SURAT

‘રત્નકલાકારોને મદદ કરો’, ડાયમંડ વર્કર યુનિયનની સરકારને ફરી વિનંતી, કહ્યું- હીરામાં સ્થિતિ…

સુરતઃ હીરાઉદ્યોગમા મંદીના કારણે રત્નકલાકારો ભારે આર્થિક સંકટમાં ફસાયા છે. ઉદ્યોગમાં બેરોજગારીનું પ્રમાણ સતત વધી રહ્યું છે જેના કારણે આપઘાતના બનાવો સતત ચિંતાજનક રીતે વધી રહ્યા છે. છેલ્લાં 18 મહિનામાં અંદાજે 60 જેટલા રત્નકલાકારોએ આપઘાત કરી જીવન ટુંકાવી લીધા છે. સરકાર અને ઉધોગકારો એ સાથે મળી આ કપરા સમયે રત્નકલાકારો ને મદદ કરવી જોઈએ તેવી માંગ ઉઠી છે.

  • ગુજરાત ડાયમંડ વર્કર યુનિયને સુરત જિલ્લા કલેક્ટરને ફરી એકવાર આવેદનપત્ર આપ્યું
  • રત્નકલાકારોને નોકરીમાંથી છૂટા કરાઈ રહ્યાં છે, કારખાનાઓમાં 3 રજા જાહેર કરાઈ
  • સરકાર રત્નકલાકારો માટે આર્થિક પેકેજ જાહેર કરે તેવી માંગણી કરાઈ

હીરાઉદ્યોગમાં રત્નકલાકારોના પગાર ખુબ ઘટી ગયા છે. તે ઉપરાંત અઠવાડિયામાં ત્રણ ત્રણ રજાઓ જાહેર કરાઈ છે. કેટલાંક કારખાનાઓમાં કારીગરોને નોકરી પરથી છુટા કરવાના બનાવો પણ વધી રહ્યા છે. એક તરફ મોંઘવારી સતત વધી રહી છે ત્યારે કારીગરોના પગાર વધવાને બદલે સાવ તળિયે પહોંચી ગયા છે જેના કારણે રત્નકલાકારોને ઘર ગુજરાન ચલાવવા માટે અસમર્થ બની રહ્યા છે. હવે જ્યારે તહેવારોની સિઝન નજીક આવી રહી છે ત્યારે રત્નકલાકારોને દિવાળી ટાણે હોળીના થાય તે દિશામાં સરકાર કદમ ઉઠાવે તેવી માંગ ગુજરાત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા કરવામાં આવી છે.

યુનિયને આજે ફરી એકવાર સુરત જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી રત્નકલાકારોના હિતમાં કાર્ય કરવા રજૂઆત કરી હતી. યુનિયને કહ્યું કે, હીરાઉદ્યોગના રત્નકલાકારો બાબતે સરકારને અનેક વખત રજૂઆતો કરવા છતાં રત્નકલાકારોની રજૂઆતો સરકાર ના બહેરા કાને પહોંચી રહી નથી. હીરાઉદ્યોગ હવે ભાંગવાના આરે છે ત્યારે સરકારે રત્નકલાકારોની ધીરજની કસોટી કરવી જોઈએ નહીં અને તત્કાલિક તેમની માંગણી સ્વીકારી અને હીરાઉદ્યોગને ભાંગતો બચાવવો જોઈએ, નહિતર 2008 જેવી પરિસ્થિતિનુ નિર્માણ થશે જેના માટે સરકાર જ જવાબદાર હશે.

ગુજરાત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા આ માંગણી કરાઈ
આજે ગુજરાત ડાયમંડ વર્કર યુનિયનના હોદ્દેદારોએ સુરત જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર સોંપી રત્નકલાકારો માટે આર્થિક પેકેજ જાહેર કરવા માંગ કરી હતી તે ઉપરાંત રત્નદીપ યોજના શરૂ કરવા, વ્યવસાય વેરો નાબૂદ કરવા, આપઘાત કરતા રત્નકલાકારોના પરિવારો ને આર્થિક મદદ કરવા તેમજ રત્નકલાકાર કલ્યાણ બોર્ડ બનાવવા રજૂઆત કરાઈ છે.

Most Popular

To Top