ભારે ગરમી અને ઉકળાટ બાદ આખરે સુરતમાં મેઘમહેર થઈ હતી. સુરત જિલ્લામાં શનિવાર સાંજથી જ વરસાદ વરસવાનું શરૂ થયું હતું. સુરત શહેરમાં શનિવારે મોડી રાતથી સવાર સુધી વરસાદ વરસ્યો હતો. રવિવારે સમગ્ર દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહ્યું હતું. રવિવારે બપોર બાદ ફરી ધોધમાર વરસાદ વરસતા સુરતીઓનો રવિવાર ખુશ્નુમા બની ગયો હતો.
નવસારીમાં મોનસૂન અટકી ગયા બાદ અઠવાડિયા બાદ મોનસૂન સુરત પહોંચ્યું હતું. શનિવારથી જ કાળા ડિબાંગ વાદળો સુરતના આકાશમાં ઘેરાયા હતા. મોડી રાત્રો ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યું હતું. અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જ્યારે રવિવારે બપોર બાદ ફરી વરસાદ વરસ્યો હતો. લગભગ એક કલાક સુધી મેઘરાજાએ ઝમાઝમ મહેર વરસાવી હતી.
રાજ્યમાં લાંબા સમય બાદ વરસાદી સિસ્ટમ સક્રિય છેલ્લા ૨૪ કલાક માં રાજ્યના 78 તાલુકાઓ માં વરસાદ વરસ્યો છે. બીજી તરફ ખેડૂતોનું કહેવું છે કે રાજ્યમાં ચોમાસાનું આગમન તો થઈ ગયું છે પરંતુ હજુ પણ જોરદાર વરસાદી માહોલ જામ્યો નથી. હજુ અનેક જિલ્લામાં વાવણીલાયક વરસાદ વરસ્યો નથી. રાજ્યના અન્ય જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ પડ્યો હતો. ભરૂચમં ધોધમાર વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં ૨ ઈંચ વરસાદ ખાબક્યો હતો. તાપી જિલ્લાના કૂકમુંડા તાલુકા માં ૩ ઈંચ થી વધુ વરસાદ વરસ્યો છે જ્યારે વલસાડમાં અઢી ઈંચ વરસાદ વરસ્યો હતો.