Comments

જિંદગીનું સત્ય

ઘરમાં સસરાએ પોતાના  માટે બપોરની કોફી બનાવતાં પ્રિયા રડી પડી. તેની આંખોમાં આંસુ જોઇને વયોવૃદ્ધ સસરાએ પૂછ્યું, ‘વહુ બેટા, શું થયું?’ પ્રિયા બોલી, ‘કંઈ નહિ પપ્પાજી, તમે કાલે ૮૫ વર્ષના થશો તે ઉજવણીની તૈયારીઓ વચ્ચે  વિચાર આવ્યો કે તમારું જીવન પૂરું થવા આવ્યું અને મારી જિંદગીનાં ૫૪ વર્ષ પણ એમ જ ઘર સાચવવામાં અને ઘરનું કામ કરવામાં,બાળકોને ઉછેરવામાં વહી ગયાં.નાનકડી જિંદગી હવે બહુ ઓછાં વર્ષો બાકી રહ્યાં.પતિ બિઝનેસમાં બીઝી અને બાળકો મોટાં થઈને દૂર દૂર નીકળી ગયાં. અહીં હું એકલી રહી ગઈ. કોઈ સાથી દોસ્ત પણ હવે નથી.

જિંદગી આમ ને આમ પૂરી થઇ જશે.’  સસરા હસ્યા અને બોલ્યા, ‘વહુ બેટા, તું મારી વહુ છે,દીકરી છે,સાથી છે,કેરટેકર છે, જાણે મિત્ર જેવી જ છે.મારા જીવનના અનુભવ પરથી મને જે સમજયા છે તે જિંદગીનું સત્ય તને કહું છું.’ પ્રિયાએ કહ્યું, ‘કયું જિંદગીનું સત્ય?’ સસરાજી બોલ્યા, ‘આપણી જિંદગીનું સત્ય છે, આપણે જાણતા નથી અને કદાચ જાણીએ છીએ પણ તેની પર ધ્યાન આપતા નથી.જો સાંભળ; સૌથી પહેલાં દરેકની જિંદગી પોતાની છે તે પોતાની રીતે જીવવાની હોય છે.દરેક જિંદગી ક્યારેક તો પૂરી થાય જ છે તે તો તને ખબર જ હશે પણ જિંદગી પૂરી થાય તે પહેલાં કઈ રીતે જીવવું તે દરેકના પોતાના હાથમાં હોય છે.

જિંદગી ક્યારેય ટૂંકી નથી હોતી. આપણે જીવવાનું જ મોડું શરૂ કરીએ છીએ.મેં રીટાયરમેન્ટ પછી પણ સાત વર્ષ કામ કર્યું અને ૬૭ વર્ષે મારી જિંદગીને મારી રીતે જીવવાનું શરૂ કર્યું.તો તું તો વહેલી જાગી ગઈ છે.’ પ્રિયા તરત બોલી, ‘એ કઈ રીતે પપ્પા?’  સસરાજી બોલ્યા, ‘જો તને આજે એમ થાય છે કે જિંદગી જવાબદારીઓમાં વહી ગઈ અને હું મારી રીતે જીવી જ ન શકી તો કંઈ વાંધો નહિ, હજી તું ૫૪ વર્ષની છે. આજથી જ તારી પોતાની રીતે જીવવાનું શરૂ કરી દે. હજી મોડું નથી થયું.જિંદગીમાં કોઈ સાથી દોસ્ત સહેલી હોય તો ચોક્કસ સારું જ કહેવાય પણ જો કોઈ સાથે ન હોય તો દુઃખી થવાની જરૂર નથી.

તમારું મન તમારું હંમેશનું સાથી જે સદા સાથે જ રહે છે માટે મનગમતું પહેર, મનગમતું કર ,મનગમતું શીખ,મનગમતા સ્થળે ફરવા જા.મન સાથે જ રહે છે અને હંમેશા શું સાચું અને શું ખોટું તે પણ સમજાવી દે છે અને ખાસ યાદ રાખવા જેવું અને બધાને સમજાવવા જેવું જિંદગીનું સત્ય છે કે જિંદગી એક દિવસ ચોક્કસ પૂરી થાય છે પણ જિંદગી દરમ્યાન બધું જ ખતમ ક્યારેય થતું નથી.જયારે જીવનમાં નિરાશા આવે કે બધું જ ખતમ થઈ ગયું છે ત્યારે યાદ રાખવું કે હંમેશા એક નવી રાહ તમારી રાહ જોતી હોય છે.’ પ્રિયા બોલી, ‘પપ્પાજી, તમે તો સાચી સમજ આપી મારા મનની નિરાશા દૂર કરી નાખી. હવે કાલે તમારી ૮૫મી બર્થ ડે પર હું કેક બનાવીશ અને ડાન્સ પણ કરીશ કારણ બેકિંગ કરવું અને ડાન્સ કરવો મારા કોલેજના જમાનાનો શોખ છે.’ સસરાજી બોલ્યા, ‘મારા ફેવરીટ ગીત પર ડાન્સ કરજે.’  
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top