સુરત: શહેરના સામાન્ય લોકોને લાલચ આપી અલગ અલગ બેંકમાં નવા બેંક એકાઉન્ટો ખોલાવી તેની ઇન્સ્ટન્ટ કીટો તથા સીમકાર્ડ મેળવી દુબઇ ખાતે મોકલાવી દુબઇ ખાતેથી ઇન્ટરનેટના માધ્યમ દ્વારા દેશના જુદા જુદા ભાગોમાં સાયબર ક્રાઇમના ગુન્હા આચરતી ગેંગના 6 આરોપીઓને સાયબર ક્રાઈમની ટીમે ઝડપી પાડ્યા છે. 11 આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે.
- એસએમએસ, વોટ્સએપ અને ટેલીગ્રામ દ્વારા આ લોકો પોતાની ખોટી ઓળખ ઉભી કરતા હતા
- અલગ અલગ રાજ્યોમાંથી અલગ અલગ લોકો પાસેથી કમિશન ઉપર બેંક એકાઉન્ટ લઇ તેમાં છેતરપીંડીના રૂપિયા ટ્રાન્સફર કરાવતા હતા
- 9 મોબાઈલ, 16 કેનેરા બેંક એકાઉન્ટની કીટ તથા વોડાફોન આઇડીયાના 5, એરટેલના 51 અને જીઓના 13 મળીને કુલ 78 સીમકાર્ડ કબજે કરાયા
સાયબર ક્રાઈમ પોલીસની ટીમને રાજ રૈયાણી તથા વિજય ઓડ તેમના માણસો સાથે મળીને અલગ અલગ લોકોને લાલચ આપી તેમની પાસેથી સરથાણા સીમાડા નાકા પાસે આવેલી કેનેરા બેંકમાં અલગ અલગ બેંક એકાઉન્ટ ખોલાવે છે. અને એકાઉન્ટ હોલ્ડર પાસેથી 10 થી 12 હજારમાં એકાઉન્ટ કમિશન ઉપર વાપરવા એકાઉન્ટની કીટ મેળવતા હતા. અને દુબઈ ખાતે ઇન્ટરનેટના માધ્યમથી પોતાની ખોટી ઓળખ ઉભી કરી સાયબર ક્રાઈમ કરતા હોવાની બાતમી મળી હતી.
બાતમીના આધારે સાયબર ક્રાઈમ પોલીસે રેઈડ કરી હતી. અને ત્યાંથી 6 આરોપીઓની ધરપકડ કરી હતી. જ્યારે 11 આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે. પોલીસે પકડેલા આરોપીઓ રાજ પ્રકાશભાઇ રૈયાણી, વિજય મગનભાઇ ઓડ, મહેશકુમાર રામજીભાઇ ભડીયાદરા, ચંદ્રેશ દયાળભાઇ કાકડીયા, હાર્દિક ભુપતભાઇ પોપટભાઇ દેસાઇ અને Thanigaivel Thirugnanam ની ધરપકડ કરી છે.
પકડાયેલા આરોપી પૈકી ચંદ્રેશની સામે સરથાણા, વરાછા, કાપોદ્રા, પુણા અને હજીરા પોલીસ સ્ટેશનમાં મળી કુલ 6 ગુના ભુતકાળમાં નોંધાયા છે. હાર્દિકની સામે ભુતકાળમાં ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધાયો છે.
આરોપીઓ પાસેથી પોલીસે 9 મોબાઈલ, 1 ટેબલેટ, 16 કેનેરા બેંક એકાઉન્ટની કીટ, 19 અલગ અલગ બેંકના ડેબીટ કાર્ડ અને વોડાફોન આઇડીયાના 5, એરટેલના 51 અને જીઓના 13 મળીને કુલ 78 સીમકાર્ડ કબજે કરાયા છે.
આ રીતે સાયબર ફ્રોડને અંજામ આપવામાં આવતો
સાયબર ક્રિમીનલ્સ દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી એસએમએસ, વોટ્સએપ અને ટેલીગ્રામ દ્વારા પોતાની ખોટી ઓળખ ઉભી કરી અલગ-અલગ પ્રકારની વધુ રૂપિયા કમાવવાની લાલચ આપી છેતરપીંડી આચરતા હતા. તેઓ અલગ અલગ રાજ્યોમાંથી અલગ અલગ લોકો પાસેથી કમિશન ઉપર બેંક એકાઉન્ટ લઇ તેમાં છેતરપિંડીના રૂપિયા ટ્રાન્સફર કરાવે છે.
પકડાયેલા આરોપીઓ
રાજ પ્રકાશભાઇ રૈયાણી (ઉ.વ.૨૮, ધંધો.ઓનલાઇન વેપાર, હાલ રહે. બડે હનુમાન સોસાયટી, પુણાગામ તથા મુળ તા.ઉમરાળા, જી.ભાવનગર), વિજય મગનભાઇ ઓડ (ઉ.વ.૨૩, ધંધો.અભ્યાસ, હાલ રહે. લક્ષ્મી રેસીડેન્સી, કામરેજ-બારડોલી રોડ, કામરેજ), મહેશકુમાર રામજીભાઇ ભડીયાદરા (ઉ.વ.૩૪, ધંધો.હિરા ઘસવાનો, હાલ રહે. મારૂતીધામ સોસાયટી, મોટા વરાછા તથા મુળ ભાવનગર), ચંદ્રેશ દયાળભાઇ કાકડીયા (ઉ.વ.૨૭, ધંધો. ઓનલાઇન વેપાર, હાલ રહે. સીતાનગર સોસાયટી, પુણાગામ તથા મુળ અમરેલી), હાર્દિક ભુપતભાઇ પોપટભાઇ દેસાઇ (ઉ.વ.૨૮, રહે. વાસ્તુશીલ્પ હાઇટ્સ, વી.આઇ.પી. સર્કલ, મોટા વરાછા તથા મુળ અમરેલી), Thanigaivel Thirugnanam (ઉ.વ.30, રહે. New Street, Ammapet, Salem, TamilNadu)
વોન્ટેડ આરોપી
વિજય પરમાર હાલ રહે.દુબઇ., મુકેશ પરમાર, મયંક સોજીત્રા, અરૂણ રહે.ચેન્નઇ, અજય કાકડીયા ઉર્ફે ભગત, તુષાર રહે.મોટા વરાછા, સુરત, રાજુભાઇ રહે.પાસોદરા, સુરત., નિલેશ વઘાસીયા રહે.વેલંજા, સુરત., મિતેશ પટેલ રહે.વલસાડ., કેતન વાઘેલા, મિલન દરજી હાલ રહે.દુબઇ.