સુરત: (Surat) ડિંડોલીમાં ઉત્તરાયણના તહેવારમાં પતંગ ઉડાડવા માટે ટેરેસ ઉપર જવાની જીદ કરનાર સગીરાને તેની માતાએ ઓનલાઇન અભ્યાસ (Online Education) કરવાની બાબતે ટીચરને (Teacher) ફોન કરીને ફરિયાદ કરી હતી. આ વાતનું માઠું લાગી આવતાં સગીરાએ સૌપ્રથમ દવા પી જવાની ધમકી આપી હતી, પરંતુ થોડીવાર બાદ સગીરા હકીકતમાં ફીનાઇલ પીને આવી હતી અને તેની માતાને કહ્યું કે, મેં દવા પી લીધી છે. સગીરાની વાતને મજાક સમજના પરિવારજનોની આંખની સામે જ થોડીવાર બાદ સગીરાએ ઊલટીઓ શરૂ કરી હતી અને તેણીને હોસ્પિટલ લઇ જતા ત્યાં મોત નીપજ્યું હતું. અભ્યાસનું પ્રેશર કરનારા વાલીઓ (Parents) માટે આ દાખલારૂપ કિસ્સો છે.
પ્રાપ્ત વિગતો મુજબ ડિંડોલીના આલોક રેસિડેન્સીમાં રહેતા 16 વર્ષિય ખુશી પ્રકાશભાઇ પટેલ હાલમાં ધો.10માં ઓનલાઇન અભ્યાસ કરી રહી છે. ઉત્તરાયણના તહેવાર નિમિત્તે તમામ મિત્રો અને પરિવારના સભ્યો ટેરેસ ઉપર પતંગ ઉડાડી રહ્યા હતા. બીજી તરફ ખુશીને તેના ઓનલાઇન ક્લાસ શરૂ હતા અને તેની માતાએ કહ્યું કે, બે મહિના પછી બોર્ડની પરીક્ષા આવી રહી છે. એટલે હમણા અભ્યાસમાં ધ્યાન આપ, તેં લેશન પણ નથી કર્યું અને હું તારી ટીચરની ફરિયાદ કરું છું’. ખુશીની નજર સામે જ માતાએ ટીચરને ફોન કરીને ફરિયાદ કરી હતી. જે વાતનું માઠું લાગી આવી જતાં ખુશીએ દવા પી જવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. પરંતુ ખુશીની વાતને બધાએ મજાક સમજી હતી.
થોડીવાર બાદ ઘરના સભ્યો પોતપોતાના કામમાં વ્યસ્ત હતા. ત્યારે ખુશીએ બાથરૂમમાં જઇને ફીનાઇલ પી લીધી હતી. ત્યારબાદ તે ફરીવાર પોતાની માતા પાસે આવી અને કહ્યું કે, મેં ફિનાઇલ પી લીધું છે. ત્યારે પણ કોઇએ તેની વાત માની ન હતી. થોડીવાર બાદ ખુશીએ ઊલટીઓ કરવાનું શરૂ કર્યું હતું. 108 મારફતે ખુશીને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જો કે, વધુ સારવાર મળે એ પહેલાં જ ખુશીને ડોક્ટરોએ મૃત જાહેર કરી હતી. પરિવારના એક ઠપકાને કારણે હર્ષોલ્લાસના તહેવારમાં પટેલ પરિવારની ‘ખુશી’ હંમેશાં માટે જતી રહી હતી. ડિંડોલી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
મારી એકની એક પુત્રી ગુમાવી છે : પિતા પ્રકાશભાઈ
મૃતક ખુશીના પિતા પ્રકાશભાઇએ જણાવ્યું હતું કે, ખુશી અમારા પરિવારની એકની એક પુત્રી હતી. હું ઝેરોક્ષ મશીનમાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવું છું. ઉતરાયણના દિવસે માતા-પુત્રી વચ્ચે અભ્યાસ બાબતે રકઝક થઇ હતી. ખુશીને પતંગ ચગાવવા જવું હતું. પરંતુ તેની માતાએ અભ્યાસ કરવા માટે કહ્યું હતું. ખુશીનો સ્વભાવ પણ ગુસ્સાવાળો હતો અને ક્યારેક તે મજાક પણ કરતી હતી. એટલે જ્યારે ખુશીએ દવા પીવાનું કહ્યું અને બાદમાં દવા પી લીધી ત્યારે કોઇએ સાચું માન્યું ન હતું. પરંતુ જ્યારે ફીનાઇલની અસર બહાર આવી ત્યારે બધાનું ધ્યાન ગયું.