લખનૌના હઝરતગંજ પોલીસ સ્ટેશનમાં તાજેતરમાં પ્રકાશિત એમેઝોન પ્રાઈમ (Amazon Prime) વેબ સિરીઝ તાંડવના (Tandav) નિર્માતાઓ વિરુદ્ધ ધાર્મિક તણાવની શક્યતા ઊભી કરવા, હિન્દુ દેવોને ખરાબ રજૂ કરવા અને જાતિવાદી દ્રશ્યો અને સંવાદોનો ઉપયોગ કરવા બદલ એક FIR દાખલ કરવામાં આવી છે. નિર્માતાઓ પર ભારતીય વડા પ્રધાનનું અભદ્ર રૂપે ચિત્રણ કરવાનો પણ આરોપ છે. આ મામલે UP પોલીસ મુંબઇ જવા રવાના થઇ ચૂકી છે. ત્યાં જઇને તે લોકો દિગ્દર્શક સહિત દરેકની પૂછપરછ કરશે.
સિરીઝના દિગ્દર્શક અલી અબ્બાસ ઝફર, લેખક ગૌરવ સોલંકી, એમેઝોન પ્રાઈમના ભારતના વડા અપર્ણા પુરોહિત અને તાંડવના નિર્માતા હિમાંશુ કૃષ્ણ મેહરા સામે FIR દાખલ કરવામાં આવી છે. FIR કલમ 153 A, 295, 505 (1) (B), 469 and 505 (2) આ સિવાય IT એક્ટની પણ ઘણા કલમો હેઠળ FIR નોંધવામાં આવી છે. અગાઉ, ભાજપના ધારાસભ્ય નંદ કિશોર ગુર્જરે માહિતી પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરને (Information Broadcasting Minister Prakash Javadekar) પત્ર લખીને વેબ સિરીઝ અને એમેઝોન પ્રાઇમ વીડિયો પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી. તેમણે અલી અબ્બાસ ઝફર, સૈફ અલી ખાન અને મોહમ્મદ ઝીશાન ઐયુબ પર રાષ્ટ્રીય સુરક્ષા કાયદો લાદવાની માંગ પણ કરી હતી.
એમેઝોન પ્રાઇમ પર હજી 15 જાન્યુઆરીએ રિલીઝ થયેલી તાંડવમાં સૈફ અલી ખાન, ડિમ્પલ કાપડિયા, મોહમ્મદ ઝીશાન ઐયુબ, સુનિલ ગ્રોવર, તિગ્માંશુ ધુલિયા, કુમુદ મિશ્રા સહિતના મોટા કલાકારો છે. આ શોમાં સમર પ્રતાપ (સૈફ અલી ખાન) ની અને તેના પિતા દેવકી નંદન (તિગ્માંશુ ધુલિયા) ની વાત છે. દેવકી નંદન વડાપ્રધાન છે, અને હજી ખુરશી છોડવા તૈયાર નથી, તો કઇ રીતે સમર પ્રતાપ પોતાના પિતાને હટાવી વડાપ્રધાનપદ લેવા માંગે છે.
જણાવી દઇએ કે આ સિવાય મિર્ઝાપુર પર પણ ઉત્તર પ્રદેશમાં FIR ફાઇલ કરવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી દેશમાં કોઇપણ મનોરંજનના માધ્યમ પર ભારે વિરોધ તેને બેન કરવાની માંગ મેકર્સ વિરુદ્ધ હુમલા આવો ટ્રેન્ડ શરૂ થયો છે. સુશાંત સિંહ રાજપૂતના મોત પછી બોલીવુડ કિડ્ઝ સામેના રોષમાં સડક-2, ગુંજન સક્ષસેના, ખાલી-પીલીએ ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. ફિલ્મોમાં મનોરંજનની દ્રષ્ટિએ કંઇ ખૂટ્યુ હોય એ અલગ વાત છે. પણ ટૂંકમાં જે પ્રકારે આ વિરોધ થઇ રહ્યા છે એ સમાજ માટે સારી બાબત નથી. કારણ મનોરંજનનું માધ્યમ બંધનમુક્ત હોવું એ જ એક સ્વસ્થ લોકશાહીની વ્યાખ્યા છે.