World

પેરિસ ઓલિમ્પિક દરમિયાન ફ્રાંસમાં ફરી તોડફોડ, ટેલિકોમ્યુનિકેશન લાઈનો પ્રભાવિત

નવી દિલ્હી: પેરિસ ઓલિમ્પિક 2024ની (Paris Olympics) યજમાની કરતા ફ્રાન્સમાં (France) ફરી એક વાર તોડફોડની ઘટના સામે આવી હતી. અહીં સોમવારે કેટકાંક માથાભારે ઇસમોએ તોડફોડ કરી હતી. અગાઉ પણ કેટકલાંક લોકોએ ફ્રાન્સની રેલ્વે લાઇન્સને નુકસાન પહોંચાડ્યું હતું જેના કારણે 8 લાખ લોકો અટવાયા હતા. ત્યારે હાલના હુમલાએ ફ્રાન્સની ટેલિકોમ્યુનિકેશન લાઇનને અસર પહોંચાડી છે.

ઓલિમ્પિક ગેમ્સના આયોજક એવા ફ્રાન્સના અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તોડફોડને કારણે દેશમાં ઘણી ટેલિકોમ્યુનિકેશન લાઇનને અસર થઈ છે. તેમજ તોડફોડના કારણે ફાઈબર લાઈનો, ફિક્સ અને મોબાઈલ ફોન લાઈનોને અસર થઈ છે. ત્યારે તોડફોડના કારણે થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે આ ઘટના ઓલિમ્પિક સાથે જોડાયેલી છે કે કેમ? તેમજ આ તોડફોડ ઓલિમ્પિકના ઉદઘાટન સમારોહના કલાકો પહેલા શુક્રવારે ફ્રાન્સની આસપાસના ટ્રેન નેટવર્ક પરની આગચંપી અને હુમલાઓ સાથે કોઇ સબંઘ ઘરાવે છે કે કેમ?

ટેલિકોમ ઓપરેટરોને અસર
ફ્રાન્સના ડિજિટલ બાબતોના પ્રભારી રાજ્ય સચિવ મરિના ફેરારીએ ટ્વિટર પર પોસ્ટ કરી જણાવ્યું હતું કે રવિવારથી સોમવારની સવાર સુધીમાં કેટલાક વિસ્તારોમાં થયેલા નુકસાનની અસર ટેલિકોમ ઓપરેટરોને થઈ છે. તેમજ આ ઘટનાથી ફાઈબર લાઈનો, ફિક્સ્ડ અને મોબાઈલ ટેલિફોન લાઈનો પર અસર પડી છે. આ સાથે જ ફ્રાન્સના એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ફ્રાન્સના ઓછામાં ઓછા છ વહીવટી વિભાગો આ ઘટનાને પગલે પ્રભાવિત થયા છે, જેમાં માર્સેલી શહેરની આસપાસનો વિસ્તાર પણ સામેલ છે. અહીં ફૂટબોલ મેચો અને સઢવાળી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે.

સેવાઓને સરખી કરવા માટે ઘણી ટીમો કામ કરી રહી છે
ટેલિકોમ્યુનિકેશન ઓપરેટરો Bouygues અને ફ્રીએ પુષ્ટિ કરી હતી કે તેમની સેવાઓને અસર થઈ છે. તેમજ ફ્રેન્ચ મીડિયાના અહેવાલો અનુસાર SFR દ્વારા સંચાલિત લાઇનોને પણ માઠી અસર થઈ હતી. આ સાથે જ અસરગ્રસ્ત કંપનીઓએ કહ્યું હતું કે તેમની ટીમ સેવાઓ પુનઃસ્થાપિત કરવા માટે કામ કરી રહી છે.

અગાઉ ટ્રેનોમાં તોડફોડ કરવામાં આવી હતી
ગયા અઠવાડિયાની શરૂઆતમાં ફ્રાન્સમાં ટ્રેનોમાં તોડફોડ થઈ હતી જેની તપાસ હજી સુધી ચાલી રહી છે. ત્યારે તોડફોડથી ફ્રાંસ તેમજ લંડન અને અન્ય પડોશી દેશોમાં અંદાજે 10 લાખ મુસાફરોની મુસાફરીમાં વિક્ષેપ પડ્યો હતો. તેમજ સોમવાર સુધીમાં ટ્રેન વ્યવહાર મોટાભાગે ફરી શરૂ થઈ ગયો હતો.

Most Popular

To Top