સુરત: (Surat) સુરત જિલ્લાના બારડોલી (Bardoli) મઢી સહિતના વિસ્તારમાં ગત અઠવાડિયે કાગડાઓ ટપોટપ મરવાની ઘટના બાદ આરોગ્ય વિભાગ દોડતું થયું હતું. ગઈકાલે મઢીમાં મૃત મળેલા ચાર પૈકી બે કાગડાઓનો બર્ડ ફ્લૂ (Bird Flu) રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આજે બારડોલીમાં મૃત મળેલા બે કાગડાનો (Crows) રિપોર્ટ પણ પોઝિટિવ આવતાં આરોગ્ય વિભાગમાં પણ ફફડાટ ફેલાયો છે.
શહેરમાં હજુ કોરોના મહામારી શાંત પડી નથી કે ત્યાં હવે બર્ડ ફ્લુની એન્ટ્રી થઈ છે. સુરત જિલ્લાના બારડોલી ખાતે આજે વધુ બે મૃત કાગડાના બર્ડ ફ્લૂ રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. ગઈકાલે મઢીમાં મળેલા ચાર પૈકી બે કાગડાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આમ જિલ્લામાં અત્યાર સુધી ચાર કાગડાના બર્ડ ફ્લૂ રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. બર્ડફ્લુની એન્ટ્રી સાથે જિલ્લા આરોગ્ય વિભાગની ૧૬ જેટલી ટીમો સમગ્ર જિલ્લામાં સર્વેલન્સની કામગીરીમાં જોતરાઈ ગઈ છે. ગઈકાલે મઢીમાં જિલ્લા કલેક્ટરે જાહેરનામું પ્રસિદ્ધ કરી કેટલાક પ્રતિબંધો લાધી દીધા હતા. હવે બારડોલીમાં પણ બે કાગડાના રિપોર્ટ પોઝિટિવ આવતા જિલ્લા કલેકટર દ્વારા એક કિલોમીટર સુધીના વિસ્તારમાં ચિકન મટનના ખરીદ વેચાણ પર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે. આ સાથે જ ૧૦ કિલોમીટરની ત્રિજ્યામાં આવતા તમામ પોલ્ટ્રી ફાર્મ સહિતના વિસ્તારોમાં સર્વેલન્સ કામગીરી શરૂ કરી દેવાઇ છે.
બર્ડ ફ્લૂના સંક્રમણ ઉપર જલદી જ કાબૂ મેળવી લેવાશે: મંત્રી ઈશ્વર પરમાર
સમગ્ર ઘટના અંગે રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ઈશ્વર પરમારે જણાવ્યું હતું કે, બારડોલી તાલુકામાં જે કેસો મળી આવ્યા છે તે માટે સરકાર દ્વારા તપાસના આદેશો આપી દેવામાં આવ્યા છે. અને પશુપાલન વિભાગ સાથે સંકલનમાં રહી તંત્ર પણ જે-તે વિસ્તારોમાં આવશ્યક પગલાં લઈ રહ્યું છે. આ રોગ પક્ષીમાં જોવા મળતો હોય છે. મનુષ્યમાં તેની ભાગ્યે જ અસર દેખાય છે. તેમ છતાં પક્ષીઓમાં આ રોગ વધુ ન ફેલાય તે માટે સરકાર દ્વારા સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. ટૂંક જ સમયમાં રોગ પર કાબૂ મેળવી લેવાશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
પોલ્ટ્રી ફાર્મમાં તપાસ
જિલ્લા આરોગ્ય વિભાગના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ મૃત કાગડાના બર્ડ ફ્લૂ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આરોગ્ય વિભાગની ટીમ હાઇપર એક્ટિવ થઈ ગઈ છે. જિલ્લામાં કુલ ૧૬ ટીમો દ્વારા 117 પોલ્ટ્રી ફાર્મની છેલ્લા ત્રણ દિવસમાં તપાસ કરવામાં આવી છે. જોકે આરોગ્ય વિભાગની ટીમને પોલ્ટ્રી ફાર્મ પર હજી સુધી આ પ્રકારના લક્ષણો જણાતા કોઈ અન્ય પક્ષી મળી આવ્યા નથી.