Charchapatra

અંધભક્તિની પ્રસરે આણ: વિવેકબુદ્ધિનો કચ્ચરઘાણ

હાથરસની દુર્ઘટનાએ સાબિત કરી દીધું કે આપણી પ્રજા કેટલી બધી ધર્મઘેલછામાં રમમાણ છે. પોતાનાં દુઃખ દર્દ કોઈ ચમત્કારથી મટી જશે એવી અંધશ્રદ્ધા સાથે લોકટોળાંઓ ભેગાં થાય છે અને બાબાઓ પોતાનો વ્યાપ વધારતા જાય છે.મંદિરો અને દેવસ્થાનોની ભીડને કાબૂમાં કરવા ચોક્કસ પ્રકારના વ્યવસ્થાપનની જરૂર પડે છે, તિરૂપતિ બાલાજી કે શિરડી સાંઈ બાબાના મંદિરે આ પ્રકારની વ્યવસ્થા જોવા મળે છે, જેમાં દર્શનાર્થીની સગવડ સચવાય છે. પરંતુ કેટલાંક સ્થળોએ હજી આવી વ્યવસ્થા નથી.બાબાઓ માટે વધારે મોટી ભીડ એ એમની ટીઆરપીનો વધતો ગ્રાફ છે. શારીરિક,માનસિક બિમારીથી ગ્રસ્ત લોકો અહીં તૂટી પડે છે.

મહાપ્રસાદનું આયોજન હોય એટલે ભક્તોની હાજરીમાં ભરતી આવે.ખરેખર તો સલામતીનાં તમામ ધોરણો આવા સ્થળે જડબેસલાક રીતે પળાવાં જોઈએ. વળી સાધુ બાવાઓના નિકટ દર્શન, ચરણસ્પર્શ કે એમના દ્વારા વહેંચાતી કૃપાપ્રસાદી મેળવવા માટે જે અંધાધૂંધ પડાપડી થાય છે તે પ્રાણઘાતક હોય છે.આપણી બહુધા પ્રજા અંધશ્રદ્ધાળુ છે, દુઃખ દૂર કરવા અને સુખ મેળવવા માટેના શોર્ટકટ શોધતી રહે છે. પ્રજાની આ માનસિકતાનો ધર્મના ઠેકેદારો બખૂબી લાભ લે છે. એટલે જ સરકાર દ્વારા કાયદાકીય રીતે આવી ભીડ ભેગી કરનારાઓ માટે સખત સજાની જોગવાઈ થવી જોઈએ.
સુરત     – પ્રકાશ પરમાર આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

બંધારણ જાળવવું તે દરેક નાગરિકની પણ ફરજ છે
ગાંધીજીની દોરવણી મુજબ અંગ્રેજોની હકૂમતના, હિંદુસ્તાનના સ્વાતંત્ર્ય સેનાનીઓએ અહિંસક આંદોલન વડે આપણા દેશને આઝાદી આપી હતી. કોઇ પણ સ્વતંત્ર દેશ કે સંસ્થા અસ્તિત્વમાં આવે ત્યારપર્યંત સુચારુ રીતે સુકાન ચલાવવા કાયદાકીય રીતે લોકશાહીમાં આમજનતાની સુખાકારી માટે બંધારણની જોગવાઇ કરવામાં આવે છે. ત્યાર બાદ સુખાકારી સુકાનને અસ્તિત્વ થયેલું માનવામાં આવે છે. ડો.આંબેડકર તેમજ દેશના પ્રખર શિક્ષિતોને બંધારણ ઘડવા આમંત્રણ આપતાં તેઓશ્રીએ પ્રજા અને દેશના હિતને ધ્યાનમાં લઇ બંધારણ તૈયાર કર્યું હતું.

આજપર્યંત તેની કલમોનો માનભેર ઉપયોગ કરવામાં આવે છે. આપણા દેશમાં દર પાંચ વર્ષે પુખ્ત મતદાતા દ્વારા વિધાનસભાના સભ્યો તેમજ લોકસભાના સાંસદોને લોકમતથી મતદાનની ચૂંટણી કરવામાં આવે છે. જેમાંના તેઓશ્રીઓ લાગત રચનાત્મક યોગ્ય જરૂરી સુધારા કરાવી શકે છે, નહિ કે બંધારણનું નવું માળખું તૈયાર કરવું. પ્રજાહિત ખાતર આજકાલ જે બંધારણ અસ્તિત્વમાં છે તેને જ બચાવીને તેના આયુષ્યની શુભેચ્છા પાઠવવી જોઇએ. જે દેશના દરેક નાગરિકની ફરજ અને હિતકર છે.
સુરત      ભૂપેન્દ્ર સી. મારફતિયા આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top