ભારતીયો માટે તો માત્ર ભારતની જ ચૂંટણી મહત્વની હોય છે. પરંતુ યુનાઇટેડ કિંગડમ, યુએસએ અને કેનેડાની ચૂંટણીમાં પણ ભારતીયો રસ ધરાવે છે. કારણ કે, આ ત્રયેણ દેશની ચૂંટણીમાં મૂળ ભારતીય મતદારનો રોલ મહત્વની ભૂમિકા ભજવે છે. બ્રિટનમાં ચોથી જુલાઈની ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટીની કારમી હાર બાદ તેના લાખો સમર્થકો પણ આવું અનુભવતા હોય તે શક્ય છે. કન્ઝર્વેટિવ પાર્ટીના અનેક હાઈ-પ્રોફાઈલ નેતાઓએ મતદાનના દિવસ પહેલાં જ વિજયની આશા ગુમાવી દીધી હોય એવું લાગતું હતું અને લેબર પાર્ટીને ભારે બહુમતી ન આપવા તેમણે અપીલ કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે નોંધપાત્ર પ્રમાણમાં બેઠકો મળશે તો તેઓ અસરકારક વિરોધ પક્ષની ભૂમિકા ભજવશે. કન્ઝર્વેટિવ પાર્ટીની હાર માટે તજજ્ઞો માને છે કે, હારનું કારણ શ્રેણીબદ્ધ કૌભાંડો છે. તેને કારણે લોકશાહીને નુકસાન થયું હતું. રાજકારણમાંથી મતદારોનો વિશ્વાસ ડગમગી ગયો હતો.કન્ઝર્વેટિવ પાર્ટીના કારમા પરાજય માટે આંશિક રીતે 14 વર્ષના શાસન પછીના મતદારોને કંટાળાને પણ જવાબદાર ગણાવે છે. તેઓ કહે છે, “આ હારની પાછળ એક બાદ એક થયેલી ભૂલો અને ગોટાળાનો ફાળો પણ છે.
કોવિડ-19 મહામારી પ્રત્યેનો ટોરી સરકારનો પ્રતિસાદ યોગ્ય ન હતો. તત્કાલીન વડા પ્રધાન બોરિસ જૉન્સન તથા તેમના વહીવટીતંત્રના સભ્યો દ્વારા લૉકડાઉનના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું.વિવાદ વધતા જૉન્સનને સ્થાને લિઝ ટ્રસને વડાં પ્રધાન બનાવાયાં હતાં.જોકે લિઝ ટ્રસની આર્થિક નીતિ એટલી ખરાબ હતી કે તેમનું શાસન માત્ર 40 દિવસ ટક્યું હતું. પછી ભારતીય મૂળના પ્રથમ બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનક બન્યા હતા. તેમની સરકાર આજીવિકા ખર્ચની કટોકટીમાં સપડાઈ ગઈ અને તાજેતરમાં તેમની તથા તેમની સરકારની નજીકના લોકો સંડોવતું સટ્ટા કૌભાંડ બહાર આવ્યું હતું.
બોરિસ જૉન્સનથી વિપરીત લિઝ ટ્રસ અને ઋષિ સુનક બન્નેની વડા પ્રધાન તરીકે પસંદગી તેમની પાર્ટીએ કરી હતી. હારના કારણો માટે કેટલાક નિષ્ણાતો માને છે કે, પાર્ટીમાં આંતરિક મતભેદ અને નેતૃત્વના સ્તરે વધારે પડતું પરિવર્તન કન્ઝર્વેટિવ પાર્ટીના પતનનાં કેટલાંક કારણો છે.સેનાપતિ બદલાતા રહે તો યુદ્ધ કેવી રીતે જીતી શકાય? છેલ્લાં કેટલાંક વર્ષોમાં જ ચાર વડા પ્રધાન થયા. પક્ષમાં કોઈ એકતા નહોતી અને તેમણે અર્થતંત્રને 14 વર્ષના રાજમાં અસ્થિર થવા દીધું. લેબર પાર્ટીના નેતા કિઅર સ્ટાર્મરે એકલા હાથે તેમના પક્ષમાં સંપૂર્ણ પરિવર્તન કર્યું હોવાનું જણાવીને કન્ઝર્વેટિવ પાર્ટીના તમામ નેતાઓ તેમને વખાણી રહ્યા છે.
સ્ટાર્મરના નેતૃત્વમાં તેમના પક્ષના 2019ના વાર્ષિક સંમેલનમાં એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. તેમાં જાહેરાત કરવામાં આવી હતી કે કાશ્મીરમાં માનવીય સંકટ પેદા થયું છે અને કાશ્મીરના લોકોને આત્મનિર્ણયનો અધિકાર આપવો જોઈએ, એવું ભારપૂર્વક જણાવવામાં આવ્યું હતું. ભારતે આ પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો. એક અન્ય નેતા જેરેમી કોર્બિને સ્પષ્ટતા કરી હતી કે કાશ્મીર, ભારત તથા પાકિસ્તાન વચ્ચેનો આંતરિક મામલો છે, પરંતુ ત્યાં સુધીમાં વાત વણસી ગઈ હતી. જોકે, સ્ટાર્મરે ભારત સાથેના સંબંધ સુધારવાનો વાયદો કર્યો છે.
લેબર પાર્ટીના પૂર્વ સંસદસભ્ય વીરેન્દ્ર શર્મા માને છે કે સ્ટાર્મરના નેતૃત્વમાં દ્વિપક્ષી સંબંધો વધારે મજબૂત થશે. તેઓ કહે છે, “છેલ્લી સંસદમાં લેબર પાર્ટીના છ સંસદસભ્યો ભારતીય મૂળના હતા. તેમની સંખ્યા બમણી થઈ જશે. સ્ટાર્મર સંતુલિત અને વ્યવહારુ છે. દ્વિપક્ષી સંબંધ ઉત્તમ બને એ તેઓ સુનિશ્ચિત કરશે.” જો કે, યુકેના અન્ય રાજકારણી માને છે કે, ઘણા એવા મામલા દબાયેલા છે, જે લેબર પાર્ટીની સરકાર દરમિયાન બ્રિટન અને ભારતના સંબંધોમાં કડવાશનું કારણ બની શકે છે. તેમાં મૂલ્ય આધારિત વિદેશનીતિને આગળ વધારવાના લેબર પાર્ટીના વલણનો સમાવેશ થાય છે.
આ નીતિમાં માનવાધિકારો જેવા મામલા પર વધુ ભાર મૂકવામાં આવે છે. આ સિવાય તેમણે અનેક મતદારોને પણ ખુશ રાખવા પડશે. બ્રિટનમાં ભારતીય મૂળના માત્ર અંદાજે 15 લાખ લોકો રહે છે, તો પાકિસ્તાની મૂળના 12 લાખ લોકો રહે છે. આ સિવાય એવાં સંગઠનો પણ બ્રિટનમાં સક્રિય છે, જે ભારતના સાર્વભૌમત્વને પડકારતી કરી શકે છે. ઉપરાંત વ્યાપક રાજકીય ઘટનાક્રમ અને ભૂ-રાજકીય ઘટનાક્રમનો પ્રભાવ પણ બ્રિટન-ભારતના સંબંધ પર પડી શકે છે.” જેરેમી કોર્બિનના સમયગાળા દરમિયાન બ્રિટનનો ભારત સાથેનો સંબંધ વણસ્યો હતો, પરંતુ સ્ટાર્મરના નેતૃત્વ હેઠળની લેબર પાર્ટીએ ભારત સાથેના સંબંધને પૂર્વવત્ કરવા માટે નક્કર પ્રયાસો કર્યા છે.
સ્ટાર્મર અને તેમની પાર્ટીના અનેક સભ્યોએ ભારત સાથેનો સંબંધ સારો બનાવવાની ઇચ્છાનો સંકેત આપતાં નિવેદનો આપ્યાં છે. 61 વર્ષની વયના કિઅર સ્ટાર્મરે લીડ્સ અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે. તેમણે ઑક્યુપેશનલ થેરપિસ્ટ વિક્ટોરિયા ઍલેકઝાન્ડર સાથે લગ્ન કર્યાં છે. તેમના પરિવારમાં પત્ની અને એક દીકરો તથા દીકરી એમ બે સંતાનોનો સમાવેશ થાય છે. તેમનો સંસદીય મતવિસ્તાર 2015થી હોલબોર્ન અને સેન્ટ પેનક્રાસ છે.
લેબર પાર્ટીના આ નેતા પોતાનો ઉલ્લેખ “શ્રમજીવી વર્ગની પશ્ચાદભૂ” ધરાવતી વ્યક્તિ તરીકે વારંવાર કરે છે અને ઘણીવાર તેઓ જ્યાં મોટા થયા હતા તે ઓક્સ્ટેડ, સરેના “પેબલ-ડેશ સેમી”નો સંદર્ભ આપે છે. તેમના પિતા ટૂલમેકર હતા અને માતા નર્સ તરીકે કામ કરતાં હતાં. તેમના માતા સ્ટીલ ડિસીઝથી પીડિત હતાં. તે એક દુર્લભ ઑટોઈમ્યુન સ્થિતિ છે. તેના કારણે તેમના માતાના બોલવા કે ચાલવા અસમર્થ થઈ ગયાં હતાં. તેમણે રીગેટ ગ્રામર સ્કૂલમાં પ્રારંભિક અભ્યાસ કર્યો હતો. તેઓ જોડાયાનાં બે વર્ષ પછી એ સ્કૂલ ખાનગી શાળા બની હતી.
તેઓ 16 વર્ષના હતા ત્યાં સુધી તેમની ફી સ્થાનિક કાઉન્સિલ ચૂકવતી હતી. શાળા અભ્યાસ પછી તેઓ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા ગયેલા તેમના પરિવારના પ્રથમ સભ્ય બન્યા હતા. તેમણે લીડ્સ યુનિવર્સિટીમાં અને બાદમાં ઓક્સફોર્ડમાં કાયદાનો અભ્યાસ કર્યો હતો. 1987માં તેઓ બૅરિસ્ટર અને માનવાધિકાર કાયદાના નિષ્ણાત બન્યા. તેમનું કામ તેમને કૅરેબિયન અને આફ્રિકા લઈ ગયું હતું. ત્યાં તેમણે મૃત્યુદંડનો સામનો કરી રહેલા કેદીઓનો બચાવ કર્યો હતો. 1990ના દાયકાના અંતમાં તેમણે કહેવાતા મૅકલિબેલ કર્મશીલોને મફતમાં સેવા આપી હતી. ફાસ્ટ ફૂડ ક્ષેત્રની દિગ્ગજ કંપનીના પર્યાવરણ સંબંધી દાવાઓ વિશે સવાલ ઉઠાવતી પત્રિકાઓના વિતરણ બદલ મૅકડોનાલ્ડ્સ આ કર્મશીલોની પાછળ પડી હતી. 2008માં તેમને ઇંગ્લૅન્ડ અને વૅલ્સના ડિરેક્ટર ઑફ પબ્લિક પ્રૉસિક્યુશન્શ તરીકે નોમિનેટ કરવામાં આવ્યા હતા.