Comments

પ્રવાસીઓ! પાછા જાવ

નવાઈ પમાડે એવી વાત તો છે! જે શહેરના અર્થતંત્રનો ચૌદ ટકા જેટલો નોંધપાત્ર હિસ્સો પ્રવાસન પર અવલંબિત હોય અને નવ ટકા રોજગાર પણ આ ક્ષેત્રે હોય એ શહેરનાં રહીશો એકઠાં થઈને પ્રવાસીઓ સામે દેખાવ કરે એ જાણીને નવાઈ લાગ્યા વિના રહે નહીં. પણ આમ બન્યું છે. એક સવા મહિના અગાઉ આ કટારમાં સ્પેનના મયોકા ટાપુનાં રહીશોએ પ્રવાસીઓ સામે કરેલા વિરોધ પ્રદર્શન વિશે જણાવવામાં આવ્યું હતું. સવા નવેક લાખની વસતિ ધરાવતો આ ટાપુ સહેલાણીઓમાં અતિ પ્રિય બની રહ્યો છે. વરસે દહાડે અહીં દસથી બાર લાખ સહેલાણીઓની અવરજવર રહે છે.

આમ છતાં, સહેલાણીઓના ધસારાથી, તેને લઈને શહેરને થતા નુકસાનથી ત્રાસીને મયોકાવાસીઓએ નક્કી કર્યું કે આ વર્ષે તેઓ પ્રવાસીઓ સામે દેખાવ કરીને તેમનો વિરોધ કરશે. સ્પેનના બાર્સેલોના શહેરમાં આ જ ઘટનાનું પુનરાવર્તન થયું. છઠ્ઠી જુલાઈ, 2024ને શનિવારે બાર્સેલોનાનાં અનેક રહીશો એકઠાં થઈને શહેરનાં જાણીતાં પ્રવાસન સ્થળોએ ફર્યાં. ‘બાર્સેલોના વેચાણ માટે નથી’ જેવાં સૂત્ર લખેલાં પાટિયાં પકડીને તેમણે ‘પ્રવાસીઓ પાછા જાવ’નો સૂત્રોચ્ચાર કર્યો. આટલું ઓછું હોય એમ તેમણે પ્રવાસીઓ પર પીચકારીઓ વડે પાણીનો છંટકાવ કર્યો. અપરાધસ્થળે લગાવાય છે એવી લાલ રંગની પટ્ટીઓ તેમણે હોટેલો ફરતે વીંટાળી. અલબત્ત, આ આખો કાર્યક્રમ ધાર્યા મુજબ સફળ ન રહ્યો, પણ પ્રસાર માધ્યમોમાં આ ઘટના ચમકી ખરી.

કોવિડની મહામારીથી પહેલાં બાર્સેલોનાનાં રહીશો ફરિયાદ કરતા રહ્યા છે કે તેમનું સુંદર શહેર ગીચતા, આકાશી મકાનભાડાં અને જીવનધોરણના અતિશય ઊંચા દરને લઈને રહેવા માટે અસહ્ય બનતું ચાલ્યું છે. સોળેક લાખની વસતિમાંથી દોઢેક લાખ લોકોને રોજગાર પૂરો પાડતા આ ક્ષેત્ર સામે વિરોધનો આવો પ્રચંડ જુવાળ ફાટી નીકળે એ બતાવે છે કે સ્થાનિક રહીશો કઈ હદે ત્રસ્ત થયાં હશે. આ ઘટનાને કારણે એવા સવાલ પણ પૂછાતા થયા છે કે આ પરિસ્થિતિ માટે શું પ્રવાસીઓ એકલા જ જવાબદાર છે? સ્થાનિક સત્તાવાળાઓ યોગ્ય પગલાં લેવામાં નિષ્ફળ નીવડ્યા છે એટલે ખરો આક્રોશ તેમની સામે હોવો જોઈએ.

બાર્સેલોનાના મેયર જૉમ કોલ્બોનીએ પ્રવાસીઓના ધસારાને ખાળવા માટે અનેક પગલાંની ઘોષણા કરી છે, જેમાં પ્રવાસીઓ પરના રાત્રિવેરામાં વધારો તેમજ ક્રૂઝ જહાજમાં મુસાફરોની સંખ્યાને મર્યાદિત કરવાનો પણ સમાવેશ થાય છે. તેમણે વધુમાં જાહેર કર્યું કે 2028 સુધીમાં તેઓ દસ હજારથી વધુ એપાર્ટમેન્‍ટના ટૂંકા ગાળાનાં ભાડાપટા નાબૂદ કરીને પ્રવાસીઓ માટે ભાડે એપાર્ટમેન્‍ટ રાખવાની જોગવાઈને નાબૂદ કરશે. એને કારણે લાંબા અરસા સુધી અહીં વસનારાં એટલે કે રહીશો માટે આવાસની કિંમત પોસાય એવી થશે. ઉલ્લેખનીય છે કે છેલ્લાં દસેક વર્ષમાં બાર્સેલોનામાં મકાનનાં ભાડામાં 68 ટકા જેટલો અને મકાનની કિંમતમાં 38 ટકા જેટલો વધારો થયો છે.  પ્રવાસીઓને કારણે વિવિધ ચીજોની કિંમતમાં વધારો થાય છે અને જાહેર સેવાઓ પર દબાણ આવે છે. સાથોસાથ પ્રવાસન થકી થતા નફાની અસમાન વહેંચણી થાય છે અને સામાજિક અસમાનતા વધે છે.

બાર્સેલોનાનાં રહીશોએ કદાચ અત્યાર સુધી પ્રવાસન થકી થતી આવકનાં ફળ ચાખ્યાં હશે, તેની સામે પોતાને થતા નુકસાનને નજરઅંદાજ કર્યું હશે, પણ હવે તેમનો વિરોધ ચરમસીમાએ છે અને આ કેવળ બાર્સેલોનાનાં રહીશોની વાત નથી. સ્પેનમાં અન્યત્ર તેમજ યુરોપના કેટલાક દેશોમાં સ્થાનિકોએ ત્રાસીને પ્રવાસીઓનો વિરોધ શરૂ કર્યો છે. પોતાને થતા દેખીતા લાભને પણ તેમણે જોખમમાં મૂક્યો છે એમ કહી શકાય. આ બાબત વિચાર માગી લે એવી છે. સૌથી પહેલો વિચાર એ કરવાનો છે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે પ્રવાસી બનીને અન્ય સ્થળે જાય ત્યારે તે કેવી રીતે વર્તે છે? વર્તણૂક કોઈ વ્યક્તિ સાથે નહીં, પણ એક પ્રવાસી તરીકે પોતે કેટલો જવાબદારીપૂર્વક વર્તે છે એ મહત્ત્વનું છે. આ બાબત એકલા યુરોપમાં નહીં, સમગ્ર વિશ્વનાં પ્રવાસીઓને સાર્વત્રિકપણે લાગુ પડે છે.

યુરોપના વિકસિત ગણાતા દેશોમાં આ હાલત છે, જ્યારે આપણે ત્યાં ઘરઆંગણે હજી અનેક સ્થળોને પ્રવાસનધામ તરીકે વિકસાવવાનું આયોજન પૂરજોશથી થઈ રહ્યું છે. વધુ પ્રવાસીઓને આકર્ષવા માટે કરાતા આ વિકાસને કારણે જે તે સ્થળની શી વલે થશે એ કલ્પના કરવી મુશ્કેલ નથી. એમાં પણ હિમાલયના નાજુક ભૂપૃષ્ઠ ધરાવતા પ્રદેશમાં જે રીતે વિકાસના નામે છેડછાડ થઈ રહી છે અને એનાં વિપરીત પરિણામ દર વર્ષે નિયમિતપણે જોવા મળી રહ્યાં છે. છતાં એ વિકાસયોજનાઓ આગળ ધપી રહી છે. પ્રવાસીઓનો ત્યાં ધસારો શરૂ થશે પછી એની જે હાલત થવાની હશે એ થશે, એ અગાઉ એ વિસ્તારના પર્યાવરણનો ખો વળી રહ્યો છે અને એ કૃત્યને ગૌરવભેર આગળ કરવામાં આવી રહ્યું છે.

એ તો સરકારના પક્ષની વાત થઈ. નાગરિક તરીકે આપણી જવાબદારી ઓછી નથી. પ્રવાસી તરીકે પ્રત્યેક સ્થળ, સંસ્કૃતિને યોગ્ય સન્માન આપવું એ લઘુતમ અપેક્ષા હોય છે, પણ એથી આગળ વધીને પ્રવાસના સ્થળે ગંદકી કરવી તો અપરાધ જ છે. કોવિડ પછીનો સમયગાળો એવો છે કે વૈશ્વિક સ્તરે સૌ વધુ ને વધુ પ્રવાસ કરતા થયા છે. તેને કારણે આ ક્ષેત્રે નાણાંનો પ્રવાહ વધ્યો છે. જે તે સ્થળને થઈ રહેલા નુકસાન, ત્યાં કરાઈ રહેલી ગંદકી અને પર્યાવરણને થતું નુકસાન ગમે એટલા નાણાંથી ભરપાઈ કરી શકાય એવું નથી હોતું. એમ લાગે છે કે વાનરમાંથી ઉત્ક્રાંત થઈને માનવ બન્યા પછી માનવમાંથી નાગરિક બનવા માટે હજી લાંબી મજલ કાપવાની છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top