નવી દિલ્હી: દિલ્હીના કથિત દારૂ કૌભાંડ કેસમાં (Liquor scam case) પાછલા 18 મહિનાઓથી જેલમાં બંધ દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને (Manish Sisodia) આખરે સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. અસલમાં સુપ્રીમ કોર્ટે મનિષ સિસોદિયાને ઇડી (ED) અને સીબીઆઇ (CBI) બંનેના દારૂ કૌંભાડ સંબધિત કેસમાં જામીન આપી દીધા છે. જેથી હવે ટૂંક સમયમાં જ સિસોદિયા જેલમાંથી મુક્ત થશે તેવી સંભાવના છે.
અસલમાં સુપ્રીમ કોર્ટે શરતો લાદીને સિસોદિયાને પોતાનો પાસપોર્ટ સરેન્ડર કરવા અને સાક્ષીઓને પ્રભાવિત ન કરવા નિર્દેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે સુનાવણીમાં કહ્યું હતું કે ટ્રાયલ પૂર્ણ કરવા અંગે ASGનું નિવેદન વિરોધાભાસી છે. સિસોદિયા 18 મહિનાથી જેલમાં છે. પરંતુ તેમના ટ્રાયલ શરૂ થયા નથી. જેથી સિસોદિયાના ઝડપી સુનાવણીના અધિકારનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. માટે સિસોદિયાને10 લાખ રૂપિયાના જામીન બોન્ડ અને બે શ્યોરિટી સાથે જામીન આપવામાં આવ્યા છે, હવે કોર્ટને આદેશનું પાલન કર્યા બાદ સિસોદિયાને જેલમાંથી મુક્ત કરવામાં આવશે.
સુપ્રીમ કોર્ટે જામીન આપતા સમયે આ વાત કહી
મનીષ સિસોદિયાની જામીન અરજી પર ચુકાદો આપતાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જામીન એ નિયમ છે અને જેલ અપવાદ છે. આ નિયમોને નીચલી અદાલત અને હાઈકોર્ટે ધ્યાનમાં રાખવા જોઈએ. હાઈકોર્ટ અને નીચલી અદાલતે આ તથ્યોની અવગણના કરી છે. જ્યાં સુધી મનીષ સિસોદિયા પર ટ્રાયલમાં વિલંબ કરવાનો આરોપ છે, તેમના પર અલગ-અલગ અરજી દાખલ કરવાનો આરોપ છે. તેમણે CBI કેસમાં 13 અને EDમાં 14 અરજીઓ દાખલ કરી હતી. તમામ અરજીઓ ટ્રાયલ કોર્ટે મંજૂર કરી હતી. પરંતુ મનીષ સિસોદિયાના કારણે ટ્રાયલમાં વિલંબ થયો હોવાનું માનવાનો કોર્ટે ઇનકાર કર્યો હતો.
જો તપાસ પૂર્ણ થઈ ગઈ છે તો હજુ સુધી ટ્રાયલ કેમ શરૂ નથી થઈ?
સુપ્રીમ કોર્ટે કહ્યું કે નીચલી કોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે મનીષની અરજીઓને કારણે ટ્રાયલ શરૂ કરવામાં વિલંબ યોગ્ય નથી. અમે એ વાત સાથે સહમત નથી કે અરજીઓને કારણે ટ્રાયલમાં વિલંબ થયો હતો. આ કેસમાં ED દ્વારા 8 ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આવી સ્થિતિમાં જ્યારે જુલાઈમાં તપાસ પૂર્ણ થઈ ગઈ છે, ત્યારે ટ્રાયલ કેમ શરૂ નથી થઈ? ટ્રાયલ કોર્ટે ઝડપી સુનાવણીના અધિકારની અવગણના કરી અને યોગ્યતાના આધારે જામીન આપ્યા ન હતા.
સિસોદિયા 18 મહિનાથી જેલમાં છે
જસ્ટિસ બીઆર ગવઈ અને કેવી વિશ્વનાથનની બેન્ચે સિસોદિયાને જામીન આપવાનો ચુકાદો આપ્યો હતો. અગાઉ સુપ્રીમ કોર્ટે 6 ઓગસ્ટે સિસોદિયાની જામીન અરજી પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. ત્યારેજણઅવી દઇયે કે સિસોદિયા દારૂ કૌભાંડ કેસમાં 26 ફેબ્રુઆરી 2023થી કસ્ટડીમાં છે. ત્યાર બાદ 21 મેના રોજ દિલ્હી હાઈકોર્ટે સિસોદિયાને જામીન આપવાનો ઈન્કાર કરી દીધો હતો. હાઈકોર્ટે કહ્યું હતું કે સિસોદિયાએ પોતાના પદનો દુરુપયોગ કર્યો છે. બહાર આવવાથી પુરાવા અને સાક્ષીઓ પ્રભાવિત થઈ શકે છે.