Sports

ભારતે ઝિમ્બાબ્વે સામેની બીજી T20 મેચ 100 રનથી જીતી, અભિષેક શર્માની યાદગાર ઇનિંગ

ભારત (India) અને ઝિમ્બાબ્વે વચ્ચે પાંચ મેચની T20 શ્રેણીની બીજી મેચ હરારે સ્પોર્ટ્સ ક્લબ (Sports Club) ખાતે રમાઈ હતી. ટીમ ઈન્ડિયા આ મેચ જીતી ગઈ છે. ભારતની જીતનો સૌથી મોટો હીરો અભિષેક શર્મા રહ્યો હતો. આ મેચમાં તેણે જોરદાર સદી ફટકારી હતી. ભારતે આ મેચ 100 રને જીતી લીધી હતી. આ મેચ જીતીને ભારતીય ટીમ હવે શ્રેણીમાં 1-1ની બરાબરી પર છે અને તેણે શાનદાર વાપસી કરી છે. ભારતને છેલ્લી મેચમાં લો સ્કોરિંગ મેચમાં 13 રને હારનો સામનો કરવો પડ્યો હતો.

બંને ટીમો વચ્ચે રમાયેલી આ મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ પછી ટીમ ઈન્ડિયાએ પ્રથમ દાવમાં 20 ઓવરમાં માત્ર બે વિકેટ ગુમાવીને 234 રન બનાવ્યા હતા. ભારતની શરૂઆત સારી રહી ન હતી અને ટીમ ઈન્ડિયાએ પોતાની પહેલી વિકેટ માત્ર 10 રનના સ્કોર પર કેપ્ટન શુભમન ગિલના રૂપમાં ગુમાવી દીધી હતી. ગિલના આઉટ થયા બાદ અભિષેક શર્મા અને રુતુરાજ ગાયકવાડે ભારતનો દાવ સંભાળ્યો અને બીજી વિકેટ માટે 137 રન જોડ્યા હતા.

અભિષેક શર્માની શાનદાર ઇનિંગ
આ દરમિયાન અભિષેક શર્માએ 46 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. અભિષેક સદી ફટકારતાની સાથે જ આઉટ થઈ ગયો હતો. આ મેચમાં તેણે 47 બોલમાં 100 રનની ઈનિંગ રમી હતી અને 212.77ની સ્ટ્રાઈક રેટથી 7 ફોર અને 8 સિક્સ પણ ફટકારી હતી. અભિષેક શર્માની શાનદાર ઇનિંગ બાદ રુતુરાજ ગાયકવાડે રિંકુ સિંહ સાથે મળીને ભારતીય ઇનિંગની કમાન સંભાળી હતી. આ મેચમાં રૂતુરાજે 47 બોલમાં 77 રન અને રિંકુ સિંહે 22 બોલમાં 48 રન બનાવ્યા હતા. રિંકુએ પોતાની ઇનિંગ દરમિયાન 2 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા. આમ કરીને ટીમ ઈન્ડિયાએ ઝિમ્બાબ્વેને 235 રનનો વિશાળ લક્ષ્યાંક આપ્યો હતો.

ભારત દ્વારા આપવામાં આવેલા આટલા મોટા લક્ષ્યનો પીછો કરવા આવેલી ઝિમ્બાબ્વેની ટીમ આ મેચમાં શરૂઆતથી જ પાછળ જોવા મળી હતી અને તે 18.4 ઓવરમાં 134 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ઝિમ્બાબ્વેએ તેની પ્રથમ વિકેટ પહેલી જ ઓવરમાં માત્ર 4 રનના સ્કોર પર ગુમાવી દીધી હતી. આ પછી ઝિમ્બાબ્વેએ બીજી વિકેટ લીધી અને ખૂબ જ ઝડપથી 36 રન જોડ્યા હતા. તે સમયે એવું લાગતું હતું કે પીચ બેટિંગ માટે ઘણી સારી છે પરંતુ ભારતીય બોલરોએ ભારત માટે શાનદાર વાપસી કરી અને બ્રાયન બેનેટને આઉટ કર્યો હતો.

આ મેચમાં બ્રાયન બેનેટે 9 બોલમાં 26 રન બનાવ્યા હતા. આ પછી ઝિમ્બાબ્વેએ એક પછી એક વિકેટ ગુમાવવાનું શરૂ કર્યું. આ દરમિયાન ભારત તરફથી મુકેશ કુમાર અને અવેશ ખાને ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે રવિ બિશ્નોઈએ બે અને વોશિંગ્ટન સુંદરે એક વિકેટ ઝડપી હતી. બંને ટીમો વચ્ચેની શ્રેણીની આગામી મેચ હરારે સ્પોર્ટ્સ ક્લબમાં જ રમાશે. આ મેચ 10મી જુલાઈના રોજ યોજાશે. જ્યાં બંને ટીમો હવે લીડ મેળવવા માટે મેદાનમાં ઉતરશે.

Most Popular

To Top