ગાંધીનગર: લો પ્રેશર સિસ્ટમના અભાવે ગુજરાત પર ચોમાસુ સિસ્ટમ હાલમાં નબળી પડી છે. જેના પગલે આજે રવિવારે રાજયમાં વરસાદ સ્હેજ નરમ પડયો છે. ગાંધીનગરના દહેગામ તાલુકામાં સાંજે ચાર વાગ્યા સુધીમાં 1 ઈંચ જેટલો વરસાદ થયો છે.
- દ.ગુ. સહિત રાજયમાં 48 કલાક માટે 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાવવા સાથે ભારે વરસાદ થશે
- ચોમાસુ સિસ્ટમ નબળી પડતાં વરસાદ નરમ પડયો, ગાંધીનગરના દહેગામમાં 1 ઈંચ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજયમાં આગામી 48 કલાક દરમ્યાન કલાકના 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાવવા સાથે હળવાથી ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે. ખાસ કરીને બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર,અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ , પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ ,તાપી, નવસારી,વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર , જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવનો સમાવેશ થાય છે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે, આજે તા.11મી ઓગસ્ટના રોજ સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં રાજયમાં 125 તાલુકાઓમાં હળવો વરસાદ થયો છે. જેમાં ગાંધીનગરના દહેગામમાં 1 ઈંચ, ગીર સોમનાથના સૂત્રાપાડમાં 14 મીમી, અરવલ્લીના બાયડમાં 14 મીમી, મહીસાગરના સંતરામપુરમાં 11 મીમી, વડનગરમાં 10 મીમી, મહેસાણામાં 10 મીમી, અમરેલીના જાફરાબાદમાં 10 મીમી, મોરબીના હળવદમાં 10 મીમી અને મહીસાગરના વીરપુરમાં 10 મીમી જેટલો વરસાદ થયો છે. છેલ્લા 24 કલાકની અંદર રાજયમાં સરેરાશ 152 તાલુકાઓમાં હળવો વરસાદ થયો હતો. જયારે સમગ્ર રાજયમાં ચોમાસાની મોસમનો સરેરાશ 70.35 ટકા જેટલો વરસાદ થયો છે જેમાં કચ્છમાં 87.34 ટકા, ઉત્તર ગુજરાતમાં 52.67 ટકા, મધ્ય – પૂર્વ ગુજરાતમાં 53.90 ટકા, સૌરાષ્ટ્રમાં 78.73 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 83.96 ટકા જેટલો વરસાદ થયો છે.