Vadodara

આજવા રોડની કસ્તુરબા ગાંધી બાલિકા વિધાલયમાં 10 બાળાને ફૂડ પોઈઝનિંગ



વડોદરાના આજવા રોડ પર આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં 10થી વધુ વિદ્યાર્થિનીઓને હોસ્ટેલમાં ભોજન લીધા બાદ ફૂડ પોઈઝનિંગની અસર થઇ છે. વિદ્યાર્થિનીઓને ઝાડા-ઉલટી થતા પ્રાથમિક સારવાર આપ્યા બાદ હોસ્ટેલમાં પરત લવાઇ હતી. આ અંગે જાણ થતા પાલિકાની ટીમ શાળાએ પહોંચી ફૂડ સેફ્ટી ઓફિસરે હોસ્ટેલનું કિચન બંધ કરાવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગઈકાલે શહેરના આજવા રોડ વિસ્તારમાં આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની ધોરણ 9ની 10થી વધુ વિદ્યાર્થિનીઓને હોસ્ટેલમાં ભોજન લીધા બાદ વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઇ હતી. ગઈકાલે 10થી વધુ વિદ્યાર્થીનીઓને હોસ્ટેલમાં કઢી, ખીચડી ખાધા બાદ ફૂડ પોઈઝનિંગની અસર થતા ઝાડા ઉલટી થયા હતા.
વિદ્યાર્થિનીઓને ઝાડા-ઉલટી થતા પ્રાથમિક સારવાર આપ્યા બાદ પરત હોસ્ટેલમાં લવાઇ હતી. આ મામલે હોસ્ટેલના શિક્ષકે લૂલો બચાવ કરતા વિદ્યાર્થિનીઓએ પફ ખાધો હોવાથી ફૂડ પોઈઝનિંગની અસર થઇ હોવાનું જણાવ્યું હતું. તો બીજી તરફ આ મામલે જાણ થતા વડોદરા પાલિકાની આરોગ્ય વિભાગની ખોરાક શાખાની ટીમ ચેકિંગ માટે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ખાતે પહોચી હતી.
જ્યાં હોસ્ટેલના રસોડામાં ચેકિંગ કરતા હોસ્ટેલના કેન્ટિનનું લાયસન્સ લીધું ન હોવાની માહિતી સામે આવી હતી. જેના કારણે પાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસરે હોસ્ટેલનું કિચન બંધ કરાવ્યું હતું. આ મામલે વીએમસીના ફૂડ સેફટી અધિકારી જીતેન્દ્ર ગોહિલે આ મામલે જાણકારી આપી હતી કે, આ ઘટના અંગેની જાણ થતા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ખાતે અમે ચેકીંગ માટે આવ્યા હતા. જ્યાં હોસ્ટેલના રસોડામાં તપાસ કરતા હોસ્ટેલના કેન્ટિનનું લાયસન્સ જ ન લીધું હોવાથી હાલ હોસ્ટેલનું કિચન બંધ કરાવ્યું છે.

Most Popular

To Top