SURAT

ખાડીઓ ઉભરાતા અડધું સુરત પાણીમાં ડૂબ્યું, 88 રસ્તા બંધ, બોટ ફરતી થઈ

સુરતઃ રવિવારે સાંજથી સુરત શહેર, જિલ્લા અને ઉપરવાસમાં અવિરત અનારાધાર મેહુલો વરસી રહ્યો છે, જેના લીધે સુરત શહેરમાંથી પસાર થતી ખાડીઓ ઓવરફલો થઈ છે. પરિણામે ખાડીની આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. અડધું સુરત પાણીમાં ડુબ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. પાણી ભરાવાના લીધેઅનેક લોકોનું સ્થળાંતર કરવાની તંત્રને ફરજ પડી છે. શહેરના અનેક વિસ્તારોમાં બોટ ફરતી થઈ છે.

આજે સવારે સુરત શહેરમાંથી પસાર થતી વિવિધ ખાડીઓનું જળસ્તર ભયજનક સપાટીની લગોલગ પહોંચી ગયું હતું. કાકરા ખાડીની ભયજનક સપાટી 8.48 મીટર છે અને તે હાલ 6.45 મીટરની સપાટીએ વહી રહી છે. ભેદવાદ ખાડી 6.7 મીટર, મીઠીખાડી 8.65 મીટર, ભાઠેના ખાડી 6.45 મીટર, સીમાડા ખાડી 4.5 મીટરે વહી રહી છે. સીમાડા ખાડી તેની ભયજનક સપાટી 4.5 મીટરની લગોલગ પહોંચી છે.

રસુલાબાદ વિસ્તારમાં પાણી કમર સુધી ભરાયા છે. લોકોના ઘરોમાં પણ પાણી ભરાયેલા છે. 10 જેટલા પરિવારોને સવારે 5 વાગ્યે રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. મીઠી ખાડી 9 મીટરની સપાટીએ પહોંચી ગઈ છે. ભયજનક સપાટીથી અડધો મીટર દૂર છે. આથી લિંબાયત વિસ્તારમાં પાણીમાં ગરકાવ થઈ ગયો છે.88 રસ્તા બંધ થયા છે.

ખાડીઓ ઉભરાતા યોગીચોક, મહાવીર ચોક, કિરણ ચોકમાં કમર સુધીના પાણી ભરાયા છે. જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આ તરફ સણિયા હેમાદની સ્થિતિ તો કફોડી બની છે. અહીં રાત્રિના સમયે 15 લોકોનું રેસ્ક્યુ કરવું પડ્યું હતું. ગીતાનગરના પર્વતગામ ચોર્યાસીમાંથી એક પ્રેગનન્ટ મહિલાનું રેસ્ક્યુ કરવું પડ્યું હતું. કામરેજથી નાનસડ રોડ પર પાણી ભરાઈ ગયા હતા. જીવના જોખમે લોકો સુરક્ષિત સ્થળે જતા જોવા મળી રહ્યાં છે.

આ તરફ મીઠી ખાડી છલકાતા લિંબાયતના કમરૂનગરમાં બાળકો, મહિલાઓનું રેસ્ક્યુ કરાયું હતું. લિંબાયતમાં બોટો ફરતી થઈ છે. ખાડીનું પાણી બેક મારવાના લીધે આ વિસ્તારમાં 5 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે. કુંભારિયાના હળપતિ વાસમાં 15 લોકોને કુબેરજી વિઝન કોમ્પલેક્સમાં ખસેડાયા છે. પ્રમુખ પાર્ક બ્રિજ પાસે ગણેશનગરમાં પાણી ભરાતા આંગણવાણીમાં લોકોને ખસેડાયા છે. ક્રિષ્ણા નગર અને પ્રેમનગર પાસે ખાડીના પાણી બેક માર્યા છે. ભટારના આઝાદનગરમાં પાણી ભરાતા અનાજ, ઘરવખરી ખરાબ થઈ ગઈ છે. પાલમાં મધુવન સર્કલ પાસે રાત્રિના સમયે સિલ્વર ક્રેસ્ટ બિલ્ડિંગની પાર્કિંગની દિવાલ તૂટી પડી હતી. કારોને નુકસાન થયું હતું.

મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ સતત વ્યક્તિગત રીતે સ્થિતિ પર નજર રાખી રહ્યાં છે. આજે સવારથી આઈસીસીસી ખાતે હાજર રહી તમામ ઝોન સાથે સંપર્કમાં છે. કમિશનરે સવારે મીઠીખાડી, લિંબાયત, સણિયા હેમાદ (વરાછા ઝોન) અને સીમાડાની વાલમ ખાડીના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી.

Most Popular

To Top