સુરતની જીવાદોરી સમાન તાપી નદીનો જન્મ અષાઢ સુદ સાતમના દિવસે થયો હતો અને આખા વિશ્વમાં એકમાત્ર તાપી નદી જ એવી છે જેનો જન્મદિવસ સુરતીઓ ભારે રંગેચંગે ઉજવે છે. વર્ષો પહેલા તાપી નદી બે કાંઠે વહેતી હતી.વારે તહેવારે,શ્રાવણ માસ અને અધિક માસમાં સુરતીઓ તાપીએ સ્નાન કરવા જતાં હતાં.લગ્નના શુભ પ્રસંગે જમણવાર માં પહેલા તાપી માતાની થાળ કાઢતા હતા.ઘરમાં કીડી માંકડનો ઉપદ્રવ થાય ત્યાંરે તાપીના જળનો છંટકાવ કરતા.કોઈ પણ ધાર્મિક વિધીમાં બ્રાહ્મણ દ્વારા યજમાનને તાપી માતાનું સ્મરણ કરાવવામાં આવે છે.
હોમ યજ્ઞ પહેલા તાપી સ્નાનનું મહાત્મ્ય હતું. કેરીની સીઝનમાં પહેલી કેરીનો ભોગ તાપીમાં ચઢાવે છે. બાળકોને વારંવાર ગુમડા ફોડલા થતા હોય તો તાપીમાં કેરીનો રસ ગોળવાની માનતા રાખતા હતા.દર રવિવારે નિયમિત તાપીમાતાના દર્શને સુરતીઓ જાય છે. તાપી ભરપૂર હતી ત્યારે પૂજાપો નદીમાં વિસર્જન કરતા હતા. મરણ વિધિમાં દશમાંની ઉત્તરક્રિયા તાપી કિનારે અને અગિયારમાં ની ઉત્તરક્રિયા અશ્વિનીકુમાર ઓવારે કરવામાં આવે છે. દિવાળીમાં પિતૃઓની દીવા દેવાની વિધિ તાપી કિનારે કરવામાં આવે છે. સુરતીઓ તાપીમાતા પ્રત્યે વિષેશ શ્રદ્ધા અને આસ્થા ધરાવે છે. તાપી સ્નાન નો મહિમા છે તે ઉપરાંત તાપીમાતા નું માત્ર સ્મરણ કરવાથી પાપ દૂર થાય છે.સુરતની સમૃદ્ધિ માં તાપીમાતાની મહેર છે.
સુરત – કિરીટ મેઘાવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
સમય જ બળવાન છે
વર્ષ ૨૦૦૧ ગુજરાતના કચ્છમાં આવેલા ભયંકર ભૂકંપે ગુજરાતને હચમચાવી નાખ્યું.એ જ ભૂકંપે ગુજરાત ભાજપને પણ હચમચાવી નાંખ્યું.ગુજરાતને એક નવા સુકાની મળ્યા. પણ શું ૨૦૧૪ માં એક રાજ્ય મૂકીને સમગ્ર દેશના પ્રધાન બનવું એ ઉતાવળો નિર્ણય હતો? કેમ કે પ્રધાનમંત્રી બન્યા પછી ગુજરાત મોડલ અને ગુજરાત ભાજપ તો સાવ ઠપ થઇ ગયું. નોટબંધી કોઈ કામ આવી નહીં. જીએસટી એ મધ્યમ ઉદ્યોગોની કમર તોડી નાખી.મોંઘવારી,બેરોજગારી ચરમસીમા પર,ભ્રષ્ટાચારી બધા જેલની જગ્યાએ ભાજપમાં જોડાઈ ગયા. પેપર ફૂટવાની ઘટના એક પછી એક રાજ્યો અને હવે તો નીટ જેવી પરીક્ષા કે જેમાં વિદ્યાર્થીઓનાં કપડાં પણ ફુલ સ્લિવનાં પહેરવા નથી દેતાં એમાં પણ ધાંધલ થઈ ગઈ.
એમાં પાછા સાહેબ દર વર્ષે પરીક્ષા પર ચર્ચા કાર્યક્રમ કરે.દેશની જનતાએ જે માણસને આટલી સત્તા આપી આટલી બધી સીટો આપી એમની કથની અને કરણીમાં આટલો મોટો ભેદ કેમ આવી ગયો? આજે કોઈ પણ ખોટી વાત પર ભાજપ કોંગ્રેસ પર આક્ષેપબાજી કરી શકે તેમ નથી કેમ કે સત્તા માટે ભાજપ દ્વારા એ દરેક પાપ કે ભૂલો આ દસ વર્ષમાં થઈ ગઈ. જે ભૂલ કે પાપ કોંગ્રેસને કરતાં ૭૦ વર્ષ લાગ્યાં હતાં.એટલે નૈતિકતાથી જોઈએ તો ભાજપ કરતાં કોંગ્રેસ વધુ સારી કહેવાય.એટલે જ શીર્ષક છે કે ના તો ગાંધી પરિવાર મહાન ન તો મોદી મહાન,ન તો કોંગ્રેસ મહાન ન તો ભાજપ મહાન, ફકત અને ફકત સમય જ મહાન અને બળવાન છે.
સુરત – કિશોર પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.