Columns

બાંગ્લા દેશમાં હિંદુઓ પરના જુલમો ચાલુ રહ્યા તો લાખો નિરાશ્રિતોનો પ્રવાહ ભારતમાં આવશે

ભારતના ભાગલા થયા તે વખતે બંગાળના હિંદુઓ ભારે હિંસાનો ભોગ બન્યાં હતાં. ઇ.સ. ૧૯૭૨માં બાંગ્લા દેશનું સર્જન થયું તે પછી પણ ત્યાં જ્યારે જ્યારે રાજકીય કટોકટી આવે છે, ત્યારે તેનો પહેલો ભોગ હિંદુઓ બને છે. તાજેતરમાં પણ શેખ હસીનાના રાજીનામા અને દેશ છોડ્યા બાદ બાંગ્લા દેશમાં હિંદુઓને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. હિંદુઓ પર હુમલો કરવા ઉપરાંત, તોફાની ટોળાં તેમનાં ઘરો અને દુકાનોને પણ લૂંટી રહ્યાં છે. હિંદુઓનાં મંદિરો અને ધાર્મિક સ્થળો પણ ભીડના નિશાન પર છે. તોફાની ટોળાંએ ઢાકામાં બંગાળી ગાયક રાહુલ આનંદના ઘર પર હુમલો કર્યો, તેને આગ લગાવી અને તેનો સામાન લૂંટી લીધો હતો. સોમવારથી શરૂ થયેલી હિંસાનાં નવાં મોજાંમાં ઓછામાં ઓછાં ૧૦૦ સ્થળોએ હિંદુઓને નિશાન બનાવવામાં આવ્યાં છે.

બાંગ્લા દેશમાં ચાલી રહેલી હિંસા વચ્ચે સોશ્યલ મિડિયા પર એક પત્ર સામે આવ્યો છે. અંગ્રેજીમાં લખેલા આ પત્ર વિશે દાવો કરવામાં આવ્યો છે કે તે બાંગ્લા દેશમાં બારમા ધોરણમાં ભણતા એક હિંદુ વિદ્યાર્થીએ લખ્યો છે. આ પત્રમાં લખવામાં આવ્યું છે કે દેશમાં થઈ રહેલી હિંસાની તસવીરો સોશ્યલ મિડિયા પર ઉપલબ્ધ છે, પરંતુ જમીન પર સ્થિતિ વધુ ખરાબ છે. દેશમાં હિંદુઓને નિશાન બનાવીને હુમલા કરવામાં આવી રહ્યા છે, જેનું શબ્દોમાં વર્ણન કરવું મુશ્કેલ છે. મહિલાઓ અને છોકરીઓ છેડતી અને બળાત્કારનો શિકાર બની રહી છે.

હિંદુઓની દુકાનો લૂંટવામાં આવી રહી છે. હિંદુઓ પાસેથી લાખો રૂપિયાની વસૂલી પણ થઈ રહી છે. બદમાશો હિંદુઓ પાસેથી તેમના જીવન અને ઘરની સુરક્ષા માટે લાખો રૂપિયાની ખંડણી વસૂલ કરી રહ્યાં છે. જો હિંદુઓ દેશ છોડશે નહીં તો તેનાં ગંભીર પરિણામો ભોગવવાની ધમકી આપવામાં આવી રહી છે. બાંગ્લા દેશની રાજધાની ઢાકા ઉપરાંત દિનાજપુર, બોગુરા, સિરાજગંજ, પશ્ચિમ જશોર, ખુલના, નરસિંગદી, ચિત્તાગોંગ સહિત અનેક શહેરોમાં તોફાની ટોળાંએ આતંક મચાવ્યો છે. બાંગ્લા દેશમાં હિંદુઓને અવામી લીગના સમર્થક માનવામાં આવે છે. તેના કારણે હિંદુઓની સંપત્તિ અને મંદિરો પર હુમલાના સમાચારો સતત આવી રહ્યા છે.

આ દરમિયાન લોકોના મનમાં એક સવાલ ઊઠી રહ્યો છે કે બાંગ્લા દેશમાં હિંદુઓની વસતી કેટલી છે? બાંગ્લા દેશના કયા વિસ્તારોમાં હિંદુઓની વસ્તી વધુ છે? હાલમાં બાંગ્લા દેશમાં હિંદુઓની કુલ વસ્તી ૭.૯૭ ટકા કે ૧.૩૧ કરોડ જેટલી છે. જો આપણે તેને વિભાજનની દૃષ્ટિએ જોઈએ તો બાંગ્લા દેશના ત્રણ વિભાગો છે, જ્યાં હિંદુઓની વસ્તી ૧૦ ટકાથી વધુ છે. બીજી તરફ, જિલ્લાઓની દૃષ્ટિએ જોવામાં આવે તો, બાંગ્લા દેશના ચાર જિલ્લાઓ એવા છે, જ્યાં વસ્તી ૨૦ ટકાથી વધુ છે. ઢાકા વિભાગના ગોપાલગંજ જિલ્લામાં હિંદુઓની વસ્તી ૨૬ ટકા છે, જ્યારે ખુલના જિલ્લામાં ૨૦ ટકાથી વધુ હિંદુઓ રહે છે. રંગપુર વિભાગના ઠાકુરગાંવ જિલ્લામાં ૨૨ ટકા હિંદુઓ રહે છે તો સિયાલહાટના મૌલવી બજાર જિલ્લામાં હિંદુઓની વસ્તી ૨૪ ટકા જેટલી છે.

બાંગ્લા દેશના મુસ્લિમો કેટલા ધર્મનિરપેક્ષ છે? કે પછી તેમને હિંદુઓનું ધર્માંતરણ કરાવવામાં સક્રિય રસ છે? ૨૦૨૨ની વસ્તીગણતરી મુજબ બાંગ્લા દેશની વસ્તી ૧૬.૫૨ કરોડ છે અને એમાં હિંદુ વસ્તી ૧.૩૧ કરોડ એટલે કે ૭.૯૫ ટકા છે. ૧૯૭૪માં ત્યાં કુલ વસતી ૭.૧૫ કરોડ હતી અને તેમાં હિંદુઓની વસ્તી ૯૭ લાખ એટલે કે ૧૩.૫ ટકા  હતી. જો બાંગ્લા દેશની કુલ વસતી ૩૮ વર્ષમાં લગભગ સવા બે ગણી થઈ ગઈ તો હિંદુઓની વસ્તી એટલી કેમ ના વધી? ટકાવારી પ્રમાણ ઘટ્યું કેમ?  શું લાખો હિંદુઓ બાંગ્લા દેશની  બહાર જતાં રહ્યાં એટલે તેમની વસતીનું ટકાવારી પ્રમાણ ઘટી ગયું? શું ત્યાંનાં હિંદુઓએ પોતે જ પોતાની વસતી નિયંત્રિત કરી?

શું મુસ્લિમોએ હિંદુઓનું ધર્માંતરણ કરાવવાના ભાતભાતના રસ્તા અપનાવ્યા કે પછી એવી પરિસ્થિતિ ઊભી કરવામાં આવી કે જાનમાલ અને ઈજ્જત બચાવવા માટે હિંદુઓએ પોતે જ ઇસ્લામ ધર્મ અપનાવ્યો? સ્પષ્ટ છે કે હિંદુઓની વસ્તી આજે બાંગ્લા દેશમાં આશરે ૨.૧૪ કરોડ  હોવી જોઈએ , પણ નથી. ઇસ્લામમાં ધર્માંતરણ માન્ય છે. ઇસ્લામ વિસ્તારવાદી ધર્મ છે એટલે અખબારી અહેવાલો પ્રમાણે જો બાંગ્લા દેશી હિંદુઓ હવે નવી સરકારથી ડરીને ભારતમાં આવવાની કોશિશ કરે તો રહ્યાંસહ્યાં હિંદુઓ પણ મુસ્લિમોથી વધુ ડરે છે એમ જ સાબિત થાય.બાંગ્લા દેશમાં માનવાધિકાર જૂથ એન ઓ સેલિશ સેન્ટરના ડેટા અનુસાર જાન્યુઆરી ૨૦૧૩ થી સપ્ટેમ્બર ૨૦૨૧ વચ્ચે હિંદુ સમુદાય પર ૩,૬૭૯ હુમલા થયા છે.

આમાં તોડફોડ, આગચંપી અને લક્ષિત હિંસાનો સમાવેશ થાય છે. ૨૦૨૧માં દુર્ગા પૂજા દરમિયાન હિંદુ લઘુમતીઓનાં ઘરો અને મંદિરો પર હુમલા થયા હતા. બાંગ્લા દેશમાં છેલ્લાં ઘણાં વર્ષોમાં હિંદુઓ પર સતત હુમલા, સાંપ્રદાયિક હિંસા અને લઘુમતીનાં ઘરો અને પૂજાસ્થાનોનો વિનાશ બતાવે છે કે આ દેશ લઘુમતીઓના રક્ષણની પોતાની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ રહ્યો છે.

વિશ્વ હિંદુ પરિષદે બાંગ્લા દેશમાં હિંદુઓની હાલત પર ચિંતા વ્યક્ત કરી છે. VHPના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ અને વરિષ્ઠ વકીલ આલોકકુમારે કહ્યું કે ત્યાં હિંદુઓને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. તેમણે કહ્યું કે એક દિવસ પહેલાં ગુસ્સે ભરાયેલાં ટોળાએ પંચગઢ જિલ્લામાં ૨૨ ઘરો, ઝેનાઈદહમાં ૨૦ ઘરો અને જેસોરમાં ૨૨ દુકાનોને નિશાન બનાવી હતી. તેમણે આ લોકોની સુરક્ષા માટે ભારત સરકારને અપીલ કરી હતી. કેન્દ્ર સરકારે બાંગ્લા દેશમાં હિંદુઓનાં ઘરો, મંદિરો અને દુકાનોને નિશાન બનાવવા અંગે ચિંતા વ્યક્ત કરી છે. સરકારનું કહેવું છે કે તે ત્યાંની વર્તમાન સ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે. બાંગ્લા દેશ સરહદ પર તૈનાત સુરક્ષા દળોને એલર્ટ રહેવાના આદેશ આપવામાં આવ્યા છે.

ભારત સરકારને ચિંતા છે કે બાંગ્લા દેશનાં હિંદુઓ અત્યાચારથી ત્રાસીને ભારતમાં શરણું લેવા આવી શકે છે. સરકારનું કહેવું છે કે ભારત દરેક પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે પાડોશી દેશની સ્થિતિ ચિંતાજનક છે. ભારત સરકાર ત્યાંના વર્તમાન વહીવટીતંત્રના સંપર્કમાં છે. બાંગ્લા દેશમાં હિંદુ મંદિરોમાં તોડફોડ કરવામાં આવી રહી છે. ખુલના ડિવિઝનના મેહેરપુરમાં આવેલા ઈસ્કોન મંદિરમાં તોડફોડના અહેવાલ છે. આ ઉપરાંત એક કાલી મંદિરમાં પણ તોડફોડ કર્યા બાદ આગ લગાવી દેવામાં આવી હતી.

ચાર હિંદુ મંદિરોને નિશાન બનાવવામાં આવ્યાં છે. ઈસ્કોનના પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે મેહેરપુરમાં અમારા ઈસ્કોન સેન્ટરમાંથી એકને બાળવામાં આવ્યું હતું, જેમાં ભગવાન જગન્નાથ, બલદેવ અને સુભદ્રા દેવીની મૂર્તિઓ સામેલ છે. ત્યાં રહેતા ત્રણ શ્રદ્ધાળુઓ કોઈક રીતે ભાગીને પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યા હતા. ટોળાંએ ઢાકામાં હિંદુ સંગીતકાર રાહુલ આનંદના ઘરમાં લૂંટ ચલાવી તેને આગ પણ લગાવી દીધી હતી. ટોળાંએ સોમવારે બપોરે ઢાકાના ધનમોંડી ૩૨ ખાતેના તેમના નિવાસસ્થાન પર હુમલો કર્યો હતો. રાહુલ આનંદ તેમની પત્ની અને તેમનો પુત્ર સુરક્ષિત રીતે ભાગી છૂટવામાં સફળ રહ્યા, પરંતુ હુમલાખોરોએ તેનું ઘર લૂંટી લીધું હતું. ટોળાંએ તેમના ઘરમાંથી મોંઘી વસ્તુઓની ચોરી કરી હતી, જેમાં રાહુલના હાથથી બનાવેલા ૩,૦૦૦ થી વધુ સંગીતનાં સાધનોનો મોટો સંગ્રહ હતો.

હિંદુ અમેરિકન ફાઉન્ડેશનના એક રિપોર્ટ અનુસાર ૧૯૬૪ અને ૨૦૨૩ વચ્ચે ધાર્મિક અત્યાચારને કારણે ૧.૧૦ કરોડથી વધુ હિંદુઓ બાંગ્લા દેશમાંથી ભાગી ગયાં હતાં. તેમાં કહેવામાં આવ્યું છે કે બાંગ્લા દેશમાં દર વર્ષે ૨.૩૦ લાખ હિંદુઓ દેશ છોડીને જાય છે. ૨૦૧૧ની વસતી ગણતરીમાં જાણવા મળ્યું કે દસ વર્ષમાં દેશની વસતીમાંથી ૨૩ લાખ હિંદુઓ ગાયબ થઈ ગયાં હતાં. જો બાંગ્લા દેશમાં હિંદુઓ પરના જુલમો ચાલુ રહેશે તો તેની હાલત પણ કાશ્મીર જેવી થશે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top