એક દિવસ અર્જુનના મનમાં પ્રશ્ન આવ્યો. તેણે પોતાના મનમાં ઊઠેલા પ્રશ્નનો જવાબ મેળવવા માટે શ્રીકૃષ્ણ પાસે જવાનું નક્કી કર્યું.ભગવાન શ્રીકૃષ્ણ પાસે જઈને તેને પૂછ્યું, ‘માધવ, એક પ્રશ્ન મનમાં છે.’ કૃષ્ણ હસ્યા અને બોલ્યા, ‘હા પાર્થ, પૂછ, પણ પહેલાં મને કહે તું કોણ છે અને હું કોણ છું?’ અર્જુન બે ઘડી વિચારમાં પડ્યો અને પછી બોલ્યો, ‘હે કેશવ, તમે સાક્ષાત્ નારાયણ છો અને હું તમારો મામૂલી ભક્ત પણ એટલો સદ્ભાગી છું કે તમે મને સખા ગણો છો.’ ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા, ‘પાર્થ, તારો પ્રશ્ન શું છે?’ અર્જુને કહ્યું, ‘વાસુદેવ કૃષ્ણ, મારા મનમાં પ્રશ્ન ઊઠ્યો છે કે આ બ્રહ્માંડમાં સૌથી મોટું કોણ છે?’
શ્રીકૃષ્ણે સામે પૂછ્યું, ‘તને સૌથી મોટું કોણ લાગે છે?’ અર્જુન વિચારમાં પડ્યો પછી બોલ્યો, ‘આ ધરતી …કે આ સાગર કે પછી આકાશ બધું વિશાળ છે, પણ કંઈ સમજાતું નથી સૌથી મોટું કોણ?’ ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા, ‘પાર્થ, આ ધરતી વિશાળ છે, પણ તેને સમુદ્રે ઘેરી રાખી છે એટલે ધરતીથી મોટો સાગર છે પણ સાગર પણ સૌથી મોટો ન કહેવાય કારણ તેને તો એક ઋષિ અગત્સ્ય પી ગયા હતા અને તે ઋષિ અગત્સ્ય તો આકાશના એક ખૂણામાં તારો બની ચમકી રહ્યા છે.’ અર્જુને કહ્યું, ‘પ્રભુ એટલે આકાશ સૌથી મોટું કહેવાય ને?’
ભગવાન કૃષ્ણ મરક મરક હસ્યા અને બોલ્યા, ‘પણ આકાશને તો મારા વામન અવતાર સ્વરૂપે એક જ ડગલામાં સમાવી લીધું હતું…’ અને આગળ ભગવાન કૃષ્ણ કંઈ બોલે તે પહેલાં અર્જુને તેમના પગ પકડી લીધા અને કહ્યું, ‘એટલે ભગવન, તમે સૌથી મોટા છો. હું પણ કેવો નાદાન છું કે તમને સામે જોઉં છું અને આવો પ્રશ્ન તમને જ પૂછું છું.’ ભગવાન કૃષ્ણ અર્જુનને પગમાંથી ઉઠાડી ગળે લગાવતાં બોલ્યા, ‘હું નથી સૌથી મોટો કારણકે હું તો મારા સાચા ભક્તના હ્રદયમાં નિવાસ કરું છું એટલે સૌથી મોટો હું નહિ પણ મારો ભક્ત છે.મારા દરેક સાચા ભક્તના હ્રદયમાં મારું નિવાસસ્થાન છે એટલે ભક્તનું હદય આકાશ ,સાગર ,ધરતી કરતાં અનેકગણું વિશાળ છે, જે મને પોતાના હ્રદયમાં સમાવે છે એટલે આ બ્રહ્માંડમાં સૌથી મોટો તો સાચો ભક્ત છે સમજ્યો.’પ્રભુએ ભક્તના મનની જિજ્ઞાસા દૂર કરતાં તેને જ મોટપ આપી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.