Editorial

ચીન અરૂણાચલ પ્રદેશના લોકોમાં ભય ફેલાવવા માગે છે કે તેમનું બ્રેઇન વૉશિંગ કરવા માગે છે?

ભારત સાથેની સરહદે ચીન જાત જાતના ઉધામાઓ અને ગતકડાઓ કરતું જ રહે છે. લદાખમાં તો લાંબા સમયથી ભારત અને ચીનના લશ્કરી દળો વચ્ચે તંગદીલી ચાલી જ રહી છે ત્યારે ચીન અરૂણાચલ સરહદે પણ જાત જાતના ગતકડાઓ કરે છે. તેણે ભારત સાથેની સરહદ નજીક પોતાના કબજા હેઠળના તિબેટમાં માળખાગત બાંધકામો કર્યા છે તો આ પ્રકારના બાંધકામો તેણે અરૂણાચલ પ્રદેશ નજીક પણ કર્યા છે, ત્યાં તેણે કેટલાક ગામો પણ વસાવ્યા હોવાનું જાણવા મળે છે. તેણે અરૂણાચલ પ્રદેશના પહાડો, નદીઓ વગેરેને ચીની નામો પણ આપ્યા છે. એ વાત જાણીતી છે કે ચીનનો ડોળો અરૂણાચલ પ્રદેશ પર છે. તે અરૂણાચલ પ્રદેશ પોતાનો પ્રદેશ હોવાનો દાવો કરે છે.

ભારત જો કે મક્કમપણે આ દાવો નકારે છે. આ પ્રદેશ પર પોતાના દાવાને સાચો કરવા ચીન જાત જાતના ઉધામા કરે છે. હાલમાં અરૂણાચલ પ્રદેશના બે શખ્સો લાંબા સમયથી લાપતા હોવાની વાત બહાર આવી છે અને આ બંનેને ચીની લશ્કર ઉઠાવી ગયું હોવાની વાત ચાલે છે. અરૂણાચલ પ્રદેશના આ બે માણસો લગભગ બે વર્ષથી લાપતા છે. ભારત-ચીન સરહદના એક દુર્ગમ વિસ્તારમાંથી તેઓ ગાયબ થયા બાદ હજી સુધી તેમની ભાળ મળી નથી અને તેઓ ચીનના લશ્કર પીપલ્સ લિબરેશન આર્મી(પીએલએ)ના કબજામાં હોવાનું માનવામાં આવે છે પણ ચીની લશ્કરે હજી સુધી તેમની હાજરીને સમર્થન આપ્યું નથી. દેખીતી રીતે આ બંનેના સ્વજનોમાં આના કારણે ચિંતાનો માહોલ છે.

અરૂણાચલ પ્રદેશના જે બે માણસો લાપતા બન્યા છે તેઓ બંને એકંદરે યુવાન વયના છે. તેમના લાપતા થવા અંગેની વિગતો એવી છે કે બાટેલુક ટિકરો નામનો ૩૫ વર્ષીય નાગરિક અને તેનો ૩૭ વર્ષનો પિતરાઇ ભાઇ બૈનસી માન્યુ રાજ્યના એન્જો જિલ્લાના ચાંગલાગમ વિસ્તારના એક ઉંચાઇ વાળા વિસ્તારમાં ઔષધિય જડીબુટ્ટીઓ શોધવા માટે ગયા હતા ત્યારે ૧૯મી ઓગસ્ટ, ૨૦૨૨ના રોજ તેઓ લાપતા બન્યા હતા. સઘન શોધખોળ કરવા છતાં તેઓ ક્યાં છે તેની કોઇ માહિતી મળી ન હતી. તેમના સ્વજનોને કોઇએ એવી માહિતી આપી છે કે આ બંનેને ચીનના લશ્કર પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)વાળા ઉઠાવી ગયા છે. આના પછી દેખીતી રીતે તેમના  કુટુંબીજનો અને સ્થાનિક સત્તાવાળાઓએ સરહદી વિસ્તારના લોકોની સુરક્ષા અને સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી છે. મને જાણવા મળ્યું છે કે ચીની લશ્કર દ્વારા તેમની અટકાયત કરવામાં આવી છે એમ ટિકરોના ભાઇ દિશાંસો ચિકરોએ જણાવ્યું હતું.

ચીકરોએ જણાવ્યું હતું કે તેણે સ્થાનિક લશ્કરી સત્તાવાળાઓનો ઘણી વખત સંપર્ક તેના ભાઇઓની માહિતી મેળવવા કર્યો છે પણ તેને જણાવવામાં આવ્યું કે આ મુદ્દો ચીની લશ્કર સમક્ષ ઉપાડવામાં આવ્યો છે પણ અત્યાર સુધી કોઇ જવાબ મળ્યો નથી. આ પ્રથમ વખત એવું બન્યું છે કે બે લાપતા વ્યક્તિઓની ભાળ અહીં બે વર્ષ સુધી મળી ન હોય. આ પહેલા સપ્ટેમ્બર ૨૦૨૦માં ચીનના લશ્કરે અરૂણાચલ પ્રદેશના અપર સુબનસિરી જિલ્લામાંથી પાંચ યુવાનોનું કથિત અપહરણ કર્યું હતું. જો કે આ યુવાનોને એક સપ્તાહ બાદ છોડી મૂકવામાં આવ્યા હતા. જાન્યુઆરી ૨૦૨૨માં એક તરૂણ વયના છોકરાને ચીની દળો લઇ ગયા હતા પણ નવ દિવસ પછી તેને ભારતને સોંપી દેવામાં આવ્યો હતો. હવે ચીને વ્યુહરચના બદલી હોય તેવું બની શકે છે.

સરહદી વિસ્તારમાંથી આ રીતે લોકોને ઉઠાવી જઇને અરૂણાચલ પ્રદેશના લોકોમાં ભય ફેલાવવાની ચીનની દાનત હોઇ શકે છે. વળી, તે આ રીતે એકલ દોકલ યુવાનોનું અપહરણ કરીને, તેમને લાંબા સમય સુધી નહીં છોડીને, અરૂણાચલ પ્રદેશના લોકોમાં એવી માનસિકતા ઉભી કરવાનો પ્રયાસ પણ કરતું હોય કે તમારું લશ્કર અમારી સામે કશુ કરી શકતું નથી. અમારી તરફ આવી જવામાં જ લાભ છે એવી માનસિકતા ઉભી કરવની પણ તેની દાનત હોઇ શકે છે તો વળી આ રીતે યુવાનોનું અપહરણ કરી જઇને, તેમને પોતાના પ્રદેશમાં લઇ જઇને તેમનું બ્રેઇન વૉશિંગ કરવાની પણ તેની વ્યુહરચના હોઇ શકે છે, જે યુવાનો ચીનના કબજામાંથી પરત ફરીને અહીં આવીને પણ ચીન તરફી માહોલ ઉભો કરી શકે. કૂટનીતિક લડાઇઓમાં આવા અનેક દાવપેચ રમાતા હોય છે અને આ તો મહાશઠ અને ખંધુ ચીન છે. ભારતે તેની દરેક ચાલબાજી પ્રત્યે સાવધ રહેવાની અને તેનો મક્કમ જવાબ આપવાની જરૂર છે. અરુણાચલના ખાસ કરીને સરહદી વિસ્તારોમાં ભારતે પણ ચીન સામે પ્રચારબાજીનું અભિયાન શરૂ કરવાની જરૂર છે.

Most Popular

To Top