સુરત: (Surat) ટેકનોલોજીનો જેટલો લાભ છે તેટલું નુકશાન પણ છે. જો ટેકનોલોજીનો ઉપયોગ કરતી વખતે ધ્યાન રાખવામાં નહી આવે તો અર્થનો અનર્થ થઇ શકે છે. સુરતમાં મજુરાના ધારાસભ્ય હર્ષ સંઘવી (MLA Harsh Sanghvi) સાથે પણ આજે આવું જ થયું હતું. ધારાસભ્ય હર્ષ સંઘવીએ ફેસબુક (Facebook Post) પર પોસ્ટ કરી મુખ્યમંત્રીને અભિનંદન આપવા જતા છબરડો થયો હતો. જોકે ભૂલ થયાની ખબર પડી જતાં હર્ષ સંઘવીએ પોસ્ટ ડિલીટ કરી દીધી હતી.
મુખ્યમંત્રી વિજય રૂપાણી હજીરા ખાતે એલ એન્ડ ટી કંપનીમાં 91 મી કે-9 વ્રજ ટેન્કને ભારતીય સેનામાં સામેલ કરવાં માટે ફલેગ ઓફ થકી પ્રસ્થાન કરાવ્યું હતું. આ બાબતને ધારાસભ્ય હર્ષ સંઘવીએ ફેસબુક પર પોસ્ટ કરી મુખ્યમંત્રીને અભિનંદન આપવા જતા છબરડો થયો હતો.
હર્ષ સંઘવી તેમની ફેસબુક મુખ્યમંત્રીના હસ્તે પ્રસ્થાન કરાવતા વાળી પોસ્ટમાં ઓટો ટ્રાન્લેટમાં હિન્દીમાં ખોટું ભાષાતર થઇ હસ્તેની જગ્યાએ નિધન શબ્દ સાથે પોસ્ટ અપલોડ થઇ જતા રાજકીય વિવાદ સજાર્યો હતો. આ કારણે કેટલાક રાજકીય વિરોધીઓ દ્વારા આ ભૂલવાળી પોસ્ટને સોશિયલ મીડિયામાં વાઈરલ કરી દેવામાં આવી હતી. જેને પગલે રાજકીય વર્તુળમાં ભારે ચર્ચા જાગી હતી. જોકે ભૂલ થયાની ખબર પડી જતાં હર્ષ સંઘવીએ પોસ્ટ ડિલીટ કરી દીધી હતી.
૯૧મી કે-૯ વજ્ર ટેન્કને હજીરામાં મુખ્યમંત્રીએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી
સુરતઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મેક ઈન ઈન્ડિયાના વિઝન હેઠળ એલ. એન્ડ ટી. હજીરા દ્વારા નિર્મિત થયેલી ૯૧મી કે-૯ વ્રજ ટેન્કને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ વેળાએ વજ્ર ટેન્કની આરતી ઉતારી પરંપરાગત પુજન-અર્ચન કરીને ટેન્ક પર સવાર થઈને અભિવાદન ઝીલ્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનએ આત્મનિર્ભર ભારત, મેક-ઈન ઈન્ડિયા, સ્કીલ ઈન્ડિયા, ડિઝીટલ ઈન્ડિયા જેવા અભિયાનો સૂત્રો સાથેનું આગવો દ્રષ્ટિકોણ આપીને દેશની જનતામાં નવી આશા-જોમનું સર્જન કર્યું છે.
સમગ્ર વિશ્વમાં એલ એન્ડ ટી કંપનીએ એન્જિનિયરીંગ ક્ષેત્રે અશકયને શકય બનાવીને દેશનું ગૌરવ વધાર્યું છે. ડિફેન્સના સાધનો પહેલા બહારથી આયાત કરવા પડતા હતા. હવે ડી.આર.ડી.ઓ. મારફતે સંશોધનો કરીને આપણે ત્યાં સાધનોનું નિર્માણ થાય તે દિશામાં સરકારે કાર્ય હાથ ધર્યું છે. સંરક્ષણ શસ્ત્રસરજામનું ભારતમાં નિર્માણ શરૂ કરીને કંપનીએ શ્રેષ્ઠતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયું છે. આ કંપનીએ ગુજરાતમાં વિશ્વનું સૌથી મોટુ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ બનાવવાનું બીડુ ઝડપી પોતાની ઉચ્ચ ઈજનેરી ક્ષમતા સાબિત કરી છે.
હજીરા L એન્ડ T કંપનીના ડિરેક્ટર જયંત પાટીલે જણાવ્યું કે, એલ એન્ડ ટી કંપનીએ કે-૯ વજ્ર ટેન્ક પ્રોજેક્ટની સૌથી પહેલી ટેન્ક બનાવી તેની મજબૂતી દુનિયાના અન્ય કોઈ દેશો પાસે નથી. આ ટેન્ક બનાવવાનાં માત્ર ૧૨-૧૫ ટકા સ્પાર્ટસ વિદેશથી આયાત કરવામાં આવે છે. આગામી ફેબ્રુઆરીના અંત સુધીમાં ૧૦૦થી વધુ ટેન્ક પુરી પાડવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો હોવાનું તેમણે જણાવ્યું હતું. હજીરા સ્થિત એલ.એન્ડ ટી. કંપનીના પ્લાન્ટ હેડ યોગેશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, કંપની છેલ્લા ૩૭ વર્ષથી કાર્યરત છે. વર્ષ ૧૯૮૭માં મેન્યુફેકચરીંગ ક્ષેત્રે કાર્યરત રહીને તબક્કાવાર આજે ૭૫૦ એકરમાં વિકસિત થઇને વિશ્વની ‘અનબિલીવેબલ’ કંપની બની છે.