પેરિસ ઓલિમ્પિક 2024નો આજે 15મો દિવસ છે. ભારતે અત્યાર સુધીમાં કુલ છ મેડલ જીત્યા છે. ભારતની કીટીમાં પાંચ બ્રોન્ઝ અને એક સિલ્વર મેડલ આવ્યો છે. આખરે શુક્રવારે કુશ્તીમાં ભારતને મેડલ મળ્યો. અમન સેહરાવતે 57 કિગ્રા વજન વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જોકે શનિવાર, 10 ઓગસ્ટના રોજ ભારતની કુસ્તીમાં છેલ્લું એક મેડલ મળવાનુ આશા પર પાણી ફરી વળ્યું હતું. ભારતની રીતિકા હુડ્ડા મહિલાઓની ફ્રી સ્ટાઇલ 76 કિગ્રા વર્ગની ક્વાર્ટર ફાઇનલમાં હારી ગઈ હતી.
ભારતના ઉભરતા કુસ્તીબાજ અમન સેહરાવતે પેરિસ ઓલિમ્પિક 2024માં કુશ્તી સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. અમને પેરિસ ગેમ્સના 14માં દિવસે બ્રોન્ઝ મેડલ મેચમાં પ્યુર્ટો રિકોના કુસ્તીબાજ ડેરિયન ક્રુઝને 13-5થી હરાવ્યો હતો. સૌથી ખાસ વાત એ છે કે મેચ પહેલા અમને ફક્ત 10 કલાકમાં પોતાનું 4.5 કિલો વજન ઘટાડ્યું હતું. આ ઓલિમ્પિકમાં ભારતનો આ કુલ છઠ્ઠો મેડલ છે. આ રીતે ભારતે છેલ્લી 4 ઓલિમ્પિકમાં કુસ્તીમાં મેડલ જીતવાની પરંપરા જાળવી રાખી હતી. ભારતીય કુસ્તીબાજો 2008 થી 2024 સુધી સતત ઓલિમ્પિકમાં મેડલ જીતતા આવ્યા છે.
આ પહેલા અમન સેહરાવતે સેમિફાઈનલમાં ટોપ સીડ જાપાનના રેઈ હિગુચી સામે હારી ગયો હતો. આ હાર સાથે તેનું ગોલ્ડ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું. હરિયાણાના અમને ટેકનિકલ શ્રેષ્ઠતાના આધારે તેના પ્રારંભિક બંને મુકાબલા જીત્યા હતા. તેણે પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પૂર્વ યુરોપિયન ચેમ્પિયન ઉત્તર મેસેડોનિયાના વ્લાદિમીર એગોરોવને 10-0થી હરાવ્યો હતો. આ પછી તેણે ક્વાર્ટર ફાઇનલમાં અલ્બેનિયાના ઝેલિમખાન અબાકારોવને 12-0થી હરાવ્યો હતો.
ભારતીય મહિલા રેસલર રિતિકા હુડ્ડા ક્વાર્ટર ફાઈનલ મેચ હારી ગઈ છે. આ રીતે 21 વર્ષની રિતિકા હુડ્ડાનું મહિલા ફ્રીસ્ટાઈલ 76 કિગ્રાની સેમીફાઈનલમાં પહોંચવાનું સપનું ચકનાચૂર થઈ ગયું. ભારતીય કુસ્તીબાજને ક્વાર્ટર ફાઈનલમાં કિર્ગિસ્તાનના કુસ્તીબાજ આઈપેરી મેડેત કૈઝ્યાએ પરાજય આપ્યો હતો. રિતિકાને હરાવનાર કુસ્તીબાજ વિશ્વની નંબર-1 રેસલર છે. છેલ્લા પોઈન્ટ ગુમાવવાના આધારે હુડ્ડા કિર્ગિસ્તાની કુસ્તીબાજ સામે 1-1થી ડ્રોમાં હારી ગઈ હતી. બંને કુસ્તીબાજોએ રક્ષણાત્મક રમત બતાવી જેના કારણે બંનેને એક-એક પોઈન્ટ મળ્યો. પરંતુ કિર્ગિસ્તાનની કુસ્તીબાજને છેલ્લો પોઈન્ટ મળ્યો એટલે રિતિકા હુડ્ડાને આ આધાર પર હારનો સામનો કરવો પડ્યો હતો.
ભારતે ઓલિમ્પિક 2024માં અલગ-અલગ શૂટિંગ ઈવેન્ટ્સમાં 3 બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહ્યું હતું, ત્યારે 8 ઓગસ્ટના રોજ ભારતીય હોકી ટીમે પણ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો અને ત્યારબાદ નીરજ ચોપરાએ ભાલા ફેંકની ફાઇનલમાં સિલ્વર મેડલ જીત્યો હતો, આ રીતે ભારતના મેડલની સંખ્યા વધીને 5 સુધી પહોંચી ગઈ હતી. 9 ઓગસ્ટના રોજ ભારતને માત્ર એક જ મેડલ મળ્યો હતો, જે કુસ્તીમાં 57 કિગ્રા ફ્રી-સ્ટાઈલ ઈવેન્ટમાં અમન સેહરાવતે જીત્યો હતો. આ મેડલ આવ્યા બાદ જ્યારે પેરિસ ઓલિમ્પિકનો 14મો દિવસ પૂરો થયો ત્યારે ભારત 6 મેડલ સાથે મેડલ ટેલીમાં 69માં સ્થાને હતું.