂલ કરીએ છીએ.સોરી કહીએ છીએ.ભૂલ કબૂલ પણ કરી લઈએ છીએ પણ મુખ્ય વાત કરેલી ભૂલથી જેના મનને દુઃખ પહોંચ્યું હોય,તેને સુધારવાનો અને ભૂલને સુધારવાનો બરાબર પ્રયત્ન કરતા નથી.આ ત્રીજો તબક્કો સૌથી મહત્ત્વનો છે તે ભૂલવો નહીં.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.