સુરતઃ સામાન્ય પારિવારિક ઝઘડામાં ક્યારેક ઘરના સભ્યો વિચાર્યા વિના આપઘાત કરવા જેવું આત્મઘાતી પગલું ઉઠાવતા હોય છે અને પાછળ રહેલાં પરિવારના સભ્યોને જીવનભરનું દુઃખ આપીને જતા રહેતા હોય છે. ગુસ્સા અને ઝઘડાએ સુરતમાં એક હસતો રમતો માળો પીંખી નાંખ્યો છે. ઝઘડા બાદ પત્નીએ ફિનાઈલ પી લેતા પતિ તાપી નદીમાં કુદી ગયો હતો. આ ઘટનામાં પતિનું મૃત્યુ થયું છે, જ્યારે પત્ની જીવન મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહી છે. જોકે, ક્ષણિક આવેશમાં માતા-પિતાએ આપઘાતનો રસ્તો અપનાવતા કિશોર વયની બે દિકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના રૂસ્તમપુરા વિસ્તારમાં આવેલી ઈચ્છા દોશીની વાડીમાં રહેતા દંપતિ જિતેશ રાણા અને તેમની પત્ની વચ્ચે રવિવારે સાંજે ફરવા જવાના મામલે ઝઘડો થયો હતો. ઝઘડાના પગલે જિતેશની પત્નીએ ફિનાઈલ ગટગટાવી લીધું હતું, બીજી તરફ જિતેશ રાણા તાપી નદીમાં જઈને કૂદકો મારી દીધો હતો. પરિવારને ઘટનાની જાણ થતાં જિતેશની પત્નીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યારે બીજી તરફ તાપી કિનારે જઈ જિતેશ રાણાની શોધખોળ આદરવામાં આવી હતી, પરંતુ જિતેશ રાણાનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો. ફાયર બ્રિગેડે પણ જિતેશને શોધવા પ્રયાસ કર્યા હતા, જેમાં સફળતા મળી નહોતી.
દરમિયાન આજે સવારે કાવડ યાત્રીઓ શિવજી પર ચઢાવવા માટે તાપીનું પાણી લેવા ગયા ત્યારે તાપીમાં મૃતદેહ તણાતો નજરે પડ્યો હતો. આ અંગે ફાયર બ્રિગેડને જાણ થતાં લાશ્કરોએ સ્થળ પર પહોંચી લાશ બહાર કાઢી હતી. આ લાશ જિતેશ રાણાની જ હોવાની ઓળખ તેમના પરિવારજનોએ કરી હતી. જિતેશ રાણાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી
જિતેશ રાણાને બે દીકરીઓ છે. એક 15 વર્ષની અને બીજી 12 વર્ષની. માતા-પિતાએ સામાન્ય ઝઘડામાં આત્મઘાતી પગલું ઉઠાવતા દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે, જ્યારે માતા જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. તેથી બંને માસૂમ દીકરીઓ આઘાતમાં સરી પડી છે.
રક્ષાબંધન પહેલાં બહેને ભાઈ ગુમાવ્યો
જિતેશ રાણાના માતા-પિતા નથી. તેમની એક બહેન છે. બહેન નિમિષાએ કહ્યું, રક્ષાબંધનના પંદર દિવસ પહેલાં મેં મારો ભાઈ ગુમાવ્યો છે. મારા માતા-પિતા નથી અને હવે ભાઈ ગુમાવ્યો. ભાભી પણ સારવાર હેઠળ છે. હું બધાને કહું છું કે, ઝઘડા દરેક પરિવારમાં થાય છે, પરંતુ ક્યારેય આપઘાત કરવા જેવું મોટું પગલું ઉઠાવશો નહીં.