નવી દિલ્હી: દિલ્હીના (Delhi) મુખ્ય સચિવે મંગળવારે ઓલ્ડ રાજેન્દ્ર નગર દુર્ઘટનાનો તપાસ અહેવાલ (Investigation report) મંત્રી આતિષીને સોંપ્યો હતો. અસલમાં અગાઉ ઘટનાને પગલે આતિશીએ મુખ્ય સચિવ નરેશ કુમારને એક પત્ર લખીને રાજેન્દ્ર નગર કોચિંગ સેન્ટરમાં બનેલી ઘટના અંગે અહેવાલ તેમને સોંપવાનો નિર્દેશ આપ્યો હતો. જેના પગલે હવે કાર્યવાહીનો રિપોર્ટ તેમને સોંપવામાં આવ્યો છે જેમાં ચોંકાવનારા ખુલાસા થયા છે.
રિપોર્ટમાં જણાવ્યા મુજબ કોચિંગ સંસ્થાએ ડ્રેનેજ સિસ્ટમને સંપૂર્ણપણે બંધ કરી દીધી હતી અને જો કોઇ ન બનવાજોગ ઘટના બને તો વધારાના સુરક્ષા પુરી પાડવા માટે યોગ્ય પગલાં પણ લીધા ન હતા. આ સાથે જ સંસ્થાનો પાર્કિંગ એરિયા પણ સીધા રોડ સાથે જોડાયેલો છે. ત્યારે ભારે વરસાદના કારણે વરસાદી પાણી ગટરમાં જવાને બદલે સીધું આ પાર્કિંગ વિસ્તારમાં પ્રવેશે છે. આવી સ્થિતિમાં બેસમેન્ટમાં ચાલતા કોચિંગ સેન્ટરમાં પાણી ભરાવું સ્વાભાવિક બની જાય છે.
આ સાથે જ સામે આવેલા અહેવાલમાં આગળ લખવામાં આવ્યું છે કે, દુર્ઘટના દરમિયાન સુરક્ષા કર્મચારીઓ તરફથી કોઈ તકેદારી રાખવામાં આવી ન હતી, જેના પરિણામે પાણી રોકાયા વિના પાર્કિંગ વિસ્તારને ઓળંગી ગયું અને ભોંયરામાં પ્રવેશ્યું, પરિણામે ત્રણ બાળકોના જીવ ગયા. જો કે, વિસ્તારની ડ્રેનેજ સિસ્ટમની જાળવણી માટે જવાબદાર ઈજનેર (M-1)/KBZ ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને જુનિયર ઈજનેર (M-1)/KBZ ની સેવાઓ તાત્કાલિક ધોરણે સમાપ્ત કરવામાં આવી છે. આ સાથે જ કાર્યપાલક ઈજનેર (M-1)ને આ ઘટના અંગે ખુલાસો માંગતી કારણ બતાવો નોટિસ પાઠવવામાં આવી છે.
આતિશીએ મોટો આરોપ લગાવ્યો હતો
અગાઉ દિલ્હીના મહેસૂલ મંત્રી આતિશીએ દિલ્હીના મુખ્ય સચિવ પર મોટો આરોપ લગાવ્યો હતો. મુખ્ય સચિવ ઉપર સવાલ ઉઠાવતા આતિશીએ પૂછ્યું હતું કે શું મુખ્ય સચિવે કોચિંગ સેન્ટરોને બચાવવાનો પ્રયાસ કરવો જોઈએ? મંત્રીના આદેશ છતાં રાજેન્દ્ર નગરની ઘટનાનો રિપોર્ટ 24 કલાકમાં રજૂ કરવામાં આવ્યો ન હતો. તેમજ આતિશીએ 24 કલાકમાં તપાસ રિપોર્ટ સોંપવાનો આદેશ આપ્યો હતો.